New GST Rates For Popcorn: પોપકોર્ન ખાતા ખાતા થિયેટરમાં મૂવી જોવા માટે વધારે ખર્ચ કરવો પડશે. શું તમને ખબર છે સામાન્ય દેખાતા પોપકોર્ન પર ત્રણ ત્રણ પ્રકારના જીએસટી વસૂલવામાં આવશે. વજનમાં હલકા પોપકોર્ન પર ભારે ભરખમ જીએસટીના લીધે થિયેટરમાં મૂવી જોવાનો ખર્ચ પણ વધી જશે. તાજેતરમાં જીએસટી કાઉન્સિલની બેઠકમાં પોનકોર્ન માટે નવા જીએસટી દર નક્કી કરવામાં આવ્યા છે. ચાલો જાણીયે પોપકોર્ન પર કેટલો જીએસટી વસૂલવામાં આવે છે.
જીએસટી કાઉન્સિલ બેઠક
કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમનની અધ્યક્ષતા હેઠળ જીએસટી કાઉન્સિલની 55મી બેઠકમાં પોપકોર્ન પર જીએસટીના નવા દર નક્કી કરવામાં આવે છે. પોપકોર્ન ક્યા સ્વરૂપ અને ફ્લેવરમાં વેચાય છે તેના આધારે જીએસટી લાદવાનું નક્કી કરવામાં આવ્યું છે.
પોપકોર્ન પર 5, 12 અને 18 ટકા જીએસટી
જીએસટી કાઉન્સિલની બેઠકમાં પોપકોર્ન પર નવા જીએસટી રેટ નક્કી કરવામાં આવ્યા છે. પોપકોર્નના ફ્લેવર અનુસાર જીએસટી વસૂલવામાં આવશે. પ્રાપ્ત માહિતી મુજબ મૂવી હોલ અને થિયેટરમાં મીઠું અને મસાલા વાળા રેડી ટુ ઇટ પોપકોર્ન પર 5 ટકા જીએસટી વસૂલવામાં આવશે. એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે, પોપકોર્ન પ્રી પેકેજ અને લેબલ વગરના હશે તો જ 5 ટકા જીએસટી લાગશે.
જો પોપકોર્ન પ્રી પેકેજ અને લેબલ વાળા હશે હોય તો 12 ટકા જીએસટી લાગશે. એટલું જ નહીં ખાંડ (દા.ત. કારામેલ પોપકોર્ન) વાળા એટલે કે કારામેલ પોપકોર્ન પર 18 ટકા જીએસટી વસૂલવામાં આવશે. ખાંડના લીધે પોપકોર્નનું સ્વરૂપ બદલાઈને સુગર કંફેક્શનરી થઇ જાય છે. સ્પષ્ટતા મુજબ, તે HS 1704 90 90 હેઠળ વર્ગીકૃત કરવામાં આવશે અને તેના પર 18 ટકા જીએસટી લાગશે.
55મી જીએસટી કાઉન્સિલની બેઠકના પરિણામો વિશે મીડિયાને માહિતી આપતા નાણા મંત્રી નિર્મલા સીતારમને સ્પષ્ટતા કરી હતી કે, ચોક્કસ રાજ્યોમાં મીઠું ચડાવેલા, કારામેલાઇઝ્ડ, સાદા પોપકોર્નને નમકીન તરીકે વેચવામાં આવે છે. કારામેલાઇઝ્ડ પોપકોર્ન માં ઉપરથી ખાંડ ઉમેરવામાં આવે છે, તેથી નમકીન કરતા અલગ જીએસટી રેટ લાગુ પડે છે.





