GST Reforms Impact On Real Estate : સરકારે દેશમાં જીએસટી સિસ્ટમને સરળ બનાવવા માટે ઘણા મોટા ફેરફારોની જાહેરાત કરી છે. હવે સરકાર ઇચ્છે છે કે મોટા ભાગની ચીજવસ્તુઓ માટે જીએસટીના બે સ્લેબ – 5 ટકા અને 18 ટકા હોવા જોઈએ. લક્ઝરી વસ્તુઓ અને ‘તમાકુ, સિગારેટ અને આલ્કોહોલ’ જેવા ‘Sin Goods’ પર 40% નો વિશેષ કર વસૂલવામાં આવે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ નવું કર માળખું દિવાળી સુધીમાં લાગુ કરી શકાય છે.
રિયલ એસ્ટેટ સેક્ટરની વાત કરીએ તો અત્યાર સુધી અલગ-અલગ કન્સ્ટ્રક્શન મટિરિયલ્સ પર અલગ-અલગ ટેક્સ લગાવવામાં આવે છે. ઉદાહરણ તરીકે, સિમેન્ટ 28 ટકા, સ્ટીલ 18 ટકા, કલ પેઇન્ટ્સ 28 ટકા, ટાઇલ્સ અને સેનિટરી વેર 18 ટકા છે. આ રો મટિરિયલનો ખર્ચ સીધી ઘરોની કિંમત અને હાઉસિંગ પ્રોજેક્ટના કુલ ખર્ચને અસર કરે છે.
ઘર ખરીદનારાને શું ફાયદો થશે?
નિષ્ણાતો માને છે કે કર માળખાને સરળ બનાવવાથી હાઉસિંગ ડેવલપર્સ માટે પ્રોજેક્ટ ખર્ચમાં ઘટાડો થશે અને ગ્રાહકોને સીધો ફાયદો થશે.
ઓસ્વાલ ગ્રુપના ચેરમેન અદિશ ઓસવાલનું માનવું છે કે બે સરળ જીએસટી સ્લેબ (5 ટકા અને 18 ટકા)ના પ્રસ્તાવથી હાઉસિંગ સેક્ટરને ઘણો ફાયદો થશે. તેઓ કહે છે કે, આનાથી રિયલ એસ્ટેટમાં ઇનપુટ ખર્ચમાં ઘટાડો થશે, ખાસ કરીને એવા સમયે જ્યારે સિમેન્ટ અને અન્ય આવશ્યક સામગ્રી પર હાલ ઉંચો ટેક્સ લાદવામાં આવે છે.
તેમના મતે આ નિર્ણયથી પ્રોપર્ટી વધુ સસ્તી થશે અને ખરીદદારોની રૂચિને ફરી વધારશે. ખાસ કરીને લુધિયાણા જેવા ઉભરતા ટિયર-2 બજારોમાં, જ્યાં બીજી વખત ઘર ખરીદવાની માંગ ધીમે ધીમે મજબૂત થઈ રહી છે. તેમણે કહ્યું હતું કે, મુખ્ય બાંધકામ સામગ્રી પર કરવેરાનું ભારણ ઘટવાથી ડેવલપર્સ આ બચતોનો લાભ સીધી ઘર ખરીદનારાઓને આપી શકશે, જે ઊભરતાં રિયલ એસ્ટેટ માર્કેટને નવું પ્રોત્સાહન આપશે.
એસએસ ગ્રુપના એમડી અને સીઈઓ અશોક સિંહ જૌનપુરિયાનું કહેવું છે કે પ્રસ્તાવિત જીએસટી રિફોર્મ્સથી રિયલ એસ્ટેટ માર્કેટને ફાયદો થશે અને તેનાથી ખરીદદારોને ચોક્કસપણે રાહત મળશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ડેવલપર્સને ઓછા ઇનપુટ ટેક્સમાંથી ચોક્કસપણે વધુ સારા માર્જિન મળશે, પરંતુ વિશ્વસનીયતા ત્યારે જ બનાવવામાં આવશે જ્યારે તેઓ આ બચત ગ્રાહકોને આપશે.
“એક એવા બજારમાં જ્યાં વિશ્વાસ કિંમત જેટલો જ મહત્ત્વનો હોય છે, ત્યાં ખરીદદારોને પ્રત્યક્ષ લાભો લાંબા ગાળાની માંગને આગળ ધપાવશે,” તેઓ માને છે. આગામી તહેવારોની મોસમ, જ્યારે માંગ સૌથી વધુ છે, ત્યારે કર સુધારણાને ગ્રાહકોના વિશ્વાસમાં રૂપાંતરિત કરવાની એક મોટી તક છે. ”
જેનિકા વેન્ચર્સના સ્થાપક અને સીઈઓ અભિષેક રાજ કહે છે, “જીએસટી દિલ્હી-એનસીઆરના રિયલ એસ્ટેટ ઉદ્યોગ માટે ગેમ-ચેન્જર સાબિત થયો છે. તે કરમાળખામાં એકરૂપતા લાવ્યું છે અને પારદર્શક સિસ્ટમમાં ઘણા જુદા જુદા કરને મર્જ કર્યા છે. વર્ષ 2019માં અધૂરા રહેણાંક પ્રોજેક્ટ્સ પર જીએસટીનો દર 12 ટકા (ઇનપુટ ટેક્સ ક્રેડિટ સાથે) થી ઘટાડીને 5 ટકા (આઇટીસી વિના) કરવામાં આવ્યો હતો. ”
તેમના મતે, આ નિર્ણયથી એનસીઆરના અંડર કન્સ્ટ્રક્શન સેગમેન્ટમાં ખરીદદારોનો વિશ્વાસ ચોક્કસપણે મજબૂત થયો છે. ખાસ કરીને નોઈડા, ગુરુગ્રામ અને ગાઝિયાબાદ જેવા ઉચ્ચ-વૃદ્ધિવાળા કોરિડોરમાં, જ્યાં ઊંચા કરને કારણે માંગ ઓછી રહી હતી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “2024 ના પહેલા છમાસિક ગાળામાં, દિલ્હી-એનસીઆરમાં 38,200 થી વધુ ઘરો વેચાયા હતા, જે વર્ષના આધારે 25 ટકા વધુ છે. જોકે ઇનપુટ ટેક્સ ક્રેડિટ (આઇટીસી)ની ગેરહાજરી હજુ પણ ડેવલપર્સને ભારે પડી રહી છે. મધ્યમવર્ગીય ખરીદદારોનું પ્રભુત્વ ધરાવતા બજારમાં પરવડે તેવી ક્ષમતાનું સર્વોચ્ચ મહત્ત્વ છે અને આઇટીસી વિના લાંબા ગાળાની સ્થિરતા એક મોટો પડકાર બની જાય છે.
ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) પરત લાવવી આવશ્યક
ટીઆરજી ગ્રુપના મેનેજિંગ ડાયરેક્ટર પવન શર્માનું માનવું છે કે ઇનપુટ ટેક્સ ક્રેડિટ (આઇટીસી)ને આંશિક રીતે પરત લાવવી જરૂરી છે. તેમના જણાવ્યા અનુસાર, આનાથી ગ્રાહકોને સસ્તા ઘર મળશે અને ડેવલપર્સને યોગ્ય માર્જિન પણ મળશે, જેથી તેઓ મોટા પાયે ક્વોલિટી હાઉસિંગ ઓફર કરી શકે.
એફોર્ડેબલ અને લક્ઝરી હાઉસિંગ પર અસર
એઆઇએલ ડેવલપરના ચેરપર્સન અને એમડી સંદીપ અગ્રવાલનું કહેવું છે કે, નવા જીએસટી માળખાથી બાંધકામનો ખર્ચ ઘટશે તેવી અપેક્ષા છે અને જો ટેક્સનું ભારણ 10-20 ટકા ઓછું કરવામાં આવે તો મેટ્રો શહેરોની સાથે-સાથે ટિયર-2 માર્કેટમાં પણ સારા ભાવે ઘર ઉપલબ્ધ કરાવી શકાશે. જોકે, લક્ઝરી હાઉસિંગ પર 40 ટકા ટેક્સનો ડર એક પડકાર બની રહેશે.
એલિટપ્રો ઇન્ફ્રાના ફાઉન્ડર અને ડાયરેક્ટર વિરેન મહેતાનું માનવું છે કે લક્ઝરી સેગમેન્ટમાં મોંઘી સામગ્રી અને ફોરેન ફિનિશિંગનો ઉપયોગ થાય છે. જો તેને 40 ટકાના સ્લેબમાં રાખવામાં આવે તો “બાંધકામનો ખર્ચ ચોક્કસપણે વધશે”. તેમના મતે, એનસીઆર અને ગુરુગ્રામ જેવા બજારોમાં માંગ વધી શકે છે, પરંતુ ડેવલપર્સને ખર્ચના માળખાનું સંચાલન કરવામાં મુશ્કેલી પડી શકે છે.
જીએસટી માળખામાં ફેરફારથી શું થશે?
એકંદરે જીએસટીના બે સ્લેબનો પ્રસ્તાવ ઘર ખરીદનારાઓ માટે સારા સમાચાર સાબિત થઇ શકે છે. આવું ત્યારે જ થાય જ્યારે ડેવલપર્સ કર બચતનો લાભ સીધો ગ્રાહકોને આપે છે. આ નિર્ણયથી એફોર્ડેબલ હાઉસિંગ સેગમેન્ટને મોટી રાહત મળશે, જ્યારે લક્ઝરી હાઉસિંગમાં 40 ટકા ટેક્સના કારણે ખર્ચમાં વધારો થવાની શક્યતા છે.
હાલ તો તમામની નજર એ વાત પર છે કે, પ્રસ્તાવિત જીએસટીનું માળખું દિવાળી સુધીમાં કેવી રીતે સામે આવે છે અને આ ફેરફારથી ખરેખર ઘર ખરીદનારાઓને કેટલી રાહત મળે છે.