Hinduja Group Chairman Gopichand P Hinduja Pass Away : હિન્દુજા ગ્રુપના ચેરમેન ગોપીચંદ પી હિન્દુજાનું 85 વર્ષની વયે લંડનની હોસ્પિટલમાં નિધન થયું છે. બ્રિટીશ હાઉસ ઓફ લોર્ડ્સના સભ્ય રામી રેન્જરે તેમના નિધન પર શોક વ્યક્ત કરતા એક નિવેદન બહાર પાડ્યું હતું.
હિન્દુસ્તાન ટાઇમ્સ અનુસાર નિવેદમાં લખ્યું છે, “પ્રિય મિત્રો, હું ભારે હૃદય સાથે આપને અમારા પ્રિય મિત્ર જીપી હિન્દુજાના દુ:ખદ અવસાનના સમાચાર શેર કરું છું, જેઓ હવે આ દુનિયામાં નથી. તે પરમ દયાળુ, નમ્ર અને વફાદાર મિત્રોમાંના એક હતા. તેમનું નિધન એક યુગનો અંત દર્શાવે છે, કારણ કે તેઓ ખરેખર સમાજના શુભચિંતક અને માર્ગદર્શક હતા. ”
તેઓ વધુમાં લખે છે “મને ઘણા વર્ષો સુધી તેમને જાણવાની તક મળી છે. તેમના ગુણો ખરેખર અનન્ય હતા – રમૂજની મહાન ભાવના, સમાજ અને તેમના દેશ ભારત પ્રત્યેનું સમર્પણ અને હંમેશા સકારાત્મક કાર્યોને ટેકો આપવાનો જુસ્સો. તેમની વિદાયથી એક વિશાળ શૂન્યતા ઊભી થઈ છે જે પુરી કરવી ખૂબ જ મુશ્કેલ હશે. તેમની આત્માને શાંતિ મળે. ઓમ શાંતિ. ”
તમને જણાવી દઇયે કે, ગોપીચંદ પી હિન્દુજા ઉદ્યોગપતિ હિન્દુજા પરિવારના બીજી પેઢીના હતા. તેમના મોટા ભાઇ શ્રીચંદના નિધન બાદ મે 2023માં તેમણે હિન્દુજા ગ્રૂપની કમાન સંભાળી હતી. તેમના પરિવારમાં પત્ની સુનીતા, પુત્ર સંજય અને ધીરજ અને પુત્રી રીટા છે.
હિન્દુજા ગ્રૂપની વેબસાઇટ મુજબ, ગોપીચંદ પી હિન્દુજા એ 1959માં મુંબઇની જય હિંદ કોલેજ માંથી સ્નાતકની ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ તેમણે વેસ્ટમિંસ્ટર યુનિવર્સિટી માંથી માનદ ડોક્ટરેટની પદવી અને લંડનના રિચમંડ કોલેજ માંથી અર્થશાસ્ત્ર માંથી માનદ ડોક્ટરેટની પદવી મેળવી હતી.





