Inflation In India, Vegetarian Thali Costlier: લોકસભા ચૂંટણી 2024 દરમિયાન મોંઘવારી એ માઝા મૂકી છે. મોંઘવારીના લીધે ઘર ખર્ચ ચલાવવું મુશ્કેલ બની ગયું છે. દાળ-શાક, અનાજ સહિત તમામ ખાદ્યચીજી મોંઘી થઇ છે. ખાદ્યચીજો મોંઘી થતા શાકાહારી થાળી મોંઘી થઇ છે. એપ્રિલ મહિનામાં એક બાજુ વેજ થાળી મોંઘી થઇ છે તો બીજી બાજુ આશ્ચર્યજનક રીતે નોન વેજ ફૂડ સસ્તું થયું છે.
શાકાહારી થાળી કેટલી મોંઘી થઇ?
ડુંગળી અને ટામેટાંના વધતા જતા ભાવને કારણે એપ્રિલમાં શાકાહારી થાળીની સરેરાશ કિંમતમાં લગભગ આઠ ટકાનો વધારો થયો છે. બુધવારે (8 મે 2024) જાહેર કરવામાં આવેલા એક રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે.
ક્રિસિલ માર્કેટ ઇન્ટેલિજન્સ એન્ડ એનાલિસિસ (ક્રિસિલ)ના માસિક રોટી રાઇસ રેટ ના અહેવાલ મુજબ, બ્રોઇલર્સના ભાવમાં ઘટાડો થવાને કારણે બીજી તરફ વેજ ફૂડના ભાવમાં ઘટાડો થયો છે.
ડુંગળી, ટામેટા અને બટાકાના ભાવ વધ્યા
રોટલી, શાકભાજી (ડુંગળી, ટામેટા અને બટાકા), ચોખા, દાળ, દહીં અને સલાડનો સમાવેશ કરતી શાકાહારી થાળીની કિંમત એપ્રિલમાં વધીને 27.4 રૂપિયા પ્રતિ થાળી થઈ ગઈ છે. જ્યારે એક વર્ષ અગાઉ સમાન સમયગાળામાં વેજ થાળીની કિંમત 25.4 રૂપિયા હતી અને માર્ચ 2024માં 27.3 રૂપિયા હતી. આ રિપોર્ટમાં શાકાહારી થાળી મોંઘી થવાની કારણ ડુંગળીમાં 41 ટકા, ટામેટાંમાં 40 ટકા, બટાકામાં 38 ટકા, ચોખામાં 14 ટકા અને કઠોળમાં 20 ટકાનો ભાવ વધારો છે.
આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, જીરું, મરચું અને ખાદ્ય તેલના ભાવમાં અનુક્રમે 40 ટકા, 31 ટકા અને 10 ટકાનો ઘટાડો થયો છે, જેના કારણે થાળીની કિંમતમાં વધુ વધારો થયો નથી. નોન-વેજ થાળીના કિસ્સામાં, જેમાં બધી સમાન સામગ્રીનો સમાવેશ થાય છે પરંતુ દાળને બદલે ચિકન હોય છે, તેનો ભાવ એપ્રિલમાં ઘટીને 56.3 રૂપિયા થયો છે, જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં 58.9 રૂપિયા અને માર્ચ 2024માં 54.9 રૂપિયા પ્રતિ થાળી હતો. મોંઘવારી ને કાબુમાં રાખવાર સરકાર ઘણા પ્રયત્નો કરી રહી છે પરંતુ તે પુરતા નથી.
આ પણ વાંચો | ઉનાળામાં લૂ લાગે ત્યારે કરો આ ઘરગથ્થુ ઉપાય, તરત જ રાહત મળશે
રિપોર્ટમાં જણાવાયું છે કે, બોઈલરની કિંમતમાં 12 ટકાનો ઘટાડો, જેનો કુલ થાળીમાં 50 ટકા યોગદાન હોય છે, વાર્ષિક ધોરણે નોન વેજ થાળીની કિંમત ઘટવાનું મુખ્ય કારણ હતું. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નોન વેજ થાળીના ભાવમાં માર્ચની તુલનામાં ત્રણ ટકાનો વધારો થયો છે.





