India Inflation Rate In July Hits 5 Year Low: મોંઘવારી દર મોરચે મોટા સમાચાર આવ્યા છે. જુલાઇ મહિાનો રિટેલ ઇન્ફ્લેશન રેટ ઘટીને 3.54 ટકા નોંધાયો છે, જે છેલ્લા 5 વર્ષનો સૌથી નીચો મોંઘવારી દર છે. વર્ષ બાદ દેશમાં છુટક મોંઘવારી દર 4 ટકાની નીચે આવ્યો છે. તમને જણાવી દઇયે કે, જૂન 2024માં 5.08 ટકા અને વર્ષ પૂર્વ જુલાઇ 2023માં 7.44 ટકા જેટલો ઉંચો હતો.
અહો આશ્ચર્યમ – ખાદ્યચીજો મોંઘી થવા છતાં મોંઘવારી દર ઘટ્યો
કેન્દ્ર સરકાર દ્વારા સોમવારે રિટેલ ઇન્ફ્લેશનના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. આ આંકડા મુજબ જુલાઈમાં દાળ અને તેની પ્રોડક્ટની કિંમત 14.77 ટકા વધી છે. અનાજ અને તેની પેદાશોની કિંમત એક વર્ષ પહેલાની તુલનામાં 8.14 ટકા અને શાકભાજી 6.83 ટકા મોંઘા થયા છે. ઇંડાના ભાવ 6.76 ટકા અને માંસ અને માછલીના ભાવ પણ 5.97 ટકા વધ્યા છે. જુલાઈ મહિનામાં દૂધ અને દૂધની પેદાશોના ભાવ 2.99 ટકા વધ્યા છે. જો સરળ શબ્દોમાં કહીયે તો ખાદ્યચીજોના ભાવ આસમાને પહોચવા છતાં જુલાઇ મહિનામાં મોંઘવારી દર ઘટ્યો છે.
શાકભાજીમાં સ્થિર ભાવ વૃદ્ધિદર
શાકભાજીમાં સ્થિર ભાવવધારાને કારણે ફુગાવામાં થોડો ઘટાડો થયો હતો. એટલું જ નહીં ઇંધણના ભાવમાં નરમાઇની પણ ફુગાવા પર મોટી અસર પડી છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડામાં કહેવામાં આવ્યું છે કે જુલાઈ 2023 ની તુલનામાં 2024 માં ઇંધણ અને વીજળીના ભાવમાં 5.48 ટકાનો ઘટાડો થયો છે.
2024ના ફુગાવા દર પર એક નજર
વર્ષ 2024ના ફુગાવા દર પર એક નજર કરીયે તો જાન્યુઆરી મહિનામાં રિટેલ ઇન્ફ્લેશન રેટ 5.01 ટકા, ફેબ્રુઆરી મહિનામાં 5.09 ટકા, માર્ચ મહિનામાં 4.85 ટકા હતો. ત્યારબાદ એપ્રિલ મહિનામાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો. મોંઘવારી દર એપ્રિલમાં 4.83 ટકા, મે મહિનામાં 4.75 ટકા અને જૂન મહિનામાં 5.08 ટકા હતો.
ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં મોંઘવારી દરની તુલના કરવામાં આવે તો ઘણો ફરક પડ્યો છે. જુલાઈમાં ગ્રામીણ વિસ્તારોમાં ફુગાવો 4.1 ટકા અને શહેરી વિસ્તારોમાં 2.98 ટકા હતો. જૂન મહિનાની તુલનામાં તેમા મોટો તફાવત છે. જૂન 2024માં ગ્રામીણ વિસ્તારોમાં ફુગાવો 5.66 ટકા અને શહેરી વિસ્તારોમાં 4.39 ટકા હતો.





