GST Council Meeting : કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે મોટો નિર્ણય લીધો છે. GST કાઉન્સિલની 53મી બેઠક શનિવારે યોજાઈ હતી. આ બેઠકમાં કેટલાક મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં સોલાર કૂકર પર 12 ટકા GST વસૂલવાની મંજૂરી પણ આપવામાં આવી હતી.
નકલી ઈનવોઈસ પર અંકુશ આવશે
બનાવટી ઈનવોઈસને રોકવા માટે GST કાઉન્સિલની બેઠકોમાં બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન સિસ્ટમ લાગુ કરવામાં આવશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, 2017-18, 2018-19, 2019-20 માટે ડિમાન્ડ નોટિસ પર વ્યાજ અને દંડ બંને માફ કરવામાં આવશે. આ માફી 31 માર્ચ 2025 સુધીમાં ટેક્સ ભરનારાઓને જ આપવામાં આવશે.
GST કાઉન્સિલની બેઠકમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો કે, ભારતીય રેલવે દ્વારા પૂરી પાડવામાં આવતી કેટલીક સેવાઓને GST માંથી મુક્તિ આપવામાં આવી છે. જેમાં પ્લેટફોર્મ ટિકિટ, રિટાયરિંગ રૂમ, વેઇટિંગ રૂમ, ક્લોક રૂમ અને બેટરી સંચાલિત કાર સેવાઓના વેચાણને GST માંથી મુક્તિ આપવામાં આવી છે.
કરદાતાઓ અંગે લેવાયેલા મુખ્ય નિર્ણયો
જીએસટી કાઉન્સિલની બેઠકમાં કરદાતાઓ અને વ્યવસાયિક સુવિધા અંગેના નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેમાં GST એપેલેટ ટ્રિબ્યુનલ માટે 20 લાખ રૂપિયાની નાણાકીય મર્યાદાની ભલામણ કરવામાં આવી છે. જ્યારે નાના કરદાતાઓ માટે, નાણાકીય વર્ષ 2024-25 માટે GSTR-4 માટેની છેલ્લી તારીખ 30 જૂન સુધી લંબાવવામાં આવી છે. આ વખતે GST કાઉન્સિલની બેઠક 8 મહિના પછી થઈ છે. છેલ્લી બેઠક 7 ઓક્ટોબર 2023ના રોજ યોજાઈ હતી.
નાણામંત્રીએ એમ પણ કહ્યું કે, GST કાઉન્સિલે દૂધના કેન પર 12 ટકા ટેક્સ લાદવાની ભલામણ કરી છે. આ સિવાય તમામ બોક્સ પર 12 ટકાનો દર નક્કી કરવામાં આવ્યો છે. હવે ફાયર સ્પ્રિંકલર પર પણ 12 ટકા GST લાગુ થશે.
શું પેટ્રોલ અને ડીઝલ પણ GST ના દાયરામાં આવશે?
આ દરમિયાન નિર્મલા સીતારમણે પેટ્રોલ અને ડીઝલને GSTના દાયરામાં લાવવાનો ઈરાદો વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકાર તેને GST માં લાવવા માંગે છે. જોકે, આમાં કોઈ ફેરફારની જરૂર નથી. રાજ્યોએ તેમાં સામેલ થવાની અને જીએસટી દર નક્કી કરવાની જરૂર છે. નાણાપ્રધાને કહ્યું કે, પેટ્રોલ અને ડીઝલના ભાવને તર્કસંગત બનાવવા માટે મંત્રીઓનું એક જૂથ બનાવવામાં આવ્યું છે, જે ઓગસ્ટમાં GST કાઉન્સિલને તેનો અહેવાલ સુપરત કરશે.





