GST Reforms 2025: દેશમાં નવા જીએસટી દર 22 સપ્ટેમ્બર 2025, નવરાત્રીના પ્રથમ દિવસથી લાગુ થવા જઈ રહ્યા છે. જીએસટી 2.0 સુધારણાને દેશની પરોક્ષ કરવેરા વ્યવસ્થામાં એક ઐતિહાસિક પરિવર્તન માનવામાં આવી રહ્યું છે. નવા જીએસટી દર હેઠળ હવે માત્ર બે જીએસટી સ્લેબ 5 ટકા અને 18 ટકા લાગુ થશે અને આલ્કોહોલ, તમાકુ વગેરે જેવી મોજશોખની ચીજવસ્તુઓ પર 40 ટકાનો વિશેષ ટેક્સ સ્લેબ લાગુ થશે.
નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતાવાળી જીએસટી કાઉન્સિલે સપ્ટેમ્બરમાં યોજાયેલી બેઠકમાં પરોક્ષ કરવેરા પ્રણાલીમાં મોટા ફેરફારોની જાહેરાત કરી હતી. તેનો હેતુ ટેક્સ સ્લેબને સરળ બનાવવાનો, વપરાશને વેગ આપવાનો અને કર દરોને તર્કસંગત બનાવવાનો હતો.
આવશ્યક ચીજવસ્તુઓને હવે 5 ટકાના ટેક્સ સ્લેબમાં રાખવામાં આવી છે. જ્યારે મોટાભાગની અન્ય વસ્તુઓ અને સેવાઓને 18 ટકાના ટેક્સ સ્લેબમાં રાખવામાં આવી છે. તમાકુ, આલ્કોહોલ, સટ્ટાબાજી અને ઓનલાઇન ગેમિંગ જેવી મોજશોખની અને લક્ઝુરિયસ કાર વગેરેને 40 ટકા જીએસટી સ્લેબમાં રાખવામાં આવી છે.
22 સપ્ટેમ્બરથી કઇ ચીજ સસ્તી થશે?
ગ્રાહકોને 22 સપ્ટેમ્બરથી આવશ્યક ચીજવસ્તુઓ પર સસ્તી થવાની અપેક્ષા છે કારણ કે એફએમસીજીથી લઈને વાહન સુધીના ઘણા ઉદ્યોગોએ પહેલેથી જ જાહેરાત કરી દીધી છે કે તેઓ જીએસટી દરમાં ઘટાડાનો લાભ સીધો ગ્રાહકોને આપશે.
નવરાત્રીથી સસ્તી થનારી ચીજવસ્તુઓની યાદી
રોજિંદા વપરાશની ચીજો : ઘણા ઘરગથ્થુ ઉત્પાદનો કે જેના પર હાલ 12 ટકા જીએસટી લાગુ પડે છે, તે હવે ઘટીને 5 ટકા થઇ જશે.
- ટૂથપેસ્ટ, સાબુ અને શેમ્પૂ
- બિસ્કિટ, નાસ્તા અને જ્યુસ જેવા પેકેજ્ડ ફૂડ
- ઘી, માખણ, બટર અને કન્ડેન્સ્ડ મિલ્ક જેવી ડેરી પ્રોડક્ટ
- સાયકલ અને સ્ટેશનરી આઈટમ
- કપડાં અને બુટ ચપ્પલ
આ સિવાય હોમ એપ્લાયન્સિસ અને ઇલેક્ટ્રોનિક્સ આઈટમ પણ સસ્તી થશે. જે વસ્તુઓ પર હાલમાં 28% ટેક્સ છે તેને 18% સ્લેબમાં લાવવામાં આવ્યો છે. જેના કારણે તે 7-8% સસ્તી થઈ શકે છે. જેમાં એર કન્ડિશનર, રેફ્રિજરેટર અને ડિશવોશર શામેલ છે.
GST 2.0 લાગુ થવાથી મોટી સ્ક્રીન વાળા ટીવી પણ સસ્તા થઈ જશે. આ ઉપરાંત બાંધકામ અને મકાન નિર્માણ માટે જરૂરી સિમેન્ટ પર પણ જીએસટી ઘટાડવામાં આવ્યો છે.
સૌથી મહત્વની બાબત એ છે કે જીએસટી સુધારાના અમલીકરણથી ઓટોમોબાઈલ ક્ષેત્રને ઘણો ફાયદો થવાની અપેક્ષા છે. 1200 સીસીથી ઓછી એન્જિન ક્ષમતાવાળી નાની કાર પર હવે 28 ને બદલે 19 ટકા ટેક્સ લાગશે. ટુ-વ્હીલર પણ જીએસટી ઘટવાથી સસ્તા થશે અને તેનાથી ભારતના મોબિલિટી સેક્ટરમાં મોટો ફેરફાર થવાની અપેક્ષા છે. તે જ સમયે, લક્ઝરી કાર અને એસયુવી પર હવે પહેલા કરતા વધુ ટેક્સ લાગશે, પરંતુ સેસ હટાવવાની સાથે આ કાર પણ પહેલા કરતા ઓછી કિંમતે ખરીદી શકાય છે.
નાની કાર અને ટુ-વ્હીલર પરના નીચા ટેક્સ આ ક્ષેત્રમાં માંગને પુનર્જીવિત કરી શકે છે, જેમાં તાજેતરના સમયમાં વધઘટ જોવા મળી છે. મારુતિ સુઝુકી, હ્યુન્ડાઇ અને ટાટા મોટર્સ, નેક્સન જેવી ઓટો કંપનીઓને આનો ફાયદો થવાની ધારણા છે.
જીએસટી 2.0 રિફોર્મ્સ થી વીમા અને નાણાકીય સેવાઓ પણ પ્રભાવિત થશે. હાલમાં, વીમા પ્રીમિયમ પર 18 ટકા જીએસટી વસૂલવામાં આવે છે, જેના કારણે મધ્યમ વર્ગ માટે તેને ખરીદવું ખૂબ મોંઘું થઈ જાય છે. પરંતુ જીએસટી 2.0 લાગુ થવાથી વીમા પ્રીમિયમ સસ્તું થશે કારણ કે તેને કર મુક્ત કરવામાં આવ્યો છે.
22 સપ્ટેમ્બરથી શું મોંઘું થશે?
ઉલ્લેખનીય છે કે, જીએસટી 2.0 લાગુ થવાથી બધું સસ્તું નહીં થાય. સરકારે કેટલીક વસ્તુઓ પર વિશેષ ટેક્સ સ્લેબ લગાવ્યો છે અને તેના પર 40 ટકા Sin Tax વસૂલવામાં આવશે.
- પાન મસાલા જેવી તમાકુ પ્રોડક્ટ અને આલ્કોહોલ
- ઑનલાઇન સટ્ટો અને ગેમિંગ પ્લેટફોર્મ
- પેટ્રોલિયમ પેદાશો હાલમાં જીએસટીના દાયરામાં નથી, જેનો અર્થ છે કે ઇંધણના ભાવમાં કોઈ રાહત મળશે નહીં.
- હીરા અને કિંમતી રત્નો જેવી લક્ઝરી વસ્તુઓ પણ ઉંચા કર દર દાયરામાં આવશે.
જીએસટી સુધારણાથી ભારતીય અર્થવ્યવસ્થાને શું ફાયદો થશે?
વપરાશ વધશે : દૈનિક આવશ્યક ચીજવસ્તુઓ, ઘરગથ્થુ ઉપકરણો અને વાહનોના ભાવમાં ઘટાડો થવાને કારણે ઘરગથ્થુ ખર્ચમાં વધારો થવાની સંભાવના છે. આ તહેવારોની મોસમ પહેલા વપરાશને મજબૂત દબાણ આપી શકે છે.
શેરબજારમાં સુધારો થશે: શેરબજારે પહેલેથી જ હકારાત્મક પ્રતિક્રિયા આપી છે. આ જાહેરાત બાદ તરત જ નિફ્ટી 50 ઇન્ડેક્સમાં 1 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો. ઓટો અને કન્ઝ્યુમર ગુડ્ઝ શેર સૌથી વધુ ઉછળ્યા છે.
રોજિંદા અસરો: ગ્રાહકો માટે, આ ફેરફારો ત્રણ રીતે દેખાશે:
ઘર ખર્ચ ઘટશે : સાબુ, નાસ્તા અને પેકેજ્ડ ફૂડ જેવી રોજિંદા વપરાશની ચીજવસ્તુઓ સસ્તી થશે.
મોંઘી વસ્તુઓ પર બચત: કાર, એસી અને ટીવી વધુ સસ્તું હશે, ખાસ કરીને પ્રથમ વખત ખરીદદારો માટે.
આર્થિક રાહત: નીચા વીમા પ્રીમિયમ માસિક ઘરેલું બજેટને સરળ બનાવે છે.
ધંધા ઉદ્યોગો માટે લાભ : નાના અને મધ્યમ ઉદ્યોગો માટે સરળ કર માળખું પાલનની જટિલતાઓને ઘટાડે છે, કામગીરીને સરળ બનાવે છે.