Home Loan EMI Reduce Tips : હોમ લોન ઇએમઆઈ ઘટવાની હાલ કોઇ સંભાવના નથી. આરબીઆઈ એ સતત સાતમી વખત રેપો રેટ સહિત મુખ્ય વ્યાજદર યથાવત રાખ્યા છે. મતલબે કે હોમ લોન સહિત મોટા ભાગની બેંક લોનના વ્યાજર સ્થિર રહેશે. અલબત્ત મે 2022થી ફેબ્રુઆરી 2023 દરમિયાન આરબીઆઈ 6 તબક્કામાં કુલ 2.5 ટકા વ્યાજદર વધાર્યા છે. ત્યારબાદથી વ્યાજદરમાં કોઇ ફેરફાર કે ઘટાડો થયો નથી. રેપો રેટ અઢી ટકા વધવાને કારણે મોટાભાગની બેંકોએ હોમ લોન સહિત તમામ લોનના વ્યાજદર વધારી દીધા છે. હાલ હોમ લોન પર વ્યાજ દર સરેરાશ 8.50 થી 9.50 ટકા છે.
હકીકતમાં રેપો રેટ એ વ્યાજ દર છે જેના પર બેંકો મધ્યસ્થ બેંક પાસેથી ધિરાણ મેળવે છે. આ જ કારણ છે કે જ્યારે રેપો રેટ વધે છે, ત્યારે બેંકો વધેલા વ્યાજદરનો બોજ ગ્રાહકો પર નાંધે છે. વ્યાજદર વધતા તમામ લોન ઇએમઆઈ વધી જાય છે. પરિસ્થિતિ એવી છે કે હોમ લોનના બદલામાં ગ્રાહકોને લોનની વેલ્યૂ જેટલું જ વ્યાજ ચૂકવવું પડે છે. આવી સ્થિતિમાં વધુ સારું છે કે લોન લેવાની સાથે લોન એકાઉન્ટ મુદ્દત પહેલા બંધ કરવા વિશે વિચારવું જોઇએ.
હોમ લોનનો બોજ ઘટાડવાની સરળ ટીપ્સ
હોમ લોન લેતી વખતે પુરતું સંશોધન કરો
સોથી પહેલા તમામ બેંકોના હોમ લોન વ્યાજદર દર તપાસો. તમને જ્યાં વધુ અનુકુળ અને ફાયદાકારક હોય તે બેંકમાંથી લોન લેવી જોઇએ. જરૂરી નથી કે, જે બેંકમાં તમારું એકાઉન્ટ હોય તે જ બેંકમાં લોન લેવી.
ફિક્સ્ડ રેટ લોન પસંદ કરો
બેંક વ્યાજ દર વધી રહી હોય ત્યારે એડજસ્ટેબલ રેટ હોમ લોનના બદલે ફિક્સ્ડ રેટ હોમ લોન પસંદ કરવી એ વધુ સારો વિકલ્પ છે. ફિક્સ્ડ રેટ લોનના વ્યાજદર લોનની સંપર્ણ મુદ્દત દરમિયાન સમાન રહે છે.
લોનની મુદ્દત ટૂંકી રાખો
લોનની મુદત ટૂંકી રાખો. જો તમે 20 વર્ષની જગ્યાએ 15 વર્ષ માટે લોન લો છો, તો સમગ્ર લોન પરનું વ્યાજ ઘણું ઓછું થઈ શકે છે.
લોનનું ડાઉન પેમેન્ટ વધુ ચૂકવો
જો તમે લોનનું વધુ ડાઉન પેમેન્ટ ચૂકવી શકતા હોવ તો આ વિકલ્પ પસંદ કરો. ડાઉન પેમેન્ટમાં વધારો કરવાથી તમને વધતા વ્યાજદરનો સામનો કરવા માટે તમારી હોમ લોનનું મેનેજમેન્ટ કરવામાં મદદ મળી શકે છે.
લોન રિફાઈનાન્સ કરો
લોન લીધા બાદ વ્યાજદર વધી રહ્યા હોવ તો રિફાઈનાન્સ એક સારો વિકલ્પ બની શકે છે. નીચા વ્યાજ દરે રિફાઈનાન્સ તમને તમારી લોનનો માસિક ઇએમઆઈ ઘટાડવામાં મદદ કરશે.
જો તમે લોનનું રિફાઈનાન્સ કરી શકતા નથી, તો તમે માસિક ઇએમઆઈ પેમેન્ટ વધારીને ઝડપથી લોનની પતાવટ કરી શકો છો. આના કારણે, તમે વ્યાજ વધવાની તક આપતા નથી અને મૂળ રકમ પણ ઘટતી જાય છે. તમે દર મહિને એક ઇએમઆઈ હપ્તો વધારીને પણ ચૂકવણી કરી શકો છો.
વધારાનું લમસમ પેમેન્ટ કરો
તમે વધારાનું લમસમ પેમેન્ટ કરીને તમારી હોમ લોન વહેલી બંધ કરાવી શકો છો. લમસમ પેમેન્ટનો અર્થ છે એક સાથે મોટી રકમની ચૂકવણી કરવી, આ પેમેન્ટ તમારા વ્યાજ અને મૂળ રકમને આવરી લે છે.
આ પણ વાંચો | મહિલાઓ માટે ટેક્સ સેવિંગ ટીપ્સ – યોગ્ય નાણાંકીય આયોજન કરી મહત્તમ ટેક્સ અને પૈસા બચાવો
લોન ટ્રાન્સફર
હોમ લોન વહેલા બંધ કરવાની બીજી રીત હોમ લોન ટ્રાન્સફર છે. જેમા તમે તમારી બાકી લોનની રકમ કોઈપણ અન્ય બેંક/લોન સંસ્થામાં ટ્રાન્સફર કરી શકો છો જે ઓછા વ્યાજદર પર હોમ લોન ઓફર કરી રહી છે. જો કે, પ્રોસેસિંગ ફી અને અન્ય ચાર્જના ખર્ચને ધ્યાનમાં રાખવા જરૂરી છે.