ભારતના આર્થિક વિકાસદરમાં ફરીવાર ઘટાડો જોવા મળ્યો છે. ચાલુ નાણાંકીય વર્ષ 2022-23ના જુલાઇ થી સપ્ટેમ્બર વચ્ચના ત્રિમાસિકગાળાનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટલે કે GDP ગ્રોથ ઘટીને 6.3 ટકા નોંધાયો છે. ભલે જીડીપી ગ્રોથ ઘટ્યો હોય તેમજ છતાં ભારતે સમગ્ર વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતા મુખ્ય અર્થતંત્ર તરીકેનું સ્થાન જાળવી રાખ્યુ છે, કારણ કે ચીને વિતેલ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં માત્ર 3.9 ટકાની આર્થિક વૃદ્ધિ નોંધાવી હતી.
સપ્ટેમ્બર ક્વાર્ટરનો GDP 6.3 ટકા
નેશનલ સ્ટેટિસ્ટિકલ ઑફિસ (NSO) દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ચાલુ નાણાંકીય વર્ષે જુલાઇથી સપ્ટેમ્બરના ત્રિમાસિકમાં ભારતનો આર્થિક વિકાસદર 6.3 ટકા નોંધાયો છે, જે વર્ષ 2021-22ના સમાન ત્રિમાસિક ગાળાના 8.4 ટકા અને ચાલુ નાણાંકીય વર્ષના એપ્રિલથી જૂનના પ્રથમ ત્રિમાસિક ગાળાના 13.5 ટકાના જીડીપી ગ્રોથ કરતા ઘણો નીચો છે. આમ વાર્ષિક અને ત્રિમાસિક સરખામણીએ ભારતના વિકાસદરની ગતિ ધીમી પડી છે. આ વખતે જીડીપીમાં ઘટાડાનું મુખ્ય કારણ માઇનિંગ અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો નકારાત્મક વૃદ્ધિદર છે.
ચાલુ મહિનાની શરૂઆતમાં રિઝર્વ બેન્કે સપ્ટેમ્બર ક્વાર્ટરમં ભારતનો વિકાસદ 6.1 ટકાથી 6.3 ટકાની વચ્ચે રહેવાની આગાહી કરી હતી.

રિયલ GDP રૂ. 38.17 લાખ કરોડ
નેશનલ સ્ટેટિસ્ટિકલ ઑફિસ (NSO)ના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “ વર્ષ 2022-23ના બીજા ત્રિમાસિક ગાળામાં સ્થિર (2011-12) કિંમતો પર રિયલ GDP અથવા નાણાંની રીતે GDP 38.17 લાખ કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે, જ્યારે 2021-22ના બીજા ક્વાર્ટરમાં તે તે 35.89 રૂપિયા હતો, જે 2021-22ના માં 8.4 ટકાની સરખામણીમાં આ વખતે 6.3 ટકાની વૃદ્ધિ દર્શાવે છે.
આંકડા અનુસાર ચાલુ વર્ષે જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ગ્રોસ વેલ્યુ એડેડ (GVA) 5.6 ટકા વધીને રૂ. 35.05 લાખ કરોડ થઈ છે. બીજા ક્વાર્ટરમાં કૃષિ ક્ષેત્રમાં ગ્રોસ વેલ્યુ એડેડ વૃદ્ધિ એક વર્ષ અગાઉના 3.2 ટકાની સરખામણીએ આ વખતે 4.6 ટકા નોંધાઇ છે.
ક્યા ક્ષેત્રનો વિકાસદર કેટલો રહ્યો
સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન ભારતના ખેતી અને સંબંધિત ક્ષેત્રનો વિકાસદર વધીને 4.6 ટકા નોંધાયો છે જે અગાઉના જૂન ક્વાર્ટરમાં 4.5 ટકા અને વર્ષ પૂર્વેના સમાન ત્રિમાસિકગાળામાં 3.2 ટકા હતો. આ વખતે જીડીપીમાં ઘટાડાનું મુખ્ય કારણ માઇનિંગ અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો નકારાત્મક વૃદ્ધિદર છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં માઇનિંગ સેક્ટરનો વૃદ્ધિદર -2.8 ટકા અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો -4.3 ટકા નોંધાયો છે. વિજળી, ગેસ, પાણી પુરવઠા અને અન્ય યુટિલિટી સર્વિસ સેક્ટર 5.6 ટકાના દરે વૃદ્ધિ પામ્યુ છે. દેશમાં બાંધકામ ઉદ્યોગ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 6.6 ટકાના દરે વધ્યુ છે.

વેપાર, હોટેલ અને ટ્રાન્સપોર્ટ અને કોમ્યુનિકેશન્સ ઉદ્યોગે પણ 14.7 ટકાનો ઉંચો વૃદ્ધિદર નોંધાવ્યો છે. ફાઇનાન્સિયલ, રિયલ્ટ એસ્ટેટ અને પ્રોફેશનલ સર્વિસ સેક્ટરનો વિકાસદર 7.2 ટકા તેમજ જાહેર વહિવટ, સંરક્ષણ અને અન્ય સેવા ક્ષેત્ર સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 6.5 ટકાના દરે વૃદ્ધિ પામ્યુ છે.