Income Tax Refund Tips: ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કર્યા બાદ આઈટી રિફંડ મેળવવામાં ઘણી વખત મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તમારું આવકવેરા રિટર્ન (આઇટીઆર) યોગ્ય રીતે ફાઇલ કરવા છતાં શું તમારું વાજબી રિફંડ અટવાઇ શકે છે? ઘણા કરદાતાઓને આવી સમસ્યાનો સામનો કરવો પડે છે, જેના માટે પહેલી નજરે નાની ભૂલ જવાબદાર હોઈ શકે છે. પરંતુ જો તે નાની ભૂલને યોગ્ય સમયે સુધારવામાં નહીં આવે તો ઈન્કમ ટેક્સ રિફંડ મેળવવામાં અડચણો આવી શકે છે.
જેમ કે, પરમેનન્ટ એકાઉન્ટ નંબર (PAN) અને બેન્ક એકાઉન્ટમાં આપવામાં આવેલા કરદાતાના નામ વચ્ચે મિસમેચ હોય તો ખાતાનો IFSC કોડ સાચો ન હોય અથવા જે બેન્ક એકાઉન્ટની વિગતો આવકવેરા વિભાગ પાસે હોય તે બંધ કરી દેવામાં આવ્યું હોય તો ઈન્કમ ટેક્સ રિટર્ન યોગ્ય રીતે ફાઇલ કરવા છતાં રિફંડ અટવાઇ શકે છે. જો આમ થાય તો તમારે શું કરવું જોઈએ તેની માહિતી તો અમે આપીશું જ, પરંતુ પહેલા જાણી લો કે ક્યારે અને કોને ઈન્કમ ટેક્સ રિફંડ મળે છે.
ઈન્કમ ટેક્સ રિફંડ ક્યારે અને કોને મળે છે?
જો તમારા નોકરીદાતા એટલે કે કંપની દ્વારા આવકવેરા વિભાગમાં જમા કરાવેલ ટીડીએસ તમારી કુલ કર જવાબદારી કરતા વધારે હોય અથવા તમે વધુ એડવાન્સ ટેક્સ ભર્યો હોય તો તમને આવકવેરા રિફંડ મળી શકે છે. તમારે આ રિફંડને તમારા આવકવેરા રિટર્નમાં ક્લેમ કરવાનું રહેશે. સાથે જ તમારા રિટર્નને ડેડલાઇનની અંદર ભરીને તેની વેરિફાઇ કરવું પણ જરૂરી છે. આ પછી, આવકવેરા વિભાગ તમારી રિફંડ પ્રક્રિયા કરશે અને આઈટી રિફંડ તમારા બેંક ખાતામાં જમા થશે. આ રિફંડ હંમેશા ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસ (ઇસીએસ) દ્વારા પ્રી-વેલિડેટેડ બેંક એકાઉન્ટમાં જમા થાય છે. આ માટે પાન અને બેંક એકાઉન્ટમાં આપવામાં આવેલા નામ અને અન્ય વિગત સુસંગત હોવી જોઇએ.

નામમાં તફાવત હશે તો આઈટી રિફંડ નહીં મળે
જો કરદાતાના પાન અને બેન્ક એકાઉન્ટમાં આપવામાં આવેલા તમારા નામ કે અન્ય કોઇ વિગતમાં થોડુંક મિસમેચ હશે તો આવકવેરા વિભાગ તમારું રિફંડ ઇશ્યૂ નહીં કરી શકે. તમારા પ્રથમ નામ, મધ્ય નામ અને અટકમાં તફાવત હશે તો પણ રિફંડ મળશે નહીં. ઘણી વખત આવા નાની મોટી વિસંગતતા કરદાતાના ધ્યાનમાં આવતી નથી, કારણ કે આવી વિસંગતતાના કારણે તેમને ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવામાં કોઇ સમસ્યા પડતી નથી. પરંતુ જ્યારે લાંબા સમય સુધી રાહ જોયા બાદ પણ રિફંડ આવતું નથી, ત્યારે તેમનું રિફંડ કેમ અટવાયું છે તેની તપાસ શરૂ કરી દે છે.
આઈટી રિટર્ન ફાઈલ કરવાની પહેલા વિગતો ચકાસો
કરદાતા એ પોતાનું ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની પહેલા તેમના પાન કાર્ડ, આધાર કાર્ડ, બેંક એકાઉન્ટના નામ અને નામના સ્પેલિંગમાં કોઇ તફાવત છે કે નહીં તે તપાસી લેવું જોઇએ. ઉપરાંત, પાન અને આધાર કાર્ડ બંને લિંક છે કે નહીં પણ ચકાસી લો. જો બેન્ક એકાઉન્ટ અને પાન કાર્ડના નામમાં કોઇ તફાવત હોય તો તે સુધારવું પડશે. પાન કાર્ડમાં આપેલું નામ સાચું હોય તો બેન્ક એકાઉન્ટમાં કરેક્શન કરવું વધુ સારું રહેશે. પરંતુ જો પાન કાર્ડમાં છાપેલા નામમાં કોઇ ભૂલ હશે તો તેને પણ સુધારી શકાય છે. આ માટે તમારે જરૂરી દસ્તાવેજો સાથે પાન કરેક્શન ફોર્મ ભરીને જમા કરાવવાનું રહેશે. જો બેંક ખાતામાં આપવામાં આવેલા નામમાં વિસંગતતા હોય અને પાનકાર્ડ, આધારકાર્ડમાં સાચું નામ આપવામાં આવે તો આ દસ્તાવેજોના આધારે બેંકમાં નામ સરળતાથી સુધારી શકાય છે.

આ પણ વાંચો | ઘરમાં કેટલું સોનું રાખી શકાય? સોનું વેચીયે ત્યારે ટેક્સ ચૂકવવો પડે? જાણો આવકવેરા કાયદો શું કહે છે
આઈટી રિફંડ અટકે તો શું કરવું
આઈટી રિટર્ન ફાઈલ કરવાની પહેલાં આ કામ કરશો તો વાંધો નહીં આવે. પરંતુ તમને આ મિસમેચ વિશે પાછળથી જાણ થાય છે, જેના કારણે તમારું રિફંડ અટકી ગયું છે અથવા તો અટવાઇ જવાની આશંકા છે, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કર્યા બાદ પણ તમે પાન કે બેન્ક એકાઉન્ટમાં કરેક્શન કરી શકો છો. એક વખત ભૂલ સુધારી લીધા બાદ તમારે ઈન્કમ ટેક્સ પોર્ટલ પર જઈને રિફંડ આપવા માટે રિક્વેસ્ટ ફાઇલ કરવી પડશે. તેના થોડાક દિવસ બાદ તમારું આઈટી રિફંડ તમારા એકાઉન્ટમાં જમા થઇ જશે.





