GST Council Meeting : સોમવારે મળેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં ઘણા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. જીએસટી કાઉન્સિલે કેન્સરની દવાઓ પર પણ લોકોને મોટી રાહત આપી છે. જેમાં જીએસટી 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવી છે. હાલ વીમા પ્રીમિયમ પર કોઈ છૂટ આપવામાં આવી નથી. આ મુદ્દે અંતિમ નિર્ણય આગામી બેઠક સુધી મુલતવી રાખવામાં આવ્યો છે. આ અંગે નિર્ણય લેવા માટે નવેમ્બરમાં જીએસટી કાઉન્સિલની બેઠક મળશે. સાથે જ નમકીન પર હવે 12 ટકા જીએસટી લાગશે, જે પહેલા 18 ટકા હતો.
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે વધુમાં કહ્યું કે ઓનલાઈન ગેમિંગ પર જીએસટી લાગુ થવાથી આવકમાં ઘણો વધારો થયો છે. ઓનલાઈન ગેમ્સ પર જીએસટીની જાહેરાત બાદથી છેલ્લા છ મહિનામાં આવક 412 ટકા વધીને 6909 કરોડ પર પહોંચી ગઈ છે. કેસિનોની આવકમાં પણ 30 ટકાનો વધારો જોવા મળ્યો છે.
કારની સીટ પર જીએસટી વધ્યો
જીએસટી કાઉન્સિલની બેઠક બાદ મહેસૂલ સચિવ સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે કારની સીટો પર જીએસટી 18 ટકાથી વધારીને 28 ટકા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવે માટે છત પર લાગેલા પેકેજ યુનિટ, એરકન્ડિશનિંગ મશીન પર 28 ટકા ટેક્સ લાગે છે. એ જ રીતે સીટ શેરિંગના આધારે હેલિકોપ્ટર દ્વારા મુસાફરોના પરિવહન પર 5 ટકાના દરે જીએસટી સૂચિત કરવાની ભલામણ કરવામાં આવી છે, જેવો કે હવાઈ મુસાફરી માટે પણ ઉપલબ્ધ છે.
આ પણ વાંચો – અદાણી ગ્રુપની બાંગ્લાદેશને ચેતવણી, 4200 કરોડ રૂપિયાની બાકીની રકમ ચુકવણી કરો
શૈક્ષણિક સંસ્થાઓએ હવે ગ્રાન્ટ પર જીએસટી નહીં ચૂકવવો પડે
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે ત્રણ પ્રકારની શૈક્ષણિક સંસ્થાઓએ હવે ગ્રાન્ટ પર જીએસટી નહીં આપવો પડે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે હવે કેન્દ્રીય કાયદા અને રાજ્યના કાયદા હેઠળ રચાયેલી યુનિવર્સિટીઓ અને રિસર્ચ સેન્ટરને ગ્રાન્ટ લેવા પર જીએસટી ચૂકવવો પડશે નહીં. આ ઉપરાંત જે શૈક્ષણિક સંસ્થાઓને આવકવેરામાંથી મુક્તિ આપવામાં આવી છે તેમને પણ જાહેર અને ખાનગી સ્ત્રોતોમાંથી મળતા રિસર્ચ ફંડ્સ લેવા પર જીએસટી ચુકવવો પડશે નહીં.
જીએસટી કાઉન્સિલે ધાર્મિક યાત્રાઓ માટે હેલિકોપ્ટર સેવાઓના સંચાલન પરનો ટેક્સ ઘટાડીને પાંચ ટકા કરવાનો નિર્ણય લીધો છે. ઉત્તરાખંડના નાણામંત્રી પ્રેમચંદ અગ્રવાલના જણાવ્યા અનુસાર કેદારનાથ અને બદ્રીનાથ જેવી ધાર્મિક યાત્રાઓ પર શ્રદ્ધાળુઓને લઈ જતી હેલિકોપ્ટર સેવાઓ પરનો ટેક્સ 18 ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.





