GST Council Meeting Updates: નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં થયેલી આ બેઠકમાં ઘણા પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી હતી. નાણામંત્રીએ સ્પષ્ટતા કરી કે હવે ફક્ત બે GST સ્લેબ રહેશે, જે 5% અને 18% હશે. આનો અર્થ એ થયો કે હવે 12 અને 28% ના GST સ્લેબ નાબૂદ કરવામાં આવ્યા છે અને તેમાં સમાવિષ્ટ મોટાભાગની વસ્તુઓ ફક્ત બે મંજૂર ટેક્સ સ્લેબ હેઠળ આવશે. આના કારણે ઘણી વસ્તુઓ સસ્તી થશે. 22 સપ્ટેમ્બરથી આ લાગુ થશે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે GST બેઠકમાં લેવાયેલા નિર્ણયો વિશે વાત કરતા કહ્યું કે અમારું ધ્યાન દેશના સામાન્ય માણસ પર છે. ખેડૂતોથી લઈને મજૂર સુધીના દરેકને ધ્યાનમાં રાખીને સ્લેબ ઘટાડવાની મંજૂરી આપવામાં આવી છે અને બેઠકમાં સામેલ તમામ રાજ્યોના નાણામંત્રીઓએ આ નિર્ણયને ટેકો આપ્યો હતો. સમયની માંગને સમજીને બધાએ આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં સંપૂર્ણ સંમતિ વ્યક્ત કરી હતી.
GST કાઉન્સિલની બેઠક બાદ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે પત્રકારોને જણાવ્યું હતું કે જે વસ્તુઓ પર GST ઘટાડીને 5% કરવામાં આવ્યો છે તેમાં હેયર ઓઇલ, ટોઇલેટ સાબુ, સાબુના બાર, શેમ્પૂ, ટૂથબ્રશ, ટૂથપેસ્ટ, સાયકલ, ટેબલવેર, રસોડાના વાસણો અને અન્ય ઘરગથ્થુ વસ્તુઓ. જે વસ્તુઓ પર GST 5% થી ઘટાડીને 0% કરવામાં આવ્યો છે તેમાં અલ્ટ્રા હાઇ ટેમ્પરેચર દૂધ, પનીર. રોટલી કે પરાઠા કે જે કંઈ પણ તે બધા પર શૂન્ય દર લાગુ થશે.”
નાણામંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી હતી કે હવે બધા ટીવી પર 18 ટકાના દરે કર લાગશે. કેન્સર માટે જીવનરક્ષક દવાઓ પર કોઈ કર નહીં લાગે. સિગારેટ અને પાન મસાલા જેવા વ્યસનકારક ઉત્પાદનો પર 40 ટકાનો સૌથી વધુ કર દર લાગુ પડશે.
આ પણ વાંચો – ભારત-યુરોપિયન યૂનિયન વચ્ચે જલ્દી થશે ફ્રી ટ્રેડ ડીલ, જર્મન વિદેશ મંત્રી સાથે મુલાકાત પછી જયશંકરે કહી આવી વાત
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું ટેરિફની ઉથલ પુથલે GST સુધારા પર અસર કરી નથી . અમે દોઢ વર્ષથી વધુ સમયથી તેના પર કામ કરી રહ્યા છીએ. મંત્રીઓનું એક જૂથ દરને તર્કસંગત બનાવવા પર કામ કરી રહ્યું હતું. મંત્રીઓનું બીજું જૂથ વીમા અને અન્ય બાબતો પર કામ કરી રહ્યું હતું.
GST નુકસાનના પ્રશ્ન પર તેમણે કહ્યું કે ઘણા આંકડાઓ ઉછાળવામાં આવી રહ્યા છે. આટલું નુકસાન, આટલું નુકસાન… હું એ ચર્ચામાં પડવાની નથી કે કોઈએ આટલું કહ્યું અને કોઈએ આટલું કહ્યું. અમારી પાસે ડેટા છે.
મહેસૂલ સચિવ અરવિંદ શ્રીવાસ્તવે કહ્યું કે આ નિર્ણયથી આવક પર લગભગ 48,000 કરોડ રુપિયાનો પ્રભાવ પડશે. EV વાહનો પર GST અંગે અરવિંદ શ્રીવાસ્તવે કહ્યું તે ફક્ત 5% છે.”
સામાન્ય માણસને ફાયદો થશે – મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે સ્વતંત્રતા દિવસના ભાષણ દરમિયાન મેં GST વિશે વાત કરી હતી. એ જણાવતા આનંદ થઇ રહ્યો છે કે GST કાઉન્સિલે કેન્દ્ર સરકાર દ્વારા GST દરમાં ઘટાડા અને સુધારા પર સામૂહિક રીતે સંમતિ દર્શાવી છે, જેનો લાભ સામાન્ય માણસ, ખેડૂતો, MSME, મધ્યમ વર્ગ, મહિલાઓ અને યુવાનોને મળશે.