Indian Railway News : ભારતીય રેલવેની આગામી યોજનાઓ : ભારતીય રેલ્વે એ દેશના સામાન્ય લોકો માટે મુસાફરીનું સૌથી સરળ અને સૌથી મોટું માધ્યમ છે. ભારે ભીડને કારણે, રેલવે બુકિંગ દરમિયાન સામાન્ય રીતે વ્યસ્ત રૂટ પર લાંબી વેઈટિંગ ટિકિટ ઉપલબ્ધ હોય છે. પરંતુ હવે એવું લાગે છે કે, ભારતીય રેલ્વે કંઈક મોટું આયોજન કરી રહી છે. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, ભારતીય રેલ્વે આગામી ચાર-પાંચ વર્ષમાં તેના નેટવર્કમાં 3000 નવી વધારાની ટ્રેનો ઉમેરવાની યોજના બનાવી રહી છે, જેથી મુસાફરોની વધતી સંખ્યા વચ્ચે પણ સરળતાથી ટિકિટ મેળવી શકાય.
1000 કરોડ પેસેન્જર ક્ષમતાનો લક્ષ્યાંક
રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, ‘હાલમાં દર વર્ષે લગભગ 800 કરોડ મુસાફરો રેલ્વેમાં મુસાફરી કરે છે. વધતી વસ્તીના હિસાબે આપણે આગામી ચાર-પાંચ વર્ષમાં 1000 કરોડ મુસાફરોની ક્ષમતા વધારવી પડશે. તેમણે વધુમાં કહ્યું કે, આ માટે અમને 3000 વધારાની ટ્રેનોની જરૂર છે. વધેલા મુસાફરોના મતે, આ ટ્રેનોની ઘણી ટ્રીપ ચલાવવામાં આવશે.
પીટીઆઈના અહેવાલમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, રેલવે પાસે 69,000 નવા કોચ ઉપલબ્ધ છે. અને સબસિડિયરી કંપની દર વર્ષે 5000 નવા કોચનું ઉત્પાદન કરી રહી છે. રિપોર્ટ અનુસાર, રેલવે દર વર્ષે 200 થી 250 નવી ટ્રેનો શરૂ કરી શકે છે. આ ઉપરાંત 400 થી 450 વંદે ભારત ટ્રેનો પણ છે, જેનો આગામી વર્ષોમાં રેલવે કાફલામાં સમાવેશ કરવામાં આવશે.
કેન્દ્રીય રેલ્વે મંત્રીએ વધુમાં કહ્યું કે, તેમનું મંત્રાલય ટ્રેનોની સ્પીડ સુધારવા અને રેલ નેટવર્કને વિસ્તારવા પર કામ કરી રહ્યું છે.
ટ્રેનોની સ્પીડ સુધારવા પર પણ કામ
પીટીઆઈ સાથે વાત કરતા અશ્વિની વૈષ્ણવે કહ્યું, ‘લાંબા રૂટની ટ્રેનને વેગ આપવા અને ધીમી કરવા માટે લાગતો સમય ઘટાડવો મહત્વપૂર્ણ છે કારણ કે, નિર્ધારિત સ્ટોપેજ સિવાય, રસ્તામાં ઘણી વખત સાવચેતી અને વળાંકને કારણે તેની ઝડપ ઘટાડવી પડે છે.’
તેમણે કહ્યું, ‘જો આપણે રાજધાની એક્સપ્રેસ દ્વારા દિલ્હી-કોલકાતા રૂટ લઈશું અને જો આપણે વળાંકો, સ્ટેશનો અને સાવચેતીઓ પર ઝડપી અને ધીમી ગતિના સમયમાં સુધારો કરીશું, તો વર્તમાન કુલ મુસાફરીના સમયમાંથી બે કલાક અને 20 મિનિટની બચત કરીશું.’
આ વર્ષે તહેવારોની સિઝનમાં ત્રણ ગણી વધુ સ્પેશિયલ ટ્રેન દોડી હતી
અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, આ વર્ષે રેલવેએ તહેવારોની સિઝનમાં સ્પેશિયલ ટ્રેનોની સંખ્યામાં લગભગ ત્રણ ગણો વધારો કર્યો છે. ભીડને નિયંત્રિત કરવા માટે, આ વર્ષે 1 ઓક્ટોબરથી 31 ડિસેમ્બરની વચ્ચે 6754 વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે, જ્યારે ગયા વર્ષે આજ સમયમાં આ સંખ્યા માત્ર 2,614 હતી.





