Income Tax On Old Flat Sale And New Home Buying : શું મારે જૂનું મકાન વેચીને મેળવેલા નાણાં પર આવકવેરો ભરવો પડશે ? જો હા, તો કેટલી? અને જૂનું મકાન વેચીને મળેલા પૈસાથી નવું મકાન ખરીદવામાં આવે તો શું કર મુક્તિ મળશે? જો તમે વર્ષો પહેલા ફ્લેટ કે રહેણાંક મકાન ખરીદ્યું હોય અને હવે તેને વેચવા માંગતા હોવ અથવા તમારું જૂનું મકાન વેચીને નવું ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો આવા અનેક પ્રશ્નો તમારા મનમાં ઉદ્ભવતા જ હશે. તો ચાલો જાણીએ આ પ્રશ્નો અંગે આવકવેરાના નિયમો શું કહે છે.
આવકવેરાના નિયમ શું કહે છે?
જો તમે કોઈપણ રહેણાંક હાઉસિંગ પ્રોપર્ટી વેચીને નફો કરો છો, તો તમારે તેના પર ટેક્સ ચૂકવવો પડશે. આ જવાબદારી કેટલી હશે તેની માહિતી આવકવેરા કાયદાની વિવિધ કલમોમાં આપવામાં આવી છે. આવકવેરા કાયદાની કલમ 48માં આપવામાં આવેલા આ નિયમો અનુસાર, જો કોઈ રહેણાંક મકાન ખરીદીના બે વર્ષમાં વેચવામાં આવે છે, તો સ્લેબ રેટ મુજબ તેના પર થયેલા નફા પર આવકવેરો ચૂકવવો પડશે. પરંતુ જો તે જ મકાન 24 મહિના એટલે કે બે વર્ષથી વધુ સમય સુધી રાખ્યા પછી વેચવામાં આવે તો તેમાંથી થયેલો નફો લોંગ ટર્મ કેપિટલ ગેઈન (LTCG) તરીકે ગણવામાં આવે છે, જેના પર 20 ટકાના રાહત દરે LTCG ટેક્સ ચૂકવવો પડે છે.
નફો ગણતરી કેવી રીતે થાય છે?
ખાસ વાત એ છે કે મકાન વેચવાથી થતા નફાની ગણતરી કરતી વખતે, વેચાણ કિંમત માંથી માત્ર તે મિલકતની ખરીદ કિંમત બાદ કરવામાં આવતી નથી, પરંતુ ખરીદી સમયે થતા અન્ય ખર્ચ જેમ કે રજીસ્ટ્રેશન ચાર્જને પણ સામેલ કરવામાં આવે છે. ઉપરાંત જો તમે પ્રોપર્ટી હોલ્ડિંગ કરતી વખતે તેના રિનોવેશન માટે પૈસા ખર્ચ્યા છે, તો તમે તે નફામાંથી પણ બાદ કરી શકો છો. તેમજ પ્રોપર્ટીના વેચાણ પર થયેલા ખર્ચ, જેમ કે બ્રોકરેજ, લીગલ ફી વગેરે પણ નફામાંથી બાદ કરવામાં આવે છે.
કોસ્ટ ઇન્ફ્લેશન ઈન્ડેક્સ
રેસિડેન્શિયલ હાઉસિંગ પ્રોપર્ટીના વેચાણથી થયેલા નફા પર પણ ઈન્ડેક્સેશન બેનિફિ પણ ઉપલબ્ધ છે. આ માટે ખરીદ કિંમતને કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ (CII) ની મદદથી ઇન્ફ્લેશન માટે એડજસ્ટ કરવામાં આવે છે. આ ઇન્ડેક્સ દર વર્ષે સરકાર દ્વારા બહાર પાડવામાં આવે છે. આ એડજસ્ટમેન્ટને કારણે જૂના મકાનની મૂળ કિંમત ફુગાવાના પ્રમાણમાં વધે છે, જે નફો ઘટાડે છે. અને જ્યારે નફો ઘટશે ત્યારે તેના પરનો ટેક્સ પણ ઘટશે, જેનો ફાયદો ઘર વેચનારને થશે.
નફામાંથી બીજું મકાન ખરીદવા પર કર મુક્તિ
આવકવેરા કાયદાની કલમ 54 મુજબ, જો તમે તમારું જૂનું રહેણાંક મકાન વેચીને નફો કરો છો અને તે રકમથી તમે તમારા માટે નવી રહેણાંક મિલકત ખરીદો છો, તો તમને તે રકમ પર લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સમાં છૂટ મળી શકે છે. આ મુક્તિ ફક્ત વ્યક્તિગત આવકવેરાદાતાઓ અથવા હિન્દુ અવિભાજિત કુટુંબ (HUF) માટે ઉપલબ્ધ છે. આ આવકવેરા મુક્તિ મેળવવા માટે, વેચાયેલી અને ખરીદેલી મિલકત રહેણાંક મકાન હોવું જરૂરી છે. ઉપરાંત જૂનું મકાન વેચ્યા પછી 2 વર્ષની અંદર નવું મકાન ખરીદવું પણ ફરજિયાત છે.
આ પણ વાંચો | હોમ લોનના વ્યાજદર સ્થિર, કેવી રીતે લોનના ઇએમઆઈની રકમ ઘટાડવી? જાણો અહીં
જો તમે તૈયાર રહેણાંક મકાન ખરીદવાને બદલે તમારા માટે ઘર બનાવી રહ્યા છો, તો 2 વર્ષને બદલે 3 વર્ષ લાગી શકે છે. જો તમે જૂના મકાનના વેચાણની તારીખના એક વર્ષ પહેલાં નવું મકાન ખરીદ્યું હોય, તો પણ તમે તેના પર LTCG ટેક્સ માં મુક્તિનો દાવો કરી શકો છો. એલટીસીજી ટેક્સ પર આ મુક્તિ માટે મહત્તમ 10 કરોડ રૂપિયાની મર્યાદા પણ નક્કી કરવામાં આવી છે. નવા નિયમો હેઠળ, હવે તમે એક મકાન વેચવાથી થયેલા નફામાંથી 2 વર્ષની અંદર બે મકાનો ખરીદો તો પણ તમે આ છૂટ મેળવી શકો છો. જો કે, આવી સ્થિતિમાં, તમારો કુલ લાંબા ગાળાનો મૂડી લાભ રૂ. 2 કરોડથી વધુ ન હોવો જોઈએ.