Adani Hindenburg Controversy : હિંડનબર્ગની અદાણી ગ્રુપના શેરને લઈને ગયા વર્ષે એક રિપોર્ટ પર ઘણો હંગામો થયો હતો. ફરી એકવાર આવી જ બબાલના સંકેત મળી રહ્યા છે. અમેરિકાની શોર્ટ સેલર કંપની હિંડનબર્ગ રિસર્ચે અદાણી ગ્રુપ સાથે જોડાયેલા કેસમાં ફરી એકવાર નવો દાવો કર્યો છે. આ દાવા મુજબ સેબીના ચેરપર્સન માધબી બુચ અને તેમના પતિની અદાણી મની સાઇફનિંગ કૌભાંડમાં ઉપયોગમાં લેવાતા ઓફશોર ફંડમાં ભાગીદારી હતી.
હિંડનબર્ગના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અમે અદાણી ગ્રુપ પર પુરાવા મુક્યાને લગભગ 18 મહિના થયા છે. અમારો અહેવાલ ઓફશોરમાં મુખ્યત્વે મોરેશિયસ સ્થિત શેલ કંપનીઓના મોટા નેક્સેસનો ખુલાસો કરવામાં આવ્યો છે. આ કંપનીઓનો ઉપયોગ અબજો ડોલરના અઘોષિત સંબંધિત પાર્ટી ટ્રાન્જેક્શન, અઘોષિત રોકાણો અને સ્ટોક હેરફેર માટે કરવામાં આવતો હતો.
હિંડેનબર્ગે સેબી પર કાર્યવાહી ન કરવાનો આરોપ લગાવ્યો
હિંડનબર્ગે પોતાના રિપોર્ટમાં લખ્યું કે અમારા અહેવાલને પુષ્ટિ અને વિસ્તૃત કરનાર 40 થી વધુ સ્વતંત્ર મીડિયા તપાસ તેમજ પુરાવાઓ હોવા છતાં સેબીએ અદાણી જૂથ સામે કોઈ કાર્યવાહી કરી નથી. તેના બદલે 27 જૂન 2024ના રોજ સેબીએ અમને કારણદર્શક નોટિસ મોકલી હતી. સેબીએ અમારા 106 પાનાના વિશ્લેષણમાં કોઈ તથ્યપૂર્ણ ભૂલનો આરોપ લગાવ્યો નથી, પરંતુ કહ્યું છે કે પૂરા પાડવામાં આવેલા પુરાવા અપૂરતા છે.
આ પણ વાંચો – અદાણી ગ્રૂપને થયુ હતું 150 અબજ ડોલરનું નુકસાન, હિંડનબર્ગ રિસર્ચે કેટલી કમાણી કરી
એટલું જ નહીં હિંડેનબર્ગે કોર્પોરેટ બાબતોના મંત્રાલયના રેકોર્ડની નકલ પણ રજૂ કરી છે. આ રેકોર્ડ અનુસાર સેબીના ચેરપર્સન પાસે અગોડા એડવાઇઝરી નામના કન્સલ્ટન્સી બિઝનેસમાં 99 ટકા હિસ્સો છે, જ્યાં તેમના પતિ ડિરેક્ટર છે, રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2022માં એક કંપનીએ કન્સલ્ટન્સી પાસેથી 2,61,000 ડોલરની આવક મેળવી હતી.





