ભારતમાં ધનવાન વ્યક્તિઓની સંખ્યામાં સતતવ વધારો થઇ રહ્યો છે અને આગામી પાંચ વર્ષમાં અલ્ટ્રા- હાઇ નેટ વર્થ એટલે કે અત્યંત ઉંચ સંપત્તિવાન ધનાઢ્યોની સંખ્યામાં 58 ટકાનો વધારો થશે. નાઈટ ફ્રેન્કના જણાવ્યા અનુસાર ભારતમાં 30 મિલિયન ડોલરથી વધુની નેટવર્થ ધરાવતી અલ્ટ્રા-હાઈ-નેટ-વર્થ ઇન્ડિવિઝ્યુઅલ વ્યક્તિઓની સંખ્યા ગયા વર્ષે 7.5 ટકા ઘટીને 12,069 થઈ હતી પરંતુ આગામી પાંચ વર્ષમાં વધીને 19,119 થઈ જશે.
ભારતની અબજોપતિઓની વસ્તી વર્ષ 2022માં વધીને 161 થઈ ગઈ છે જે અગાઉના વર્ષમાં 145 હતી અને 2027 સુધીમાં વધીને 195 થવાનો અંદાજ છે એવું રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ નાઈટ ફ્રેન્કે બુધવારે જાહેર કરેલા ‘ધ વેલ્થ રિપોર્ટ 2023’માં જણાવ્યું છે. જે ધનાઢ્યોની કુલ સંપત્તિ 3 કરોડ ડોલરથી વધારે હોય તેમને અલ્ટ્રા-હાઈ-નેટ-વર્થ ઇન્ડિવિઝ્યુઅલ (UHNWI) એટલે કે અત્યંત ઉચ્ચ સંપત્તિવાન વ્યક્તિ ગણવામાં આવે છે.
રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ નાઈટ ફ્રેન્કે ‘ધ વેલ્થ રિપોર્ટ 2023’ જાહેર કર્યો છે, જેમાં દુનિયાભરના દેશોના ધનાઢ્યોની સંખ્યાનો આંકડો આપ્યો છે.
નાઈટ ફ્રેન્કે આ રિપોર્ટમાં જણાવ્યું છે કે, “ભારતમાં હાઈ-નેટ-વર્થ ઇન્ડિવિઝ્યુઅલ (HNI) ધનિકો એટલેની સંખ્યા ગયા વર્ષે વધીને 7,97,714 થઈ ગઈ છે જે વર્ષ 2021માં 7,63,674 હતી. જે ધનિકોની કુલ સંપત્તિ 10 લાખ કે તેનાથી વધારે તેમને હાઇ નેટ વર્થ ઇન્ડિવિઝ્યુઅલ એટલે કે ઉચ્ચ સંપત્તિવાન વ્યક્તિ ગણવામાં આવે છે. ભારતમાં HNIની સંખ્યા 2027 સુધીમાં વધીને 16,57,272 થવાની આગાહી કરવામાં આવી છે.
સમગ્ર વિશ્વમાં ધનિકોની સંખ્યા 5 વર્ષમાં 28 ટકા વધશે
નાઇટ ફ્રેન્કે વર્ષ 2027 સુધીમાં સમગ્ર દુનિયામાં અલ્ટ્રા હાઇ નેટ વર્થ ઇન્ડિવિઝ્યુઅલની સંખ્યા 28.5 ટકા વધવાની આગાહી કરી છે. સમગ્ર વિશ્વમાં અલ્ટ્રા હાઇ નેટ વર્થ ઇન્ડિવિઝ્યુઅલની સંખ્યા વર્ષ 2017માં 402421 હતી, જે વર્ષ 2021માં વધીને 602553, વર્ષ 2022માં 579625 હતી. જેમની સંખ્યા વર્ષ 2027માં 744812 થવાન અપેક્ષા છે.
રિપોર્ટ અનુસાર વૈશ્વિક સ્તરે UHNWIની સંખ્યા વર્ષ 2021માં 9.3 ટકાના વિક્રમી ઉછાળા બાદ વર્ષ 2022માં 3.8 ટકા ઘટી હતી, જેનું કારણ કોરોના મહામારી અને આર્થિક મંદી છે. ભારતમાં પણ આવો ટ્રેન્ડ જોવા મળ્યો છે.
નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શિશિર બૈજલે જણાવ્યું હતું કે, “ભારતની મુખ્ય અને નૉન-કોર સેક્ટરમાં વ્યસ્ત વિકાસ પ્રવૃત્તિઓએ તાજેતરના સમયમાં આર્થિક વૃદ્ધિને વેગ આપવામાં મદદ કરી છે. નવી સંપત્તિનું સર્જન કરતા વૈશ્વિક સ્ટાર્ટઅપ હબ તરીકે ભારતનું સ્થાન મહત્ત્વનું છે.” ભારતમાં ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, ટેક્નોલોજી સ્ટાર્ટઅપ્સ વગેરે જેવા ક્ષેત્રોમાંથી ઉદ્ભવતી નવી તકો આર્થિક ગતિને વેગ આપશે અને દેશમાં સંપત્તિ સર્જન માટે મદદ કરશે, જેના કારણે ભારતમાં ધનિક વ્યક્તિઓની સંખ્યામાં વધારો થશે, એવું તેમણે ઉમેર્યું હતું.
Disclaimer : આ આર્ટિકલ Indian Express પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો.