GST Council Meeting 2025 : જીએસટી કાઉન્સિલની બેઠક આજે એટલે કે 3 સપ્ટેમ્બર 2025થી નવી દિલ્હીમાં શરૂ થઈ ગઈ છે. આ બેઠકમાં પહેલાથી હાજર ટેક્સ સ્લેબને વધુ સરળ બનાવવા અને જીએસટી રેટમાં ઘટાડો કરવા માટે ચર્ચા કરવામાં આવી રહી છે. જીએસટી રિફોર્મ્સ માટેની આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ છે અને સામાન્ય લોકોની નજર તેના પર ટકેલી છે.
જીએસટી કાઉન્સિલની બેઠક બાદ રોજીંદી વસ્તુઓથી લઈને ઘરેલુ ઉપકરણો જેવા કે ટીવી, એસી, ફ્રિજ, વોશિંગ મશીન અને વાહનોના ભાવ ઘટી શકે છે. જી હા, જો દિવાળી જેવા મોટા તહેવાર પહેલા આવું થાય તો સામાન્ય લોકોને ચોક્કસ રાહત મળશે. ચાલો જાણીયે, હાલ આ ચીજો પર કેટલો ટેક્સ લાગે છે અને જીએસટી રિફોર્મ્સ પછી તેને કયા ટેક્સ સ્લેબમાં રાખી શકાય છે
GST Reforms : માત્ર બે જ ટેક્સ સ્લેબના સંકેત
15 ઓગસ્ટ 2025ના રોજ પીએમ મોદી દ્વારા જીએસટીમાં સુધારણાની જાહેરાત બાદ સતત ટેક્સ સ્લેબને લઈને ઘણા અહેવાલો આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે જીએસટીના 12 ટકા અને 28 ટકા ટેક્સ સ્લેબ નાબૂદ કરી દેવામાં આવશે અને નવી જીએસટી સિસ્ટમમાં માત્ર 5 ટકા અને 18 ટકા સ્લેબ હશે.
આનો અર્થ એ છે કે જે ચીજવસ્તુઓ હાલમાં ૨૮ ટકાના ટેક્સ સ્લેબમાં આવે છે તેના પર 18 ટકા ટેક્સ લાગશે. સાથે જ 18 ટકા જીએસટી વાળો માલસામાન 5 ટકા ટેક્સ સ્લેબમાં લાવી શકાય છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં જીએસટી કાઉન્સિલની બેઠક 3 અને 4 સપ્ટેમ્બર એમ બે દિવસ માટે મળશે. આ પછી જીએસટી ટેક્સ સ્લેબને લઈને નિર્ણય લેવામાં આવશે.
ફ્રિજ અને વોશિંગ મશીન કેટલા સસ્તા થશે?
હાલ ગ્રાહકોને ફ્રિજ અને વોશિંગ મશીન ખરીદવા પર 18 ટકા જીએસટી ચૂકવવો પડે છે. અને જો નવી જીએસટી સિસ્ટમમાં તેમને 5 ટકાના સ્લેબમાં સામેલ કરવામાં આવશે તો 13 ટકા ઓછો જીએસટી દર લાગુ થઇ શકે છે. જેનો અર્થ એ થયો કે આ ઘરવખરીની વસ્તુઓની કિંમત ઘટશે અને ટેક્સ રેટમાં ઘટાડો થશે.
સ્માર્ટ ટીવી કેટલા સસ્તા હશે?
નોંધનીય છે કે 43 ઇંચથી મોટા સ્માર્ટ ટીવી હાલ 28 ટકા જીએસટી સ્લેબમાં સામેલ છે. અને જો ટીવીને 18 ટકા ટેક્સ સ્લેબમાં લાવવામાં આવે તો માર્કેટમાં ટીવીની કિંમતમાં લગભગ 10 ટકાનો ઘટાડો થશે. એટલે કે અનુમાન મુજબ ટીવીની કિંમતમાં લગભગ 3 થી 4 હજાર રૂપિયાનો ઘટાડો થઈ શકે છે.
AC સસ્તા થશે?
હાલ એર કંડીશનર એટલે કે એસીની ખરીદી પર 28 ટકા જીએસટી લાગે છે. જો તેને 18 ટકાના ટેક્સ સ્લેબમાં લાવવામાં આવે તો એસીની કિંમતમાં સીધો જ 6-7 ટકાથી વધુનો ઘટાડો થઇ શકે છે. નવા સ્લેબમાં જોડાયા બાદ એસીની કિંમતોમાં 2000-4000 રૂપિયાનો ઘટાડો આવી શકે છે.