ભારતના ઓક્ટોબર – ડિસેમ્બર 2022ના ત્રિમાસિક ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)ના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશનના દ્વારા 28 ફેબ્રુઆરીના રોજ જાહેર કરાયેલા આંકડા મુજબ ડિસેમ્પર 2023ના ત્રિમાસિકગાળામાં ભારતનો વિકાસદર મંદ પડ્યો છે અને તે 4.4 ટકા આવ્યો છે. જ્યારે તેની પૂર્વે જુલાઇથી સપ્ટેમ્બર 2022ના ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ 6.3 ટકા અને એપ્રિલથી જૂન 2022માં 13.2 ટકા નોંધાયો હતો.
ચાલુ નાણાંકીય વર્ષે 7 ટકાની વૃદ્ધિની ધારણા
સરકારી આંકડા અનુસાર, ચાલુ નાણાંકીય વર્ષ 2022-23 દરમિયાન ભારતનો જીડીપી ગ્રોથ 7 ટકા રહેવાનો અંદાજ મૂકાયો છે. આ સાથે સરકારે વિતેલ નાણાંકીય વર્ષ 2021-22ના વિકાસદરનો અંદાજ સુધારીને 9 ટકા કર્યો છે જે અગાઉ 8.7 ટકા જાહેર કર્યો હતો.
રિયલ જીડીપ 40.19 લાખ કરોડ રૂપિયા
સરકારી આંકડા મુજબ વર્ષ 2022ના ડિસેમ્બર ક્વાર્ટરમાં ભારતનો રિયલ જીડીપી 40.19 લાખ કરોડ રૂપિયા રહેવાનો અંદાજ છે, જ્યારે વર્ષ પૂર્વેના સમાન ત્રિમાસિકમાં રિયલ જીડીપી 38.51 લાખ કરોડ રૂપિયા હતી, આમ તે 4.4 ટકાની વૃદ્ધિ દર્શાવે છે.
જાહેર કરયેલા આંકડા મુજબ રિયલ જીડીપી અથવા જીડીપી એટ કોન્સ્ટન્ટ (2011-12)નું મૂલ્ય 159.71 લાખ કરોડ રૂપિયાના સ્તરે પહોંચવાનો અંદાજ છે, જે વર્ષ 2021-22 માટે 149.26 લાખ કરોડ રૂપિયા હતો.
RBIને 6.8 ટકાના GDP ગ્રોથનો અંદાજ
રિઝર્વ બેન્કની તુલનાએ સરકારે સમગ્ર નાણાંકીય વર્ષ 2022-23 માટે ઉંચા વિકાસદરનો અંદાજ મૂક્યો છે. રિઝર્વ બેન્કે ચાલુ વર્ષે ભારતનો વિકાસદર 6.8 ટકા રહેવાની અપેક્ષા વ્યક્ત કરી છે જ્યારે અગાઉ તેણે 7 ટકાના વિકાસદરનો અંદાજ મૂક્યો હતો. મધ્યસ્થ બેન્કે ડિસેમ્બર ક્વાર્ટર 2022 અને માર્ચ ક્વાર્ટર 2023 માટે અનુક્રમે 4.4 ટકા અને 4.2 ટકાના વિકાસ અંદાજ્યો છે.
મોંઘવારીના લીધે વપરાશ ઘટ્યો
મોંઘવારીને કારણે ભારતમાં વપરાશ પર નકારાત્મક અસર થઇ છે. ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન ભારતમાં વપરાશ માત્ર 2.1 ટકા વધી છે જ્યારે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં વપરાશમાં 8.8 ટકાની વૃદ્ધિ થઇ હતી. આમ વપરાશ વૃદ્ધિનો દર મંદ પડવો એ ભારતીય અર્થંતંત્ર માટે ચિંતાજનક બાબત છે.