Tomato Price : તમે ઘણા દિવસોથી ટામેટાં ખરીદ્યા નથી? કે પછી તમે પણ ટામેટાંના વધતા ભાવથી ચિંતિત છો? ત્યારે આ સમાચાર તમને થોડી રાહત આપી શકે છે. હકીકતમાં, કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે ગુરુવારે કહ્યું હતું કે, ભારત નેપાળથી ટામેટાંની આયાત કરશે. સંસદમાં તેમના ભાષણ દરમિયાન નાણામંત્રીએ માહિતી આપી હતી કે, શુક્રવાર સુધીમાં આયાતનો પહેલો માલ ઉત્તર ભારતના વારાણસી, લખનૌ અને કાનપુર શહેરમાં પહોંચવાની સંભાવના છે.
ટામેટાંના ભાવ કેમ વધી રહ્યા છે?
છેલ્લા ત્રણ મહિનામાં જથ્થાબંધ બજારમાં ટામેટાના ભાવ 1,400 ટકાથી વધુ વધીને રૂ. 140 પ્રતિ કિલોએ રેકોર્ડ થયા છે, ખેડૂતોએ નબળો વરસાદ, ઊંચા તાપમાન અને પાક પર વાયરસના પ્રકોપ સહિતના કારણો દર્શાવ્યા છે. MPC મીટિંગના મુખ્ય નિર્ણયોની જાહેરાત કરતા, RBI ગવર્નર શક્તિકાંત દાસે પણ કહ્યું કે, શાકભાજીના ભાવમાં નોંધપાત્ર સુધારો જોવા મળી શકે છે.
સામાન્ય રીતે ઓગસ્ટથી જ્યારે પાક બજારમાં આવે છે, ત્યારે ભાવ નીચે આવે છે, પરંતુ આ વર્ષે વેપારીઓને અપેક્ષા છે કે, ઓક્ટોબર સુધી ખર્ચ ઊંચો રહેશે કારણ કે પુરવઠો ચુસ્ત રહેશે.
ડુંગળી, કઠોળ, ગાજર વગેરેના ભાવ પણ વધી શકે છે
ડુંગળી, કઠોળ, ગાજર, આદુ, મરચાં અને ટામેટાં જેવી મોંઘી ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ આગામી કેટલાક મહિનામાં વધી શકે છે. ટામેટાના ત્રીજા ક્રમના સૌથી મોટા ઉત્પાદક દક્ષિણના રાજ્ય કર્ણાટકના ખેડૂતોનું કહેવું છે કે, ઓછા વરસાદ, ઊંચા તાપમાન અને વાયરસના પ્રકોપને કારણે પાકને અસર થઈ છે, બીજુ એક વર્ષ પહેલા ઘટી રહેલા ભાવને કારણે ઓછી જમીનમાં વાવેતર કરવામાં આવ્યું હતું.
માહિતી અનુસાર, નેપાળે સત્તાવાર માધ્યમો દ્વારા ભારતમાં ટામેટાંની નિકાસ શરૂ કરી દીધી છે, પરંતુ હાલમાં તે મોટી માત્રામાં નથી. ટામેટાંની મોટા પાયે નિકાસની વ્યવસ્થા કરવાની બાકી છે.





