કરદાતાઓ માટે એક મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે. આવકવેરા વિભાગ દ્વારા (Income Tax) આકારણી વર્ષ 2023-24 (નાણાકીય વર્ષ 2022-23) માટે વ્યક્તિઓ અને ઉદ્યોગ-વ્યવસાયો માટે ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરવાનું ફોર્મ નોટિફાઇ કરવામાં આવ્યું છે. 10 ફેબ્રુઆરીના એક નોટિફિકેશન અનુસાર સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) એ ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR)માટેના ફોર્મ 1-6, ITR-V (વેરિફિકેશન ફોર્મ) અને એકનોલેજમેન્ટ ફોર્મ પણ નોટિફાઇ કર્યા છે. નોંધનીય છે કે, ગત નાણાકીય વર્ષની જેમ આ વખતે પણ ફોર્મમાં કોઈ મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા નથી. તેથી આ વખતે પણ ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31મી જુલાઈ રહેશે.
CBDTએ સમય પહેલા ઇન્કમ ટેક્સ રિટર્ન ફોર્મ નોટિફાઇ કર્યા
એએમઆરજી એન્ડ એસોસિએટ્સના સિનિયર પાર્ટનર રજત મોહને જણાવ્યું કે, સીબીડીટીએ એસેસમેન્ટ યર 2023-24 (2022-23માં કમાણી કરેલ આવક માટે) માટે ઇન્કમ ટેક્સ રિટર્નનું ફોર્મ બહુ વહેલું નોટિફાઇ કર્યું છે, જેનાથી કરદાતાઓને વહેલાસર પોતાનું ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવામાં મદદ મળશે. પાછલા વર્ષે આવા ફોર્મ એપ્રિલના પ્રથમ સપ્તાહમાં જાહેર કરવામાં આવ્યા હતા.
ટેક્સ એક્સપર્ટનું શું કહેવું છે?
રજત મોહન વધુમાં જણાવે છે કે, ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફોર્મને સમય પહેલા સૂચિત કરવાથી ઈ-ફાઈલિંગ પોર્ટલ, થર્ડ પાર્ટી સોફ્ટવેર કંપનીઓ, કરદાતાઓ વગેરેને રિટર્ન ફાઈલ કરવા માટે વધારે સમય મળશે. ચાલુ વર્ષે સોફ્ટવેર વેન્ડર્સ આ વધારાના સમયનો ઉપયોગ એક્સેલ યુટિલિટીના પ્રારંભિક અમલીકરણ અને ITR ફાઇલિંગ માટે થર્ડ પાર્ટી સોફ્ટવેર માટે કરી શકે છે.
ITR-1, ITR-2 અને ITR-4 શું છે?
ITR-1 ફોર્મ એ એવા લોકો ફાઇલ કરે છે જેઓ પગાર, એક ઘરની મિલકત અને અન્ય સ્ત્રોતો જેવા કે વ્યાજ વગેરેમાંથી લાખ રૂપિયા સુધની આવક મેળવે છે. ITR-4 વ્યક્તિઓ, હિંદુ અવિભાજિત પરિવારો (HUF) અને વ્યક્તિઓ અથવા પેઢીઓ દ્વારા ફાઇલ કરવામાં આવે છે જેમની કુલ વાર્ષિક આવક 50 લાખ રૂપિયા સુધી હોય છે. તો ITR-2 એવા લોકો દ્વારા ફાઈલ કરવામાં આવે છે જેઓ રહેણાંક મિલકતમાંથી આવક પ્રાપ્ત કરે છે.