GST Council Meeting 2025: જીએસટી કાઉન્સિલની બે દિવસીય બેઠક આજથી એટલે કે 3 સપ્ટેમ્બર 2025થી નવી દિલ્હીમાં શરૂ થઈ રહી છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં 56મી જીએસટી કાઉન્સિલની બેઠક યોજાઇ છે. આ બેઠકમાં ઓટો, એફએમસીજી, સિમેન્ટ અને વીમા એમ ચાર ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તેવી શક્યતા છે. આવી સ્થિતિમાં લોકો ઘણી વસ્તુઓ સસ્તી થવાની અપેક્ષા રાખી રહ્યા છે. ચાલો જાણીયે કઇ કઇ ચીજવસ્તુઓ સસ્તી થઇ શકે છે?
વીમા ક્ષેત્ર : Insurance Sector
વીમા ક્ષેત્રમાં સંભવિત કર ઘટાડો એ બે દિવસીય જીએસટી બેઠકના સૌથી અપેક્ષિત પાસાઓમાંનું એક છે. કંપનીઓને જીએસટી હાલના 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરવાની આશા છે. જો જીએસટી ઘટે તો વીમા પોલિસીઓ સસ્તી થઇ શકે છે. ઈન્સ્યોરન્સ પોલિસીનું પ્રીમિયમ પણ ઘટશે.
વાહન ઉદ્યોગ : Auto Sector
જો સરકાર જીએસટીના દરોમાં ઘટાડો કરવાના પ્રસ્તાવ પર આગળ વધે છે તો ભારતીય ઓટો ઈન્ડસ્ટ્રીના વેચાણમાં મોટો ઉછાળો આવી શકે છે. હાલમાં વાહનો પર 28 ટકા જીએસટી વસૂલાય છે. જીએસટી કાઉન્સિલની બેઠકમાં વાહનો પરનો જીએસટી ઘટાડીને 5 ટકા અને 18 ટકા કરવામાં આવી શકે છે.
એફએમસીજી સેક્ટર : FMCG Sector
તમે નૂડલ્સ, આયુર્વેદિક ઉત્પાદનો અને વ્યક્તિગત સંભાળની વસ્તુઓ જેવી દૈનિક આવશ્યકતાઓ પર જીએસટી 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવાની અપેક્ષા રાખો છો. આ ફેરફારથી નેસ્લે, આઇટીસી, બ્રિટાનિયા, ડાબર અને હિન્દુસ્તાન યુનિલિવર જેવી અગ્રણી એફએમસીજી કંપનીઓની માગ વધવાની ધારણા છે.
સિમેન્ટ ક્ષેત્ર : Cement Sector
નોમુરાનું વિશ્લેષણ સૂચવે છે કે સિમેન્ટ માટે 28 ટકાથી 18 ટકાના સંભવિત જીએસટી ઘટાડાથી પ્રીમિયમ અને કેટેગરી એ સિમેન્ટ ઉત્પાદકો જેવા કે અલ્ટ્રાટેક, અંબુજા અને શ્રી સિમેન્ટને ફાયદો થઈ શકે છે. જીએસટી ઘટવાથી સિમેન્ટની કિંમત પણ ઘટશે. જેનાથી મકાન દુકાનના બાંધકામનો ખર્ચ પણ ઘટશે.
કઇ કઇ ચીજ સસ્તી થશે?
જીએસટી માંથી 35 કેન્સર વિરોધી દવાઓને સંપૂર્ણ મુક્તિ મળવાની સંભાવના છે. કાઉન્સિલને સપ્ટેમ્બર 2024માં અમુક કેન્સરની દવાઓ પર જીએસટી દર 12 ટકાથી ઘટાડી 5 ટકા કર્યો હતો.
- માર્બલ, ગ્રેનાઇટ બ્લોક, રિન્યૂએબલ એનર્જી ઇક્યૂપમેન્ટ પરનો જીએસટી રેટ 12 ટકા થી ઘટી 5 ટકા થઇ શકે છે.
- ઓટો પાર્ટ્સ, એસી, ટીવી, મોટર સાઇકિલ, લેડ એસીડ બેટરી પરનો જીએસટી 28 ટકા થી ઘટી 18 ટકા કરવામાં આવી શકે છે.
- દિવાળીના તહેવાર પહેલા ગારમેન્ટ અને ફુટવેર પણ સસ્તા થઇ શકે છે.
- હોટેલ રૂમ પરનો જીએસટી 12 ટકા થી ઘટાડીને 5 ટકા કરવામાં આવી શકે છે.
- તમાકુ અને અન્ય મોજશોખની ચીજો પર 40 ટકા જીએસટી લાદવામાં આવી શકે છે.