Home Loan Tips: હોમ લોન હોય કે કાર લોન બેંક અને એનબીએફસી પાસેથી કોઇ પણ લોન લેતી વખતે બહુ સાવધાની રાખવી જોઇએ. જો સાવધાની નહીં રાખો તો બેંક લોન બોજો બની શકે છે. ઉપરાંત લોનના ઇએમઆઈ હપ્તા ચૂકવવામાં લાપરવાહી રાખવાથી વ્યક્તિ દેવાના ડુંગર તળે દબાઇ જાય છે. જો તમે હોમ લોન, કાર લોન, પર્સનલ લોન કે એજ્યુકેશન જેવી કોઇ પણ લોન લેવાનું વિચારી રહ્યા છો તો અમુક બાબત ધ્યાનમાં રાખવી જોઇએ. જેથી લોન લીધા બાદ કોઇ પણ પ્રકારની નાણાકીય મુશ્કેલીનો સામનો ન કરવો પડે.
લોન માટે ફિક્સ્ડ, ફ્લોટિંગ અને એપીઆર રેટ વિશે સમજી લો
લોન લેવાની પહેલા તેના વ્યાજદર વિશે બરાબર સમજી લેવું જોઇએ. જે બેંક કે એનબીએફસી પાસેથી લોન લઇ રહ્યા છો, તે ફિક્સ્ડ રેટ પર લોન આપી રહી છે કે ફ્લોટિંગ રેટ પર તે ચેક કરી લેવું. ઉપરાંત લોન પર કેટલું વ્યાજદર ચૂકવી રહ્યા છો તે પણ જાણી લેવું. ફિક્સ્ડ ઇન્ટરેસ્ટ રેટ વાળી લોનમાં સમગ્ર પિરિયડ દરમિયાન લોનના વ્યાજદર સ્થિર રહે છે, તેમા કોઇ ફેરફાર થતો નથી. જ્યારે ફ્લોટિંગ રેટમાં સમયાંતરે લોનના વ્યાજદર બદલાતા રહે છે. એન્યુએલ પર્સેન્ટેજ રેટ વિશે બરાબર જાણકારી મેળવી લેવી. ઘણી વખત પ્રોસેસિંગ ફી અને એડમિનિસ્ટ્રેટિવ ચાર્જના લીધે લોન એપીઆર વધી જાય છે.
લોનની કોસ્ટનો ખોટો અંદાજ ન મૂકવો
લોન લેનાર વ્યક્તિ તેના કુલ પેમેન્ટ ખર્ચનો સાચો અંદાજ લગાવી શકતા નથી. ઘર, કાર ખરીદવા કે એજ્યુકેશન અથવા બિઝનેસ શરૂ કરવા માટે જો લોન લઇ રહ્યા છો તો તેના કુલ ખર્ચનો સાચો અંદાજ લગાવો જરૂરી છે. તેનાથી લોન રિપેમેન્ટ કરવામાં મુશ્કેલી પડશે નહીં. ઘણા લોકો લોન પેમેન્ટના કુલ ખર્ચનો ખોટો અંદાજ લગાવી લે છે, જેની સીધી અસર તેમના ફાઈનાન્સિયલ પ્લાન પર થાય છે.
લોન રિપેમેન્ટ શિડ્યુઅલ માટે સમજી વિચારી નિર્ણય લેવો
લોન લીધા બાદ લોકોને લોન રિપેમેન્ટ વહેલાસર કરવાની ઉતાવળ હોય છે. લોન પિરિયડ પણ બહુ મહત્વપૂર્ણ બાબત છે. લોન રિપેમેન્ટ શિડ્યુઅલ વિશે સમજી વિચારી નિર્ણય લેવો જોઇએ, કારણ કે તેની સીધી અસર તમારા ખર્ચ અને બચત થાય છે. તમારી નાણાકીય સદ્ધરતા ધ્યાનમાં રાખી લોન રિપેમેન્ટ શિડ્યુઅલની પસંદગી કરવી જોઇએ. તમારી આવક ભવિષ્યમાં કેટલી વધી શકે છે તેનો અંદાજ લગાવી લોન રિપેમેન્ટ શિડ્યુઅલ નક્કી કરવું જોએ. તમારી બેંકના ફોરક્લોઝર સંબંધિત નિયમ પણ બરાબર જાણી લેવા. ઘણી વખત 5 ટકા ફોરક્લોઝર ચાર્જ વસૂલાય છે. આથી સમય મુદ્દત પહેલા લોન ચૂકવણી બિનઆકર્ષક બની જાય છે.

નાની ઉંમરે લોન લેવી યોગ્ય
ઘણા લોકો લોન પ્લાન કરવામાં વિલંબ કરે છે. તમે જેટલી જલદી લોન લેશો, તેટલું વહેલું લોન એકાઉન્ટ બંધ કરી શકશો. ફાઈનાન્સિયલ એક્સપર્ટ્સ મોટી ઉંમર લોન લેવાની સલાહ આપતા નથી. તેનાથી લોન એક જવાબદારી બની જાય છે. જો વ્યક્તિની ઉંમર 30 વર્ષ કે તેનાથી થોડીક વધારે છે, તો તેમની માટે લોન પેમેન્ટ સરળ બની રહે છે.
આ પણ વાંચો | ઘર હોમ લોન લઇ ખરીદવું કે ભાડે રહેવું? જાણો, ફાયદા અને ગેરફાયદા
રોકાણ અને બચત કરવાનું ચાલુ રાખો
ઘણા લોકો લોન લીધા બાદ બચત અને રોકાણ કરવાનું બંધ કરી દે છે. પરિણામ તેઓ લાંબા ગાળે રોકાણ પર આકર્ષણ વળતર મેળવવાની તક ગુમાવે છે. માત્ર હોમ લોન પેમેન્ટ કરવાથી નિવૃત્તિ બાદ તમારા ખર્ચની વ્યવસ્થા થવાની નથી. આથી તમારે લોન લીધા બાદ નિયમિત રીતે બચત અને રોકાણ ચાલુ રાખવું જોઇએ.





