Infosys defers salary hikes: ભારતની એક મોટી કંપનીના કર્મચારીઓ માટે માઠા સમાચાર છે. દેશની બીજા ક્રમની સૌથી મોટી આઇટી કંપની ઇન્ફોસિસે તેના એમ્પ્લોઇઝની સેલેરી વધારવાનું મોકૂફ રાખ્યુ છે, જેની અસર સમગ્ર આઇટી સેક્ટર ઉપર થવાની આશંકા વ્યક્ત કરાઇ છે. સરળ શબ્દોમાં કહીયે તો વર્ષ 2023માં આઇટી સેક્ટરના કર્મચારીઓની સેલેરીમાં વધારે વૃદ્ધિની શક્યતા દેખાતી નથી.
ઇન્ફોસિસે પગાર વધારો ટાળ્યો
શેરબજારમાં લિસ્ટેડ ભારતની બીજી સૌથી મોટી આઇટી કંપની ઇન્ફોસિસે તેના કર્મચારીઓની મોટો ઝટકો આપ્યો છે. કંપનીએ જુનિયરથી લઇને સિનિયર મેનેજમેન્ટ લેવલ સુધીના તમામ એમ્પ્લોઇઝની સેલેરી વધારવાનું ટાળ્યું છે. સામાન્ય રીતે એપ્રિલમાં જ કર્મચારીઓનો પગાર વધી જાય છે પરંતુ હાલ આઇટી સેક્ટર પડકારોનો સામનો કરી રહ્યુ છે ત્યારે શરૂઆતમાં મોડો પગાર વધારો થશે એવી અપેક્ષા હતી પરંતુ હવે તો કંપનીએ પગારમાં વધારો હાઇક મોકૂફ રાખ્યું છે.
2020 બાદ ફરી પગાર વધારવાનું ટાળ્યું
એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સામાન્ય રીતે જૂન સુધીમાં સિનિયર મેનેજમેન્ટથી લઇ નીચેના તમામ સ્ટાફને પગાર વધારાની જાણ કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે, સ્ટાફને કોઈપણ પ્રકારનો આવો સંદેશ મળ્યો નથી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ નિર્ણય દર્શાવે છે કે વર્તમાન મેક્રો ઈકોનોમિક્સની સ્થિતિને કારણે આઈટી સેક્ટર મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યું છે. વર્ષ 2020 પછી આ પ્રથમ વખત છે જ્યારે ઇન્ફોસિસે પગાર વધારો ટાળ્યો છે. તે સમયે કોરોના મહામારીને કારણે આઇટી જાયન્ટે પગાર વધારો સ્થિર કરી દીધો હતો. જો કે તેના એક વર્ષ પછી 2021માં કર્મચારીઓનો પગાર વધારવામાં આવ્યો હતો.
આઇટી સેક્ટરના શેરમાં મંદીનો માહોલ
ઇન્ફોસિસના એક નિર્ણયની અસરે આજે આઇટી સેક્ટરના શેરમાં મંદીનો માહોલ જોવા મળ્યો હતો. બ્લુચીપ ઇન્ફોસિસનો શેર સેન્સેક્સ ખાતે ટોપ લૂઝર રહ્યો હતો અને તે 1.7 ટકા ઘટીને 1333 રૂપિયા બંધ થયો હતો. તેવી જ રીતે એચસીએલ ટેક, ટીસીએસ, ટેકમહિન્દ્ર અને વિપ્રોના શેર અડધાથી પોણા ટકા ડાઉન હતા. તો શેર બજાર બીએસઇનો આઇટી ઇન્ડેક્સ અડધા ટકાથી વધુ ઘટીને 29490 બંધ થયો હતો અને તેના 56માંથી 31 શેર રેડ ઝોનમાં બંધ થયા હતા.
આ પણ વાંચોઃ બીએસઇ ₹ 374 કરોડના શેર બાયબેક કરશે; બાયબેક પ્રાઇસ અને રોકાણકારોને શું ફાયદો થશે? જાણો
આઇટી કંપનીઓનો નબળો દેખાવ
અત્રે એ નોંધવું જોઈએ કે, નાણાકીય વર્ષ 22-23ના છેલ્લા ત્રિમાસિક ગાળામાં પણ ટોચની IT કંપનીઓનો દેખાવ નબળો રહ્યો છે. એપ્રિલ ક્વાર્ટરમાં વિપ્રો અને ટીસીએસ જેવી કંપનીઓની કમાણીમાં ઘટાડો થયો હતો. તો FY23ના ચોથા ક્વાર્ટરમાં ઇન્ફોસિસે 60 ટકા કર્મચારીઓના પગારના વેરિયેબલ કોમ્પોનન્ટમાં પણ ઘટાડો કર્યો હતો. ઇન્ફોસિસે માર્ચ ક્વાર્ટરમાં વેરીએબલમાં ઘટાડો કર્યા પછી, નિષ્ણાંતોએ આઇટી સેક્ટરની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.