ખાનગી નોકરી કરનાર કર્મચારીઓ માટે એક ખુશ ખબર આવ્યા છે. સરકારે ખાનગી કર્મચારીઓ માટેની લીવ એન્કેશમેન્ટ ટેક્સની લિમિટ ધરખમ વધારીને 25 લાખ રૂપિયા કરી દીધી છે. સરળ શબ્દોમાં કહીયે તો ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને મળતી રજા રોકડ રકમ પર 25 લાખ રૂપિયા સુધીની કર મુક્તિનો ફાયદો મળશે. નાણા મંત્રાલયે 24 મે 2023ના રોજ લીવ એન્કેશમેન્ટ માટે એક ગેઝેટ નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે અને નવા નિયમો 1 એપ્રિલ, 2023થી લાગુ ગણાશે.
લીવ એન્કેશમેન્ટની કર મુક્તિ લિમિટમાં 7 ગણો વધારો
નાણાં મંત્રાલયે ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને મોટી રાહત આપતા લીવ એન્કેશમેન્ટની કર મુક્તિ મર્યાદામાં 7 ગણો વધારો કર્યો છે. અત્યાર સુધી ખાનગી કર્મચારીઓની લીવ એન્કેશમેન્ટની ટેક્સ લિમિટ માત્ર 3 લાખ રૂપિયા હતી, જે હવે વધારીને 25 લાખ રૂપિયા કરવામાં આવી છે. આ અંગે બજેટમાં ઘોષણા કરવામાં આવી હતી. જેના અનુસંધાનમાં નાણા મંત્રાલયે ગુરુવારે ખાનગી ક્ષેત્રના પગારદાર કર્મચારીઓ માટે નિવૃત્તિ પછી રજા રોકડ માટે કર મુક્તિ મર્યાદા વધારીને 25 લાખ રૂપિયા કરી છે.
લીવ એન્કેશમેન્ટની ટેક્સ લિમિટનો લાભ ક્યારે મળશે?
જો કે લીવ એન્કેશમેન્ટની ટેક્સ લિમિટે માટે પણ નિયમો નક્કી કર્યા છે. નવા નિયમ અનુસાર ખાનગી કર્મચારીને આ લીવ એન્કેશમેન્ટની વધેલી ટેક્સ લિમિટનો ત્યારે જ ફાયદો ઉઠાવી શકશે જ્યારે તે નોકરી બદલશે અથવા તો નિવૃત્ત થશે. ધ્યાનમાં રાખો કે જો તમે નોકરીના સમયગાળા દરમિયાન રજાઓના બદલામાં રોકડ રકમ મેળવી રહ્યા છો તો, આ લીવ એન્કેશમેન્ટ પર અગાઉની જેમ જ ટેક્સ લાગુ પડશે.
વર્ષમાં એકથી વધારે નોકરી બદલતી વખતે આ કરમુક્તિનો ફાયદો મળશે?
એક વર્ષની અંદર એકથી વધારે નોકરી બદલતી વખતે પણ લીવ એન્કેશમેન્ટમાં મહત્તમ 25 લાખ રૂપિયાની ટેક્સ લિમિટનો ફાયદો થશે. ઉદાહરણ તરીકે સમજીયે તો તમે મે મહિનામાં ‘A’ નામની કોઇ કંપનીમાં રાજીનામું આપ્યુ અને 23 લાખ રૂપિયા લીવ એન્કેશમેન્ટ રૂપસ્વે મળ્યા છે. હવે તમે ‘B’ નામની કોઇ નવી કંપનીમાં નોકરીએ જોડાવો છો અને ત્યારથી પણ થોડાક મહિના બાદ રાજીનામું આપો દો અને ત્યાંથી તમને લીવ એન્કેશમેન્ટના 3 લાખ રૂપિયા મળ્યા છે. આવી સ્થિતિમાં તમને 25 લાખ રૂપિયા પર કર મુક્તિનો ફાયદો મળશે, જ્યારે બાકીના 1 લાખ રૂપિયા પર તમારે ટેક્સ ચૂકવવો પડશે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે કલમ 10(10AA)(ii) હેઠળ આવકવેરામાંથી મુક્તિ મળેલી એકંદર રકમ 25 લાખ રૂપિયાની મર્યાદાથી વધુ ન હોવી જોઈએ.
બે દાયકા બાદ લિમિટ વધી
ખાનગી કર્મચારીઓ માટે અત્યાર સુધી લીવ એન્કેશમેન્ટ પર કર મુક્તિની મર્યાદા 3 લાખ રૂપિયા હતી. આ મર્યાદા સરકારે વર્ષ 2002માં નક્કી કરી હતી, જે સમયે સરકારી કર્મચારીઓની મહત્તમ બેઝિક સેલેરી 30,000 રૂપિયા માસિક હતી. આમ 21 વર્ષ બાદ સરકારે ખાનગી કર્મચારીઓ માટે લીવ એન્કેશમેન્ટની ટેક્સ લિમિટમાં વધારો કર્યો છે.