Disadvantages Of ITR Filing After Deadline: ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની અંતિમ તારીખ 31 જુલાઈ છે. હવે કરદાતાઓ માટે નાણાકીય વર્ષ 2023-24 એટલે કે આકારણી વર્ષ 2024-24 માટે આઈટી રિટર્ન ફાઇલ કરવા માટે માત્ર થોડાક દિવસ બાકી છે. જો તમે હજુ સુધી આ મહત્વપૂર્ણ કામ કર્યું નથી, તો તેને જલદીથી પૂર્ણ કરો. નહિંતર, વધારાના ચાર્જ અને દંડ ભરવા ઉપરાંત, તમારે નાણાકીય નુકસાન પણ સહન કરવું પડી શકે છે.
મોટાભાગના લોકો જાણે છે કે જો 31 જુલાઈ પછી ITR ફાઈલ કરવામાં આવે તો કરદાતાઓએ વિલંબ માટે દંડ ચાર્જ ચૂકવવો પડે છે. પરંતુ ડેડલાઈન પછી ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવામાં વિલંબ (આઈટીઆર ફાઈલ કરવામાં વિલંબ)ને કારણે સૌથી મોટા નુકસાન વિશે બહુ ઓછા લોકો જાણે છે. ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની અંતિમ તારીખ ખૂબ નજીક છે. આવી સ્થિતિમાં, તમે છેલ્લી તારીખની રાહ જોયા વગર ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરીને પોતાને સૌથી મોટા નુકસાનથી બચાવી શકો છો. 31 જુલાઇ બાદ આઈટી રિટર્ન ફાઈલ કરવાના ગેરફાયદા વિશે જાણીયે
જુની કર પ્રણાલીના કર લાભ નહીં મળે
નવી કર વ્યવસ્થાને નાણાકીય વર્ષ 2023-24થી ડિફોલ્ટ ટેક્સ સિસ્ટમ બનાવવામાં આવી છે. તેમ છતાં, કરદાતાઓ પાસે જૂની કર વ્યવસ્થા પસંદ કરવાનો વિકલ્પ છે. પરંતુ જો તમે ITR મોડું ફાઇલ કરો છો, તો તમને જૂની ટેક્સ સિસ્ટમ પસંદ કરવાનો વિકલ્પ મળતો નથી. તેનો અર્થ એ છે કે તમને નવી ટેક્સ સિસ્ટમ મુજબ ટેક્સ ચૂકવવાની ફરજ પડશે. ITR ફાઈલ કરવાની અંતિમ તારીખ ચૂકી જવાનો આ એક મોટો ગેરલાભ છે. આનું કારણ એ છે કે મોટાભાગની કર બચત કપાત અને છૂટ નવી ટેક્સ રિઝિમમાં ઉપલબ્ધ નથી. જ્યારે જૂની કર પ્રણાલીમાં કર બચત રોકાણ સહિત આવા ઘણા લાભ મળે છે, જે કર જવાબદારી ઘટાડે છે. તેથી, જો તમે જુની કર પ્રણાલી અનુસાર તમારું નાણાકીય આયોજન કર્યું હોય અને હવે ITR ફાઇલ કરવાની અંતિમ તારીખ ચૂકી ગયા હો, તો તમારે રિટર્ન મોડું ફાઇલ કરતી વખતે વધુ ટેક્સ ચૂકવવો પડી શકે છે.

મોડું ITR ફાઈલ કરવા પર દંડ ચૂકવવો પડશે
સૌથી પહેલા તો ચાલો જાણીએ કે ઈન્કમ ટેક્સ રિટર્ન મોડું ફાઈલ કરવા પર કેટલી પેનલ્ટી ભરવી પડે છે. આવકવેરા અધિનિયમ 1961ની કલમ 234F હેઠળ, ડેડલાઇન બાદ આવકવેરા રિટર્ન ફાઇલ કરવા માટે 5000 રૂપિયા સુધીનો દંડ ચૂકવવો પડી શકે છે. જો કે, જે કરદાતાઓની કરપાત્ર આવક રૂ. 5 લાખ સુધીની છે, તેમના માટે મોડું ફાઇલ કરવા બદલ મહત્તમ રૂ. 1000નો દંડ નક્કી કરવામાં આવ્યો છે. પરંતુ એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે જે વ્યક્તિઓની કર જવાબદારી શૂન્ય હોવા છતાં રિટર્ન ફાઈલ કરવું જરૂરી છે, તેઓએ લેટ આઈટી રિટર્ન ફાઈલ કરવા બદલ દંડ પણ ભરવો પડી શકે છે.
લોસ કેરી ફોરવર્ડ થશે નહીં
આવકવેરા સંબંધિત નિયમો હેઠળ, કરદાતાઓ 8 નાણાકીય વર્ષ સુધી કોઈપણ એક વર્ષમાં થયેલા મૂડી નુકસાનને કેરી ફોરવર્ડ કરી શકે છે. આ ભવિષ્યના મૂડી લાભો પર લાગુ પડતી કર જવાબદારી ઘટાડવામાં ઘણી મદદ કરે છે. પરંતુ જે કરદાતાઓ ITR મોડું ફાઇલ કરે છે તેઓ કેરી ફોરવર્ડ કેપિટલ લોસનો લાભ મેળવી શકતા નથી. આનો અર્થ એ થયો કે જો તેમને કોઈ નુકસાન થયું હોય, તો તેઓ ભવિષ્યના નફા સામે એડજસ્ટ કરીને તેમની કર જવાબદારી ઘટાડી શકશે નહીં. જો કે, ઘરની મિલકતને કારણે થતા નુકસાનને અપવાદ ગણવામાં આવે છે.
બાકી કર જવાબદારી પર વ્યાજ વસૂલાશે
ઈન્કમ ટેક્સ રિટર્ન મોડું ફાઈલ કરવા બદલ દંડ ઉપરાંત, બાકી કર જવાબદારી પર પેનલ્ટી તરીકે લાદવામાં આવેલું દંડાત્મક વ્યાજ ((penal interest) પણ ચૂકવવું પડે છે. જો આઈટી રિટર્ન ફાઈલ કરતી વખતે કોઈ ટેક્સ બાકી હોય તો તેના પર ઈન્કમ ટેક્સ એક્ટની કલમ 234A હેઠળ દર મહિને 1 ટકાના દરે વ્યાજ ચૂકવવું પડશે. જો કોઈ એડવાન્સ ટેક્સ બાકી હોય, તો તેના પર કલમ 234B અને 234C હેઠળ દર મહિને 1 ટકાના દરે વ્યાજ વસૂલવામાં આવે છે. આ દંડનું વ્યાજ 1 એપ્રિલથી ITR ફાઇલ કરવાની તારીખ સુધી ચૂકવવાનું રહેશે.

ઈન્કમ ટેક્સ રિફંડ મોડું મળશે (Income Tax Refund)
જે કરદાતાઓ જાણે છે કે તેઓ આ વર્ષે ઈન્કમ ટેક્સ રિફંડ મેળવી શકે છે, તેમના માટે શક્ય તેટલી વહેલી તકે રિટર્ન ફાઇલ કરવું વધુ સારું છે. કારણ કે તેઓ જેટલી જલ્દી રિટર્ન ફાઈલ કરશે તેટલા જલ્દી તેમને તેમના રિફંડના પૈસા મળશે. તો બીજી બાજુ આઈટી રિટર્ન મોડું ફાઇલ કરવાનો અર્થ છે રિફંડ માટે લાંબી રાહ જોવી, કારણ કે આઇટીઆર ફાઇલ કર્યા પછી જ ટીડીએસ રિફંડ માટે પ્રક્રિયા કરવામાં આવશે.
આ પણ વાંચો | મકાન – ઓફિસ કે સોનું વેચ્યા બાદ ઉંચો ટેક્સ ચૂકવવો પડશે, બજેટ 2024માં ઈન્ડેક્સેશન બેનેફિટ નાબૂદ, જાણો નવો નિયમ
જો રિફંડ પર કોઈ વ્યાજ ચૂકવવાનું હોય તો, જો રિટર્ન મોડું ફાઈલ કરવામાં આવે તો તે પણ ઓછું હશે. આનું કારણ એ છે કે આવકવેરા વિભાગ દ્વારા ITRની પ્રક્રિયાની તારીખ સુધી ITRની ચકાસણીની તારીખથી આવકવેરા રિફંડ પરના વ્યાજની ગણતરી કરવામાં આવશે. જ્યારે, જો ITR સમયસર ફાઇલ કરવામાં આવે છે, તો 1 એપ્રિલથી ITR પ્રક્રિયાની તારીખ સુધી રિફંડ પરના વ્યાજની ગણતરી કરવામાં આવે છે.





