GST on Life and Health Insurance Premium : જીવન વીમા અને આરોગ્ય વીમા પોલિસી હવે સસ્તા થયા છે. GST સુધારણા બાદ આ ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ્સને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)માંથી મુક્તિ આપવામાં આવી છે. GST કાઉન્સિલની 56મી બેઠક બાદ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે નવા દરો વિશે માહિતી આપી , અને એ પણ જણાવ્યું કે કયા ઉત્પાદનો GST મુક્ત રહેશે.
કઇ વીમા પોલિસી GST મુક્ત છે?
તમામ પ્રકારની પર્સનલ લાઇફ ઇન્સ્યોરન્સ પોલિસી અને તેમના રિઇન્શ્યોરન્સ પર કોઈ GST લાગશે નહીં . તેમા ટર્મ લાઇફ, ULIP અથવા એન્ડોમેન્ટ પોલિસીનો સમાવેશ થાય છે . તેવી જ રીતે, તમામ વ્યક્તિગત આરોગ્ય વીમા પોલિસી અને તેમના રિઇન્શ્યોરન્સને પણ GST માંથી બહાર રાખવામાં આવ્યા છે . આમાં ફેમિલી ફ્લોટર અને સિનિયર સિટીઝન હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસીનો સમાવેશ થાય છે . જુલાઈ 2017 માં GST સિસ્ટમ લાગુ થયા પછી , જીવન વીમા અને આરોગ્ય વીમા પર 18 ટકાના દરે GST વસૂલવામાં આવ્યો હતો .
વીમા ધારકોને લાભ મળશે
નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, અમે ખાતરી કરીશું કે વીમા કંપનીઓ GST દ્વારા આપવામાં આવેલી રાહતનો લાભ ગ્રાહકો સુધી પહોંચાડે અને સામાન્ય માણસ માટે વીમો સસ્તો બને અને દેશમાં વીમા કવરેજ વધે . નવા GST દરો 22 સપ્ટેમ્બર, નવરાત્રીના પહેલા દિવસથી અમલમાં આવશે .
સરકારે નાણાકીય વર્ષ 2023-24માં આરોગ્ય વીમા અને જીવન વીમા પર લાદવામાં આવેલા GSTમાંથી 16,398 કરોડ રૂપિયા એકત્રિત કર્યા હતા . આમાંથી 8,135 કરોડ રૂપિયા જીવન વીમામાંથી અને 8,263 કરોડ રૂપિયા આરોગ્ય વીમામાંથી આવ્યા હતા .
આ ઉપરાંત, રિઇન્શ્યોરન્સ પર સેસ તરીકે 2,045 કરોડ રૂપિયા પ્રાપ્ત થયા હતા , જેમાંથી 561 કરોડ રૂપિયા જીવન વીમા સંબંધિત હતા અને 1,484 કરોડ રૂપિયા આરોગ્ય વીમા સંબંધિત હતા . નાણાકીય વર્ષ 2022-23 માં, જીવન અને આરોગ્ય વીમા પર લાદવામાં આવેલા GSTમાંથી કુલ 16,770 કરોડ રૂપિયા એકત્રિત થયા હતા .
આ પણ વાંચ | GST જીએસટી ઘટતા કાર બાઇક ટ્રેક્ટર સસ્તા થયા; જાણો કિંમત કેટલી ઘટશે?
નવા GST સ્લેબ
GST કાઉન્સિલે જીએસટી માળખાને સરળ બનાવવા અને ચારને બદલે ફક્ત બે દર રાખવા સંમતિ આપી હતી. જીએસટી રેટના 12 ટકા અને 28 ટકા સ્લેબ નાબૂદ કરવામાં આવ્યો છે. હવે માત્ર બે જીએસટી સ્લેબ 5 ટકા અને 18 ટકા લાગુ થશે. જો કે મોંઘી મોજશોખની અને લકઝુરિયસ ચીજો પર 40 ટકા GST વસૂલવામાં આવશે .