India China Relations: અમેરિકા કરતા ચીન સાથે વેપાર ભારત માટે કેમ પડકારજનક છે? જાણો શું છે દ્વિપક્ષીય વેપારની સ્થિતિ

India China Trade Deficit : એસસીઓ સમિટમાં અમેરિકાના ટેરિફ સામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીન સાથે દ્વિપક્ષીય વેપાર વધારવા પર ભાર મૂક્યો હતો. જો કે ચીનમાં નિકાસ કરતા વધારે આયાત ભારત માટે ચિંતાનો વિષય છે.

Written by Ajay Saroya
Updated : September 02, 2025 12:14 IST
India China Relations: અમેરિકા કરતા ચીન સાથે વેપાર ભારત માટે કેમ પડકારજનક છે? જાણો શું છે દ્વિપક્ષીય વેપારની સ્થિતિ
PM Narendra Modi With Xi Jinping In SCO Summit : એસસીઓ સમિટમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ. (Photo: @narendramodi)

India China Relations: ભારત અને ચીન વચ્ચે દ્વિપક્ષીય વેપાર સારા દરે વધી રહ્યો છે, પરંતુ વેપાર ખાધ હજી પણ ભારત માટે ચિંતાનો વિષય છે. ભારતે સમયાંતરે ચીનના બજારમાં ભારતીય ચીજવસ્તુઓની વધતી જતી વેપાર ખાધ અને બિન-વેપાર અવરોધો અંગે ચિંતા વ્યક્ત કરી છે. SCO સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી હતી અને કહ્યું હતું કે, વિશ્વ આર્થિક વ્યવસ્થામાં સ્થિરતા લાવવા માટે ભારત અને ચીન માટે સાથે મળીને કામ કરવું મહત્વપૂર્ણ છે.

તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, ભારત પારસ્પરિક સન્માન, પારસ્પરિક હિત અને પારસ્પરિક સંવેદનશીલતા પર આધારિત વ્યૂહાત્મક અને લાંબા ગાળાના દ્રષ્ટિકોણથી દ્વિપક્ષીય સંબંધોને આગળ વધારવા માટે તૈયાર છે.

ભારત ચીન દ્વિપક્ષીય વેપાર સ્થિતિ શું છે?

એપ્રિલ-જુલાઈ 2025-26 દરમિયાન ભારતની નિકાસ 19.97 ટકા વધીને 5.75 અબજ ડોલર થઈ છે, જ્યારે આયાત 13.06 ટકા વધીને 40.65 અબજ ડોલર થઈ છે. નાણાકીય વર્ષ 2024-25માં ભારતની નિકાસ 14.25 અબજ ડોલર હતી, જ્યારે આયાત 113.5 અબજ ડોલર હતી. વેપાર ખાધ (આયાત અને નિકાસ વચ્ચેનો તફાવત) વર્ષ 2003-04ની 1.1 અબજ ડોલરથી વધીને નાણાકીય વર્ષ 2024-25માં 99.2 અબજ ડોલર થઈ છે. ગત નાણાકીય વર્ષમાં ચીનની વેપાર ખાધ ભારતના કુલ વેપાર અસંતુલન (283 અબજ ડોલર)ના લગભગ 35 ટકા હતી. નાણાકીય વર્ષ 2023-24માં આ તફાવત 85.1 અબજ ડોલર હતો.

ચીન સાથે વેપાર ખાધ ભારત માટે ચિંતાનો વિષય

તે માત્ર મોટું જ નહીં, પરંતુ માળખાકીય પણ છે. થિંક ટેંક જીટીઆરઆઇના જણાવ્યા અનુસાર, હવે લગભગ દરેક ઔદ્યોગિક કેટેગરીમાં ભારતની આયાત પર ચીનનું પ્રભુત્વ છે, જે તેને વધુ ગંભીર બનાવે છે. જીટીઆરઆઇના વિશ્લેષ્ણ મુજબ, એરિથ્રોમાયસિન જેવી એન્ટિબાયોટિક્સ દવાઓમાં, ચીન ભારતની 97.7 ટકા જરૂરિયાતો પૂરી પાડે છે; ઇલેક્ટ્રોનિક્સમાં, તે સિલિકોન વેફર્સના 96.8 ટકા અને ફ્લેટ પેનલ ડિસ્પ્લેના 86 ટકા સપ્લાયને નિયંત્રિત કરે છે. રિન્યુએબલ એનર્જીમાં 82.7 ટકા સોલાર સેલ્સ અને 75.2 ટકા લિથિયમ-આયન બેટરી ચીનથી આવે છે. લેપટોપ (80.5 ટકા હિસ્સો), એમ્બ્રોઇડરી મશીનરી (91.4 ટકા) અને વિસ્કોઝ યાર્ન (98.9 ટકા) જેવી રોજિંદી પ્રોડક્ટ્સ પર પણ ચીનનું પ્રભુત્વ છે.

આયાત પર વધતી નિર્ભરતાનું જોખમ

જી.ટી.આર.આઈ.ના સ્થાપક અજય શ્રીવાસ્તવનું કહેવું છે કે ચીનની અતિશય વર્ચસ્વની સ્થિતિ ભારત માટે સંભવિત દબાણનું કારણ બની શકે છે, કારણ કે રાજકીય તણાવના સમયમાં સપ્લાય ચેઇનનો ઉપયોગ પ્રેશર ટૂલ્સ તરીકે થઈ શકે છે. આ અસંતુલન વધી રહ્યું છે કારણ કે ચીનમાં ભારતની નિકાસમાં ઘટાડો થઈ રહ્યો છે, જેના કારણે દ્વિપક્ષીય વેપારમાં તેનો હિસ્સો આજે માત્ર 11.2 ટકા થઈ ગયો છે, જે બે દાયકા પહેલા 42.3 ટકા હતો.

આયાત નિર્ભરતા ઘટાડવાનાં પગલાં

સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે 14થી વધારે ક્ષેત્રો માટે ઉત્પાદન સાથે સંબંધિત પ્રોત્સાહક યોજનાઓનો શુભારંભ; બજારમાં ગુણવત્તા નિયંત્રણ, પરીક્ષણ પ્રોટોકોલ અને ફરજિયાત પ્રમાણપત્ર માટે કડક ગુણવત્તાના ધોરણો અને પગલાં લેવામાં આવ્યા છે, જેથી બજારમાં હલકી ગુણવત્તાવાળા અને નબળી ગુણવત્તાવાળા ઉત્પાદનોની તપાસ કરી શકાય અને ગ્રાહકોના હિતોનું રક્ષણ કરી શકાય. સરકાર ભારતીય ઉદ્યોગોને તેમની સપ્લાય ચેઇનમાં વિવિધતા લાવવા અને સપ્લાયના એક સ્રોત પરની અવલંબન ઘટાડવા માટે વૈકલ્પિક સપ્લાયર્સની શોધ કરવા પ્રોત્સાહિત કરી રહી છે.

ભારત ચીન વેપાર સામે પડકારો

જો પોતાના સ્થાનિક ઉત્પાદકોનું રક્ષણ કરવું (પછી તે ઉત્પાદન અથવા અન્ય ક્ષેત્રોમાં હોય) એ ભારતીય નીતિ ઘડવૈયાઓનું કેન્દ્રીય લક્ષ્ય હોય, તો અમેરિકા પર વેપાર માટે ચીનની પસંદગી કરવી એ આગમાં કૂદવા જેવું હશે. જ્યારે ભારતે 2019ના અંતમાં છેલ્લી ઘડીએ રિજનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ (આરસીઇપી) માં જોડાવાનો નિર્ણય કર્યો ત્યારે ચીન સાથેના વેપાર પ્રત્યે ભારતનો અણગમો સૌથી વધુ જોવા મળ્યો હતો.

RCEP શું છે?

આરસીઇપી એશિયા-પેસિફિક ક્ષેત્રના 15 દેશો વચ્ચે મુક્ત વેપાર કરાર છે, જે વિશ્વનો સૌથી મોટો વેપારી જૂથ છે. RCEP સમૂહનો ચીન મુખ્ય સભ્ય છે. ભારતીય નીતિઘડવૈયાઓમાં ચિંતા પ્રવર્તી રહી છે કે આરસીઇપીમાં જોડાવાથી ચીનને ભારતીય બજારોમાં સરળતાથી પ્રવેશ મળશે, જે સસ્તી ચીની આયાતથી ઉભરાઇ જશે.

વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના ભૂતપૂર્વ ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ હર્ષ વર્ધન સિંહનું માનવું છે કે ચીન લગભગ ત્રણ દાયકાથી ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ અને નિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. ભારતને જે કુશળતા અને ઉપકરણોની જરૂર છે તે બીજે ક્યાંય ઉપલબ્ધ નથી. ચાઇનીઝ ઇકોસિસ્ટમની નકલ કરવી સહેલી નથી.

જીટીઆરઆઈના સ્થાપક અજય શ્રીવાસ્તવે ધ્યાન દોર્યું છે કે જો ભારત ખુલ્લેઆમ ચીનની તરફેણ કરે છે અથવા તેની સાથે જોડાણ કરે છે, તો તે પશ્ચિમી ઉદ્યોગો માટે રોકાણનું સ્થળ હોવાના તેના દાવાને ગંભીર અસર કરી શકે છે જેઓ ચીનથી જોખમો ઘટાડવા માંગે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ