ઈન્ડિગો એરલાઇન્સે એક સાથે આપ્યો 500 વિમાનનો ઓર્ડર, એવિએશન સેક્ટરમાં અત્યાર સુધીની સૌથી મોટી ડીલ

IndiGo Airline : આ વિમાનોની ડિલિવરી 2030થી 2035 વચ્ચે થવાની આશા છે. આ ડીલ માટે ઇન્ડિગો બોર્ડ તરફથી 50 અબજ ડોલરના ફંડને અપ્રુવ કરવામાં આવ્યું છે

Written by Ashish Goyal
June 19, 2023 21:29 IST
ઈન્ડિગો એરલાઇન્સે એક સાથે આપ્યો 500 વિમાનનો ઓર્ડર, એવિએશન સેક્ટરમાં અત્યાર સુધીની સૌથી મોટી ડીલ
ઈન્ડિગો એરલાઇન્સે એક સાથે 500 વિમાનનો ઓર્ડર આપ્યો (ફાઇલ ફોટો)

IndiGo Airline : ઈન્ડિગો એરલાઇન્સે સોમવારે મોટી જાહેરાત કરતા એરબસના 500 એરક્રાફ્ટ માટે ઓર્ડર બુક કરી દીધા છે. જે એક જ સમયમાં કોઈ એરલાઇન્સ દ્વારા આપવામાં આવેલો અત્યાર સુધીનો સૌથી મોટો ઓર્ડર છે. આ ઓર્ડર સાથે જ ભારતની સૌથી મોટી એરલાઈન એર ઈન્ડિયાના 470 એરબસ અને બોઈંગ વિમાનોના ફેબ્રુઆરીના ઓર્ડરને પાછળ રાખી દીધા છે. આ પહેલા એર ઇન્ડિયાએ 470 એરક્રાફ્ટની ડીલ કરી હતી. પેરિસ એર શોમાં સોમવારે વિમાન માટે ખરીદી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

વિમાન કંપની તરફથી આ ડીલની જાણકારી આપતા કહેવામાં આવ્યું કે ઇન્ડિગોએ 500 એરબસ A320 વિમાનોનો ઓર્ડર આપ્યો છે. આ વિમાનોની ડિલિવરી 2030થી 2035 વચ્ચે થવાની આશા છે. આ ડીલ માટે ઇન્ડિગો બોર્ડ તરફથી 50 અબજ ડોલરના ફંડને અપ્રુવ કરવામાં આવ્યું છે. હાલ ઇન્ડિગો એરલાઇન્સ 300થી વધારે વિમાનોનું સંચાલન કરે છે અને તેની પાસે 480 વિમાનોનો પાછલો ઓર્ડર છે, જે 2030 પહેલા ડિલિવર થવાની સંભાવના છે.

500 વિમાનોના આ વધારાના ફર્મ ઓર્ડર સાથે એરલાઇન્સ પાસે આગામી 12 વર્ષમાં લગભગ 1000થી વધારે વિમાનો હશે. ઈન્ડિગોની આ ઓર્ડર બુકમાં A320 નીઓ, A321 નીઓ અને A321XLR એરક્રાફ્ટનું મિશ્રણ છે.

આ પણ વાંચો – Credit card એટલે ઉછીના પૈસા જલસા : ક્રેડિટ કાર્ડની NPA 9 મહિનામાં 24 ટકા વધીને ₹ 3887 કરોડ થઇ

A320 એરક્રાફ્ટ ફેમિલી એરબસ દ્વારા સિંગલ-પાંખના વિમાનોની મુખ્ય શ્રેણી છે. ઇન્ડિગો તેની પ્રાદેશિક ઉડાન માટે આશરે 40 ટર્બોપ્રોપ વિમાનોનો ઉપયોગ કરે છે તેને બાદ કરતા કેરિયરનો જેટનો સંપૂર્ણ સિંગલ-પાંખનો કાફલો A320 ફેમિલી એરક્રાફ્ટનો બનેલો છે. આ એરલાઇન તમામ ભારતીય એરલાઇન્સમાં સૌથી મોટો કાફલો ધરાવે છે અને સ્થાનિક બજારમાં (મુસાફરો દ્વારા ફેરી કરવામાં આવેલા) 60 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે.

A320નીઓ એરક્રાફ્ટને સ્થાનિક માર્ગો પર તૈનાત કરવામાં આવે તેવી શક્યતા છે. જ્યારે A321એસ, ખાસ કરીને A321XLR ને યુરોપના સ્થળોની જેમ વધુ દૂરના વિદેશી સ્થળો માટે તૈનાત કરવામાં આવે તેવી અપેક્ષા છે. ઈન્ડિગોની આગામી વર્ષોમાં તેના આંતરરાષ્ટ્રીય નેટવર્કને નોંધપાત્ર રીતે વિસ્તૃત કરવાની યોજના છે. એરબસની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર A320 નીઓ 3400 નોટિકલ માઇલની ઉડાનની રેન્જ ધરાવે છે. જ્યારે A321 નીઓ ની રેન્જ 4000 નોટિકલ માઇલ છે. A321XLR ની ફ્લાઇંગ રેન્જ 4700 નોટિકલ માઇલ છે, જેનો અર્થ છે કે તે 11 કલાક સુધી નોન-સ્ટોપ ઉડાન ભરી શકે છે.

એરલાઇને જણાવ્યું હતું કે A320નીઓ ફેમિલી એરક્રાફ્ટ ઇન્ડિગોને ઓપરેટિંગ ખર્ચ ઘટાડવા અને વિશ્વસનીયતાના ઉચ્ચ ધોરણો સાથે ઇંધણ કાર્યક્ષમતા પહોંચાડવા પર પોતાનું મજબૂત ધ્યાન કેન્દ્રિત કરવાની મંજૂરી આપશે. એરલાઇને ઉમેર્યું હતું કે તે વૈશ્વિક સ્તરે સૌથી ઝડપથી વિકસતી એરલાઇન્સમાંની એક છે અને નવીનતમ એરક્રાફ્ટ ઓર્ડર આવનારા ઘણા વર્ષો માટે તેના વિકાસને સરળ બનાવશે.

ઇન્ડિગો તેના 300થી વધુ વિમાનોના કાફલા સાથે હાલમાં દૈનિક 1800 થી વધુ ફ્લાઇટ્સનું સંચાલન કરે છે. જે 78 સ્થાનિક એરપોર્ટ્સ અને કેટલાક વિદેશી સ્થળોને પણ જોડે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ