Electric Vehicle Care Tips In Monsoon: ચોમાસાના વરસાદમાં વાહનની ખાસ કાળજી રાખવી પડે છે. હાલ ભારતમાં પણ ઈલેક્ટ્રિક વ્હીકલ લોકપ્રિય થઇ રહ્યા છે. ચોમાસામાં વરસાદ પડતા ઘણી વખતે રોડ રસ્તા પર પાણી ભરાઇ જાય છે, જેના કારણે વાહન ચલાવવું મુશ્કેલ હોય છે અને ઘણી વખત તો પાણીમાં વાહન બંધ થઇ જાય છે. બેટરી સંચલાતિ વાહન ખાસ સાવચેતી માંગી લે છે. અહીં બેટરીથી ચાલતા ઇલેક્ટ્રિક વાહનો (સ્કૂટર, બાઇક અને કાર) માટે કેટલીક મહત્વપૂર્ણ સેફ્ટી ટીપ્સ આપી છે. આ ટીપ્સ અનુસરી તમે ચોમાસાના વરસાદમાં તમારા ઇલેક્ટ્રિક વ્હીકલનો સુરક્ષિત રીતે ઉપયોગ કરી શકશો.
ઇલેક્ટ્રિક વ્હીકલ સુરક્ષિત જગ્યા પર પાર્ક કરો
ઇલેક્ટ્રિક વાહનો માટે સલામત પાર્કિંગ જરૂરી છે. જો શક્ય હોય તો, તમારા ઈવીને શેલ્ટર કે કવર કરાયેલી હોય તેવી પાર્કિંગ જગ્યા પર પાર્ક કરો. જો આ શક્ય ન હોય તો, ઈવીને સેફ્ટી કવરથી ઢાંકી દો, અન્યથા, લાંબા સમય સુધી વરસાદના સંપર્કમાં રહેવાથી તેમાં ભેજ પ્રવેશી શકે છે, પરિણામે EV ના ઘણા પાર્ટસમાં કાટ લાગવાની શક્યતા વધી જાય છે.
પેટ્રોલ – ડીઝલથી ચાલતા વાહનોની તુલનામાં, ઇલેક્ટ્રિક વ્હીકલમાં વધારે ઇલેક્ટ્રિક પાર્ટ્સ હોય છે. આવી સ્થિતિમાં ઝાડ નીચે કે સ્ટ્રીટ લાઇટ નજીક ઈવી પાર્ક કરવાનું ટાળો.
પાણી ભરાયેલા રસ્તાઓ પર વાહન ચલાવવાનું ટાળો
હાલના ઈલેક્ટ્રિક વ્હીકલ ઓછા પાણી માંથી પણ થવા માટે સક્ષમ છે, પરંતુ જો રોડ રસ્તા પર વધારે પાણી ભરાયેલું હશે ઇલેક્ટ્રિક વાહનોને નુકસાન થઈ શકે છે. હકીકતમાં ઈલેક્ટ્રિક બાઈક અને સ્કૂટરના આંતરિક પાર્ટ્સ ખૂબ જ સંવેદનશીલ હોય છે. આ ઈલેક્ટ્રોનિક્સ સેન્સરથી સજ્જ છે અને જો આ પાર્ટ્સ ખરાબ થઈ જાય તો તેને રિપેર કરાવવામાં મોટો ખર્ચ થઇ શકે છે.
બેટરી તપાસો
ઇલેક્ટ્રિક વ્હીકલ બેટરી પર ચાલે છે. આ સિઝનમાં બેટરીનું નિયમિત ચેકિંગ જરૂરી છે. સમયાંતર કોઈ ઇન્સ્યુલેશન અથવા કનેક્ટરમાં ક્ષતિ છે કે નહીં તે ચકાસો. જો બેટરીમાં કોઈ ખામી જણાય તો, EV ને ચાલુ કર્યા વિના ઓથોરાઇઝ્ડ સર્વિસ સેન્ટર પર લઈ જાઓ. બેટરી પર આપવામાં આવેલ IP રેટિંગ પર પણ ધ્યાન આપો જે ઈવીનું સેફ્ટી લેવલ દર્શાવે છે.
ચાર્જિંગ ડિવાઇસ સુરક્ષિત રાખો
ચાર્જિંગ ડિવાઇસમાં પાણી પ્રવેશતું અટકાવવા માટે ઇલેક્ટ્રિક વ્હીકલની અંદર ચાર્જિંગ ડિવાઇસ મૂકવાનું ટાળો. ચાર્જર સાથે કનેક્ટ થવા પર ભેજ માત્ર ચાર્જિંગ ડિવાઇસને જ નહીં પરંતુ બેટરીને પણ નુકસાન પહોંચાડે છે. અને આ સ્થળોએ પાણીની હાજરી શોર્ટ સર્કિટનું કારણ બની શકે છે. ઉપરાંત, ભારે વરસાદના સંપર્કમાં આવતા પબ્લિક ચાર્જિંગ સ્ટેશનનો ઉપયોગ કરવાનું ટાળો.
આ પણ વાંચો | ઇલેક્ટ્રિક વ્હીકલ બેટરી કેટલી ચાર્જ કરવી? આ 5 ટીપ્સ ધ્યાનમાં રાખો, આગ કે બ્લાસ્ટ થવાનું જોખમ નહીં રહે
ઇલેક્ટ્રિક વ્હીકલ ઈન્શ્યોરન્સ કરાવો
ભારતમાં વ્હીકલ ઈન્શ્યોરન્સ ફરજિયાત છે પરંતુ મોટાભાગની વ્હીકલ ઈન્શ્યોરન્સ પોલિસી સ્ટાન્ડર્ડ સમાવેશ તરીકે પૂરમાં થયેલા નુકસાનને આવરી લેતી નથી. તેના બદલે, ઇલેક્ટ્રિક વ્હીકલ ના માલિકોએ ફ્લડ સેફ્ટી કવરેજ અલગથી ખરીદવું પડશે. પરંતુ એકવાર કવરેજ ખરીદ્યા પછી, તે ભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિઓનો સામનો કરવામાં ઘણી હદ સુધી મદદ કરી શકે છે.





