રાજ્ય સરકારે મંગળવારે ગુજરાત વિધાનસભામાં જણાવ્યું હતું કે, ગુજરાતમાંથી 560 માછીમારો અને 1,200 થી વધુ માછીમારી બોટ હાલમાં પાકિસ્તાનની કસ્ટડીમાં છે.
કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં મત્સ્યોદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, “અમારા માછીમારો ક્યારેક આંતરરાષ્ટ્રીય દરિયાઈ સરહદ પાર કરે છે તો ક્યારેક પાકિસ્તાન સરહદ પરથી તેમનું અપહરણ કરવામાં આવે છે.” પાકિસ્તાન દ્વારા લગભગ 1,200 માછીમારી બોટો જપ્ત કરવામાં આવી છે.” 560 માછીમારોમાંથી 274ને છેલ્લા બે વર્ષમાં (2021 અને 2022) પકડવામાં આવ્યા.
“તેમને મુક્ત કરવા માટે, અમે ભારત સરકારને રજૂઆતો કરી છે. હું વ્યક્તિગત રીતે કેન્દ્રીય મત્સ્યોદ્યોગ મંત્રી પુરુષોત્તમ રૂપાલાને મળ્યો છું અને મેં ભારત સરકારને પણ પત્ર લખ્યો છે. રાજ્ય સરકાર પકડાયેલા માછીમારો અને તેમની બોટની મુક્તિ માટે પૂરતા પ્રયાસો કરી રહી છે.
પટેલે ગૃહને જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર માછીમારી બોટના માલિકોને તેમની બોટ પર જીપીએસ ડિવાઇસ લગાવવા માટે રૂ. 20,000ની સહાય પૂરી પાડી રહી છે.
મોઢવાડિયાએ ધ્યાન દોર્યું હતું કે, કોન્સ્યુલર એક્સેસના અભાવે પાકિસ્તાનમાં રાખવામાં આવેલા ગુજરાતના માછીમારોને મુક્ત કરવામાં વિલંબ થાય છે. કોંગ્રેસના ધારાસભ્યએ એ પણ પૂછ્યું કે, શું રાજ્ય સરકારે કેન્દ્રને જૂની યોજનાને પુનર્જીવિત કરવા વિનંતી કરી છે, જેમાં માછીમારોને બોટના પુનઃનિર્માણ માટે સહાય આપવામાં આવી હતી. મંત્રીએ જવાબ આપ્યો, “અમે ભારત સરકારને આ યોજનાને પુનર્જીવિત કરવા વિનંતી કરી છે.”
રાજ્ય સરકારે મંગળવારે રાજ્ય વિધાનસભાને જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં પાકિસ્તાનની જેલમાં બંધ ગુજરાતના 55 માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે. 2021 માં, ગુજરાતના 20 માછીમારોને પાકિસ્તાન દ્વારા મુક્ત કરવામાં આવ્યા હતા, જ્યારે 2022 માં વધુ 35 માછીમારોને મુક્ત કરવાના હતા.
આ પણ વાંચો – ગુજરાત વિધાનસભા પ્રશ્નકાળ : ગુજરાતના 560 માછીમારો પાકિસ્તાનની જેલમાં, સરકારે શું પગલા લીધા?
પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર પાકિસ્તાનની જેલમાં માર્યા ગયેલા માછીમારોના પરિવારને 4 લાખ રૂપિયાનું વળતર આપે છે. આ વળતર મુખ્યમંત્રી રાહત ફંડમાંથી આપવામાં આવે છે. મંત્રીએ એમ પણ કહ્યું કે, રાજ્ય સરકાર પાકિસ્તાન દ્વારા પકડાયેલા માછીમારોના પરિવારોને પ્રતિ દિવસ 300 રૂપિયાનું વળતર આપે છે. 2021માં કુલ 323 પરિવારોને આ વળતર મળ્યું હતું, જ્યારે 2022માં 428 પરિવારોને આ વળતર મળ્યું હતું.