Home loan EMI reduce tips : રિઝર્વ બેંકે જૂન 2023ની ધિરાણ નીતિમાં રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી અને તે 6.50 ટકા પર યથાવત રાખ્યો છે. મતલબ કે એક વર્ષ સુધી સતત વ્યાજદર વધ્યા બાદ હવે લોનધારકોને સતત બીજી વખત વ્યાજ વૃદ્ધિથી રાહત મળી છે. રિઝર્વ બેંકના આ પગલાથી હોમ લોનના વ્યાજ દરો હાલના દરે સ્થિર રહેવાની ધારણા છે. પરંતુ એ ન ભૂલવું જોઈએ કે છેલ્લા એક વર્ષમાં લોનના વ્યાજદરમાં બે થી અઢી ટકાનો વધારો થયો છે. એટલે કે, જે લોકો મે- 2022 પહેલા હોમ લોન પર 7.5 ટકા વ્યાજ ચૂકવતા હતા, હાલ તેમને 9.5 થી 10 ટકાના જેટલું ઉંચુ વ્યાજ ચૂકવવું પડી રહ્યું છે.
રેપો રેટમાં વૃદ્ધિ સાથે હોમ લોન મોંઘી થઇ
રિઝર્વ બેંકે મે-2022 થી ફેબ્રુઆરી 2023 દરમિયાન સતત 6 વખત વ્યાજદરમાં વધારો કર્યો હતો. 6 તબક્કામાં રેપો રેટમાં કુલ 2.50 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. મે 2022 પહેલા રેપો રેટ 4 ટકા હતો જે હાલ વધીને 6.50 ટકા થઈ ગયો છે. રેપો રેટ વધવાથી બેંકોએ પણ લોન મોંઘી કરવાનું શરૂ કર્યું. વાસ્તવમાં રેપો રેટ એ દર છે કે જેના પર બેંકો RBI પાસેથી ઉધાર લે છે. આ જ કારણ છે કે બેંકોએ વધેલા રેપો રેટનો ગ્રાહકો પર બોજ નાખ્યો છે.
ગ્રાહકો પર બે રીતે બોજ વધ્યો
છેલ્લા 1 વર્ષમાં ગ્રાહકો પર હોમ લોનનો બોજ સતત વધી રહ્યો છે. તેઓએ આ દબાણને બે રીતે સહન કરવું પડે છે. પ્રથમ તો કેટલીક બેંકોએ લોનના માસિક ઇએમઆ (EMI)માં ફેરફાર કર્યો નથી, પણ તેની સામે લોનનો સમયગાળો વધારી દીધો છે. ઉદાહરણ તરીકે, ધારો કે બેંકે લોનના વ્યાજદરમાં વધારો કર્યો અને તેના કારણે તમારા માસિક EMIમાં દર મહિને 1000 રૂપિયાનો વધારો થયો. જ્યારે હાલ તમારે 180 મહિના લોનના હપ્તા ચૂકવવાના બાકી છે. બેંકે તેને માસિક EMIમાં ઉમેરવાને બદલે, બેંકોએ લોનની ચૂકવણીનો સમયગાળો વધારી દીધો છે. એટલે કે બેંકે લોનનો સમયગાળો 5 થી 6 વર્ષ વધારી દીધો છે.
બીજ રીતે જે ગ્રાહકોએ કાર્યકાળ ન વધારવાનો વિકલ્પ પસંદ કર્યો છે તેમના લોનના માસિક હપ્તા એટલે કે EMI નોંધપાત્ર વધી ગઇ છે. ઉદાહરણ તરીકે, જેમણે 7 ટકાના વ્યાજદરે 15 વર્ષ માટે 50 લાખ રૂપિયાની લોન લીધી હશે ત્યારે તેઓ દર મહિને 44950 રૂપિયાનો હપ્તો ચૂકવતા હતા, જે હાલ વધીને લગભગ 52200 રૂપિયા થઈ ગયો છે. બંને કિસ્સાઓમાં લોનધારકોએ તેમની લોન પર વ્યાજના સ્વરૂપે લાખો રૂપિયાની ચૂકવણી કરવી પડી રહી છે.
હોમ લોન: મૂળ રકમ પર કેટલું વ્યાજ વસૂલાય છે
જ્યારે તમે હોમ લોન લો છો, ત્યારે શું તમે ગણતરી કરી શકો છો કે તમારે લોનની મૂળ રકમ પર બેંકો કેટલું વ્યાજ વસૂલે છે. ધારો કે તમે 20 વર્ષની મુદ્ત માટે 50 લાખ રૂપિયાની લોન લઈ રહ્યા છો. હાલ બેંકોની હોમ લોનનો સરેરાશ વ્યાજદર 9.5 ટકાની આસપાસ છે. આવી સ્થિતિમાં જો તમે માસિક EMI પર નજર કરશો તો તે દર મહિને 47,705 રૂપિયા હશે. આ સંદર્ભમાં, તમે 20 વર્ષ દરમિયાન બેંકોને જે વ્યાજ ચૂકવશો તે 63,49,280 રૂપિયા હશે. જો તેમાં મૂળ રકમ પણ ઉમેરવામાં આવે તો બેંકોને ચૂકવેલી કુલ રકમ 1,14,49,280 રૂપિયા થાય છે. મતલબ કે તમે લોન 50 લાખ રૂપિયાની લીધી, પરંતુ સામે તમે બેંકને 20 વર્ષમાં લગભગ 1.15 કરોડ રૂપિયા ચૂકવો છો, જે લોનની મૂળ રકમના બમણા કરતા પણ વધારે છે.
કુલ હોમ લોન: 50 લાખ રૂપિયા
- વ્યાજદર: 9.55%
- લોનની મુદત: 20 વર્ષ
- માસિક EMI : 47705 રૂપિયા
- કુલ વ્યાજ : 63,49,280 રૂપિયા
- લોન સામે બેંકને કુલ ચુકવણી: 1,14,49,280 રૂપિયા
- (SBIના વ્યાજ દર)
50 લાખની લોન પર પ્રતિ લાખ દીઠ કેટલું EMI વધ્યું
જો 20 વર્ષની મુદ્દત માટે 50 લાખ રૂપિયાની લોન લીધી છે અને વ્યાજદર 7% થી વધીને 9.5% થઇ ગયા છે, તો પ્રત્યેક 1 લાખ રૂપિયાની રકમનો માસિક EMI 775 રૂપિયાથી વધીને 932 રૂપિયા થયો છે, એટલે કે લોનધારકે દર મહિને 157 રૂપિયા અથવા 20 ટકા વધારે રકમ ચૂકવવી પડશે. બીજી તરફ, જો 25 વર્ષની લોન હોય તો માસિક EMI 707 રૂપિયા થી વધીને 874 રૂપિયા થિ છે, એટલે કે માસિક ઇએમઆઇના બોજમાં 167 રૂપિયા કે 24 ટકાનો વધારો થયો છે, તેવી જ રીતે 30 વર્ષના કાર્યકાળમાં પ્રતિ લાખ દીઠ માસિક EMI 665 રૂપિયા થી વધીને 841 રૂપિયા થયો છે, એટલે કે દર મહિને 176 રૂપિયા અથવા 27 ટકા વધારે રકમ ચૂકવવી પડશે.
હોમ લોન એકાઉન્ટ ઝડપથી બંધ કરવા શું કરવું
ફિક્સ્ડ રેટ (Fixed Rate) લોન પસંદ કરો: જ્યારે વ્યાજદરો વધી રહ્યા હોય, ત્યારે એડજસ્ટેબલ-રેટ હોમ લોનના બદલે ફિક્સ્ડ રેટ હોમ લોન પસંદ કરવી એ વધુ સારો વિકલ્પ હોય છે. Fixed Rate મોર્ગેજની સાથે તમારા વ્યાજદર લોનના સમગ્ર કાર્યકાળ દરમિયાન સમાન રહેશે.
લોન ચૂકવણીનો સમયગાળો ટૂંકો રાખો: લોન ચૂકવણીની મુદત ટૂંકી રાખો. જો તમે 20 વર્ષની જગ્યાએ 15 વર્ષ માટે લોન લો છો, તો સમગ્ર લોન પરનું વ્યાજ ઘણું ઓછું થઈ શકે છે.
આ પણ વાંચોઃ Education Loan : એજ્યુકેશન લોનનું ઝડપી રિપેમેન્ટ કરવા અપનાવો આ સ્માર્ટ ટીપ્સ
વધારે ડાઉન પેમેન્ટ કરો: જો તમે વધુ ડાઉન પેમેન્ટ કરી શકતા હોવ તો આ વિકલ્પ પસંદ કરો. ડાઉન પેમેન્ટમાં વધારો કરવાથી તમને વધતા વ્યાજ દરોનો સામનો કરવા માટે તમારી હોમ લોનને સમાયોજીત કરવામાં મદદ મળી શકે છે.
લોનનું રિફાઇનાન્સ કરોઃ લોન લેવામાં આવી ત્યારથી વ્યાજદરોમાં વધારો થયો છે, તેથી રિફાઇનાન્સ સારો વિકલ્પ બની શકે છે. નીચા વ્યાજદરે રિફાઇનાન્સ તમને તમારો માસિક EMI ઘટાડવામાં મદદ કરશે.
Disclaimer : આ આર્ટિકલ ફાઇનાન્સિયલ એક્સપ્રેસ પરથી અનુવાદીત છે, મૂળ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો