ભારતની બીજા ક્રમની સૌથી મોટી આઇટી કંપની ઈન્ફોસિસ લિમિટેડે 13 ઓક્ટોબર, 2022ના રોજ 9,300 કરોડના શેર બાયબેકની જાહેરાત કરી હતી, જે છેલ્લા છ વર્ષમાં તેનું ચોથું બાયબેક છે.
બાયબેક વિશેની માહિતીઃ-
ઇન્ફોસિસ કંપનીએ તેના 9300 કરોડ રૂપિયાના બાયબેક પ્લાનમાં શેરની મહત્તમ બાયબેક કિંમત 1,850 રૂપિયા રાખી છે, જે કંપનીના શેરની ગુરુવારની બંધ કિંમત કરતાં 30 ટકા ઉંચી કિંમત છે. ગુરુવારે ઇન્ફોસિસ કંપનીનો શેર બોમ્બે સ્ટોક એક્સચેન્જ ખાતે 1419.75 રૂપિયાના ભાવે બંધ થયો હતો. શેરધારકો પાસેથી આ શેરનું બાયબેક ઓપન માર્કેટ રૂટ મારફતે કરવામાં આવશે.
ઇન્ફોસિસે અમેરિકન ડિપોઝિટરી શેર્સ (એડીએસ) ને ઇક્વિટી શેરમાં રૂપાંતરિત કરવાની મંજૂરી આપી છે, જેને બાયબેક દરમિયાન ભારતીય સ્ટોક એક્સચેન્જ પર વેચી શકાય છે. પ્રસ્તાવિત બાયબેક હેઠળ કંપની મહત્તમ 50,270,270 ઇક્વિટી શેર ખરીદી શકે છે, જે કંપનીની કુલ શેરમૂડીના 1.19 ટકા સમકક્ષ છે.
ઇન્ફોસિસ કંપની આ શેર બાયબેક માટે મહત્તમ બાયબેક સાઇઝ તરીકે નિર્ધારિત રકમના ઓછામાં ઓછા 50 ટકા – 4,650 કરોડ રૂપિયાનો ઉપયોગ કરશે. મિનિમમ બાયબેક સાઇઝ અને મેક્સિમમ બાયબેક પ્રાઇસના આધારે કંપની ઓછામાં ઓછા 25,135,135 ઇક્વિટી શેરની પરત ખરીદી કરશે.
ઈન્ફોસિસે 2021માં 9,200 કરોડ રૂપિયાનું શેર બાયબેક કર્યુ હતુ. ત્યારબાદ ભારતની સૌથી મોટી આઇટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) એ ચાલુ વર્ષે માર્ચ મહિનામાં 18,000 કરોડ રૂપિયાના શેરર બાયબેક કર્યા હતા.
રોકાણકાર અને કંપનીને શું અસર થશે?
શેર બાયબેકમાં મોટાભાગે શેરધારકને મોટો ફાયદો થતો હોય છે. કંપનીઓ મોટા ભાગે બજાર ભાવ કરતાં ઉંચા ભાવે શેરધારકો પાસેથી તેમની કંપનીના શેર પરત ખરીદતી હોય છે. આથી બાયબેક હેઠળ શેર વેચવાથી શેરધારકોને બજાર ભાવ કરતા ઉંચો મળે છે અને શેરદીઠ વધારે કમાણી થાય છે. મોટાભાગે બાયબેકની જાહેરાત બાદ સ્ટોક માર્કેટમાં બાયબેક લાવનાર કંપનીના શેરની કિંમત વધતી હોય છે. તો બીજી બાજુ બાયબેક હેઠળ શેર પરત ખરીદવા માટે કંપની રોકાણકારોને ચૂકવણી કરે છે, આથી કંપની પાસે રહેલી રોકડ મૂડી ઘટે છે.