Home Loan Fixed or Floating or Hybrid Rate : હોમ લોન દ્વારા ઘર ખરીદવું સરળ બન્યું છે. વિવિધ બેંકો અને ફાઈનાન્સ બેંકો હોમ લોન આપે છે. ઘર ખરીદવા માટે હોમ લોન લેતી વખતે વ્યાજદર સૌથી પહેલા જોવામાં આવે છે. સામાન્ય રીતે લોકો કઇ બેંક સૌથી ઓછા વ્યાજદર પર હોમ લોન આપે છે તે ચકાસે છે. જો કે હોમ લોન લેતી વખતે ક્યા વ્યાજદર પસંદ કરવા તે સૌથી મોટો સવાલ છે. હોમ લોનના વ્યાજદર ફિક્સ્ડ, ફુ્લોટિંગ અને હાઇબ્રિડ – એમ 3 પ્રકારના હોય છે. આ ત્રણેયના અલગ અલગ ફાયદા અને નુકસાન છે. તમારી જરૂરિયાત અનુસાર યોગ્ય વ્યાજદરનો વિકલ્પ પસંદ કરી હોમ લોન લેવ જોઇએ.
ફિક્સ્ડ રેટ હોમ લોન : Fixed Rate Home Loan
ફિક્સ્ડ રેટમાં તમારી લોનના માસિક ઇએમઆઈ હપ્તા લોનની શરૂઆતથી લઇ સમાપ્ત થાય સુધી એક સમાન રહે છે. અહીં સૌથી મોટો ફાયદો એ છે કે, જ્યારે વ્યાજદર વધે છે ત્યારે તમારા લોનના ઇએમઆઈ વધતા નથી. જો કે તેના વિપરીત જ્યારે વ્યાજદર ઘટે ત્યારે લોનના ઇએમઆઈ હપ્તા ઘટતા નથી. ફિક્સ્ડ રેટ લોનના વ્યાજદર સામાન્ય રીતે ફ્લોટિંગ રેટ કરતા ઉંચા હોય છે. તે લોકોને સ્થિર લોન ઇએમઆઈ હપ્તો પસંદ હોય તેમના માટે આ ઉત્તમ વિકલ્પ છે. લોન લેનારને પોતાનું બજેટ બનાવવામાં અને જાળવી રાખવામાં સરળતા રહે છે.
ફ્લોટિંગ રેટ હોમ લોન ; Floating Rate Home Loan
હાલ મોટાભાગની હોમ લોન ફ્લોટિંગ ઇન્ટરેસ્ટ રેટ વાળી હોય છે. ફ્લોટિંગ રેટમાં RBIના પોલિસી રેટ મુજબ લોનના વ્યાજદરમાં વધ – ઘટ થાય છે. ફ્લોટિંગ ઇન્ટરેસ્ટ રેટ વાળી લોનનો સૌથી મોટો ફાયદો એ છે કે, જ્યારે રિઝર્વ બેંક વ્યાજદર ઘટાડે છે ત્યારે બેંકો પણ તેને અનુસરી લોનના વ્યાજદર ઘટાડે છે, જેની અસરે ફ્લોટિંગ હોમ લોનનો વ્યાજદર ઘટતા માસિક લોન ઇએમઆઈ પણ ઘટશે. તેનાથી વિપરીત RBI મુખ્ય પોલિસી રેટ વધારે ત્યારે લોનના વ્યાજદર વધે છે. સામાન્ય રીતે લાંબા ગાળે ફિક્સ્ડ રેટ કરતા ફ્લોટિંગ રેટ લોન સસ્તી સાબિત થાય છે. હોમ લોન લેનાર મોટાભાગના લોકો આ વિકલ્પ પસંદ કરે છે.
માર્કેટની સ્થિતિ, મોંઘવાર દર અને વ્યાજદરની દિશા હોમ લોન પર સીધી અસર કરે છે. જ્યારે મોંઘવારી વધે ત્યારે જોખમ ઘટાડવા બેંકો વ્યાજદર ઘટાડે છે. તો સ્થિત બજારની સ્થિતિમાં વ્યાજદર મોટાભાગે સામાન્ય રહે છે.
હાઇબ્રિડ રેટ હોમ લોન ; Hybrid Rate Home Loan
હાઇબ્રિડ ઇન્ટરેસ્ટ રેટમાં લોનની શરૂઆતના થોડાક વર્ષ સુધી માસિક EMI ફિક્સ હોય છે, ત્યાર બાદ તે ફ્લોટિંગ રેટમાં રૂપાંતરિત થઇ જાય છે. આવી રીતે શરૂઆતના થોડાંક વર્ષ સુધી સ્થિરતા મળે છે અને ત્યાર પછી બજારની સ્થિતિ મુજબ વ્યાજદર ઘટવાનો ફાયદો મળી શકે છે.
આ પણ વાંચો | ITR ફાઇલ કરવાની ડેડલાઇન ચુકી ગયા તો શું નુકસાન થશે? જાણો આવકવેરા કાયદાના નિયમ
અલબત્ત હાઇબ્રિડ ઇન્ટરેસ્ટ રેટમાં લોનના વ્યાજદરો શરૂઆતમાં ફ્લોટિંગ રેટ કરતા થોડાંક ઉંચા હોય છે જો ત્યાર પછી વ્યાજદર વધે તો EMI પણ વધશે. આ વિકલ્પ એવા લોકો માટે યોગ્ય છે જેઓ શરૂઆતમાં EMI સ્થિર રાખવા માંગે છે અને આગળના સમયમાં વધારે જોખમ લેવા તૈયાર છે.