Indigo Flight crisis : ઇન્ડિગો સંકટ વચ્ચે નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ કડક ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે ઇન્ડિગોમાં સંકટની તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને આ પરિસ્થિતિ માટે જે પણ જવાબદાર સાબિત થશે તેની કડક કાર્યવાહી કરવામાં આવશે અને તેમને ભારે કિંમત ચૂકવવી પડશે. મંત્રીએ કહ્યું કે કેન્દ્ર દ્વારા રચવામાં આવેલી સમિતિ ટૂંક સમયમાં પોતાનો અહેવાલ રજૂ કરશે, ત્યારબાદ જરૂરી પગલાં લેવામાં આવશે.
ઈન્ડિગો સંકટની તપાસ થશે
તેમણે કહ્યું કે અમે એક કમિટીની રચના કરી છે. શું ખોટું થયું, શા માટે થયું અને કયા સંજોગોમાં, દરેક પાસાની તપાસ કરવામાં આવશે. તેને અવગણી શકાય નહીં. તેમણે એમ પણ કહ્યું હતું કે હાલની પ્રાથમિકતા પરિસ્થિતિને સામાન્ય બનાવવાની છે અને મુસાફરોને તમામ શક્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.
કેન્દ્રીય મંત્રીએ શું કારણ આપ્યું હતું?
તેમણે જણાવ્યું કે હાલમાં લાગુ કરવામાં આવેલા ફ્લાઇટ ડ્યુટી ટાઇમ લિમિટેશન (એફડીટીએલ)ના નવા નિયમોની પણ સમીક્ષા કરવામાં આવશે. કહેવાય છે કે આ નિયમોને કારણે ઇન્ડિગોમાં સંકટ વધ્યું હતું, પરંતુ મંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે આ નિયમો એક મહિના પહેલા લાગુ કરવામાં આવ્યા હતા અને એર ઇન્ડિયા, સ્પાઇસજેટ, આકાશ જેવી અન્ય એરલાઇન્સે તે પ્રમાણે તેમની કામગીરીને એડજસ્ટ કરી હતી. તેમના જણાવ્યા અનુસાર ઇન્ડિગો સાથે જે થયું તે અપ્રત્યાક્ષિત છે અને એરલાઇન્સની અંદર મિસમેનજમેન્ટ તરફ ઇશારો કરે છે.
આ પણ વાંચો – ઇન્ડિગોની સેકડો ઉડાનો રદ, ઘરેથી નીકળતા પહેલા ઓનલાઇન લાઇવ ફ્લાઇટ સ્ટેટસ ચેક કરો, જાણો રીત
ઇન્ડિગો ભારતની સૌથી મોટી ડોમેસ્ટિક એરલાઇન
ઉલ્લેખનીય છે કે ઇન્ડિગો ભારતની સૌથી મોટી ડોમેસ્ટિક એરલાઇન છે અને લગભગ 60 ટકા ડોમેસ્ટિક પેસેન્જરને સેવા આપે છે. પરંતુ બુધવારે માત્ર 19.7 ટકા ફ્લાઇટ્સ જ કામ કરી શકી હતી. આ આંકડો મંગળવારે લગભગ 35% અને સોમવારે લગભગ 50% પર પહોંચ્યો હતો. ઈન્ડિગોના આ સંકટને કારણે દિલ્હી, ચેન્નઈ, શ્રીનગર જેવા અનેક એરપોર્ટ પર સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી અને મુસાફરોનો રોષ સોશિયલ મીડિયા પર પણ જોવા મળ્યો હતો.
મનસ્વી ભાડા પર પ્રતિબંધ
કટોકટી વચ્ચે ઘણી એરલાઇન્સ દ્વારા અસામાન્ય રીતે ઊંચા ભાડા વસૂલવામાં આવી રહ્યા હોવાની ફરિયાદો પણ મંત્રાલય સુધી પહોંચી હતી. આ અંગે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે કડક વલણ અપનાવ્યું હતું અને કહ્યું હતું કે મંત્રાલયે ગંભીરતાથી નોંધ લીધી છે કે કેટલીક એરલાઇન્સ કટોકટીનો લાભ લઈને અતિશય ભાડું વસૂલ કરી રહી છે. મુસાફરોને કોઈપણ પ્રકારના તકવાદી ભાવોથી બચાવવા માટે, સરકારે ભાડા નિયંત્રણ લાદવા માટે તેની સત્તાનો ઉપયોગ કર્યો છે. તમામ એરલાઇન્સને નવા નિયમોનું પાલન કરવા સૂચના આપવામાં આવી છે.





