ભારતીય રેલવે પાસે કમાણીનો વિકલ્પ માત્ર ભાડું અને માલવાહક પરિવહન જ નથી. પરંતુ તે ભંગાર વેચીને પણ સારી એવી કમાણી કરે છે. સોમવાર 17 ઓક્ટોબરના રોજ રેલવે મંત્રાલયની જાહેર થચેલી નોટીસ પ્રમાણે ભારતીય રેલવેએ ભંગાર વેચીને નાણાકિય વર્ષ 2022-23ના 6 મહિનામાં એટલે કે સપ્ટેમ્બર સુધીમાં આશરે 2500 કરોડ રૂપિયાની આવક કરી સરકારી ખજાનામાં વધારે કર્યો છે. આ અંગે ગયા વર્ષની વાત કરીએ તો એ વર્ષમાં ભંગાર વેચીને 2003 કરોડ રૂપિયાની કમાણી કરવામાં આવી હતી.
રેલવેની કમાણીમાં આટલા ટકાનો વધારો
રેલવેએ આપેલી જાણકારી મુજબ નાણાકીય વર્ષ 2022-23માં સપ્ટેમ્બર માસ સુધીમાં જ ભંગાર વેચીને કુલ 2,582 કરોડ રૂપિયાની કમાણી કરાઇ છે. જે નાણાકીય વર્ષ 2021-22ની સરખામણીમાં 28.91 ટકા વધારે છે. મહત્વનું છે કે, આ વર્ષે રેલવે મંત્રાલય દ્વારા ભંગાર મારફત 1,980 કરોડ રૂપિયાનો આવક કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો.
રેલવેનો ભંગારમાંથી આવક મેળવવાનો 4400 કરોડનો લક્ષ્યાંક
આ વર્ષે રેલવેએ ભંગારમાંથી 4400 કરોડ રૂપિયાનો ટાર્ગેટ રાખ્યો છે. એટલે કે હવે નાણાકીય વર્ષના બાકી રહેતા મહિનાઓમાં માત્ર 1,818 રૂપિયાનો જ લક્ષ્ય પૂરો કરવાનો છે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે રેલવે દ્વારા 4100 કરોડ રૂપિયાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો હતો.
રેલવેએ આપી માહિતી
રેલવે મંત્રાલયે રિલીઝમાં જણાવ્યું હતું કે, 2022-23માં 1751 વેગન, 1421 કોચ અને 97 એન્જિનનો નિકાલ કરવામાં આવ્યો છે. આ નાણાકીય વર્ષમાં 3,93,421 મેટ્રિક ટન લોખંડનો ભંગાર વેચવામાં આવ્યો છે. જ્યારે નાણાકીય વર્ષ 2021-22માં સપ્ટેમ્બર સુધીમાં 1835 વેગન, 954 કોચ તેમજ 77 એન્જિનનો નિકાલ કરવામાં આવ્યો હતો, જેમાં 3,60,732 મેટ્રિક ટન લોખંડનો ભંગાર હતો.
ભંગારમાંથી મેળવેલી આવકનો વપરાશ
ભારતીય રેલવે એકત્રિત થયેલા ભંગારને વહેંચવા માટે ઇ-ઓક્શનનું આયોજન કરે છે. જે અંતર્ગત રેલવેને ખુબ ફાયદો થાય છે. એટલે કે ઇ-ઓક્શનમાં ભંગારની સારી એવી કિંમત મળે છે. જેનો ઉપયોગ રેલવેના વિકાસ પાછળ કરવામાં આવે છે. રેલવે વિભાગે જણાવ્યું હતું કે, પ્લેફોર્મ, ટ્રેક કન્સ્ટ્રક્શન અને અંડર કન્સ્ટ્રક્શન સ્કીમ હેઠળ ઈ-ઓક્શન દ્વારા સ્ક્રેપ કરવામાં આવે છે.