(જ્યોર્જ મેથ્યુ) કોરોના મહામારીના કારણે લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીઓ દ્વારા મોટી સંખ્યામાં ઇન્સ્યોરન્સ ક્લેમનું સેટલમેન્ટ કરવામાં આવ્યુ છે. જીવન વીમા કંપનીઓ પાસે નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન ડેથ ઇન્સ્યોરન્સ ક્લેમની સંખ્યામાં જબરદસ્ત 73.41 ટકાનો ઉછાળો નોંધાયો છે જેનું કારણ જીવલેણ કોરોના વાયરસની મહામારીથી મોટા પ્રમાણમાં લોકોના મોત છે.
ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI) તરફથી ઉપલબ્ધ ડેટા અનુસાર, વીમા કંપનીઓએ 2021-22 દરમિયાન ડેથ ઇન્સ્યોરન્સ ક્લેમના કિસ્સામાં 15.87 લાખ પોલિસીના સેટલમેન્ટ માટે 45,817 કરોડ રૂપિયાની ચૂકવણી કરી છે. જ્યારે તેની અગાઉના નાણાંકીય વર્ષ દરમયાન 10.83 લાખ પોલિસીધારકોના ડેથ ક્લેમ પેટે 26,421 કરોડ રૂપિયાની ચૂકવણી કરવામાં આવી હતી. ઇરડાના વાર્ષિક અહેવાલમાં જણાવ્યા અનુસાર કુલ ડેથ ક્લેમ સેટલમેન્ટમાંથી 17,269 કરોડ રૂપિયાના દાવા કોવિડ-19ના કારણે થયેલ મૃત્યુ સંબંધિત હતા.
બીજી તરફ, વીમા કંપનીઓએ વર્ષ દરમિયાન કોવિડ-19 કારણે લાઇફ ઇન્સ્યોર્સ ક્લેમ અને ડેથ ક્લેમના કિસ્સામાં સેટલમેન્ટ માટે કુલ 41,631 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.
ભારતની સૌથી મોટી જીવન વીમા કંપની, લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન (LIC) એ વર્ષ 2021-22માં 13.49 લાખ પોલિસીમાં ડેથ ક્લેમ સેટલમેન્ટ પેટે 28,408 કરોડ રૂપિયાની ચૂકવણી કરી હતી, જયારે અગાઉના વર્ષે 18,295 કરોડ રૂપિયાની ચૂકવણી કરવામાં આવી હતી. ખાનગી વીમા કંપનીઓની વાત કરીય તો ICICI લોમ્બાર્ડે વિતેલ વર્ષ દરમિયાન 2,977 કરોડ રૂપિયા અને HDFC લાઇફે 2,608 કરોડ રૂપિયાના વીમા દાવાઓની પતાવટ કરી હતી.
સૌથી રસપ્રદ વાત એ છે કે, જીવન વીમા કંપનીઓએ નાણાંકીય વર્ષ 2022 કોવિડના કારણે 448 કરોડ રૂપિયાના 1,550 ઇન્સ્યોરન્સ ક્લેમને નામંજૂર કર્યા છે.
કોવિડ-19ને લગતા રૂ. 41,631 કરોડના ઇન્સ્યોરન્સ ક્લેમમાંથી 24,362 કરોડ રૂપિયા જનરલ ઇન્સ્યોરન્સ કંપનીઓ અને હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીઓ દ્વારા કોવિડ હોસ્પિટલ સારવારના ક્લેમ પેટે ચૂકવવામાં આવ્યા હતા અને 17,269 કરોડ રૂપિયા જેટલી રકમ જીવન વીમા કંપનીઓ દ્વારા પોલિસીધારકોના પરિવારોને કોવિડ ડેથ ક્લેમ પેટે ચૂકવવામાં આવી હતાી.
આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર ભારતમાં કોવિડ-19ને કારણે અત્યાર સુધીમાં 5,30,695 લોકોના મોત થયા છે. જો કે, IRDAIના અહેવાલમાં જણાવાયું છે કે 2021-22 દરમિયાન જીવન વીમા કંપનીઓ દ્વારા 2.26 લાખ ડેથ ક્લેમની પતાવટ કરવામાં આવી હતી, જે દર્શાવે છે કે કોવિડ-19ને કારણે મૃત્યુ પામેલા લગભગ 3.14 લાખ લોકોને વીમાનો લાભ મળ્યો નથી.
કોરોના વાયરસની મહામારીને પગલે હોસ્પિટલના ખર્ચમાં વધારો થયો હોવા છતાં લાઇફ ઇન્સ્યોરન્સ અને જનરલ ઇન્સ્યોરન્ કંપનીઓએ 26.54 લાખ ક્લેમની પતાવટ કરી હતી. IRDAIએ જણાવ્યું હતું કે વર્ષ દરમિયાન વીમા કંપનીઓ દ્વારા રૂ. 7,223 કરોડના હેલ્થ ક્લેમ નામંજૂર કરવામાં આવ્યા હતા.
આ દરમિયાન, LICનો એકંદરે ક્લેમ સેટલમેન્ટ રેશિયો ખાનગી વીમા કંપનીઓના 94.13 ટકાની તુલનાએ ઉંચો 96.02 ટકા જેટલો હતો, તેવું IRDAIના અહેવાલમાં જણાવાયું છે.
કોવિડ-19 મહામારીએ નાણાકીય વર્ષ 2022 માં જનરલ ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રીઝની કામગીરીને પ્રભાવિત કરી હતી. નાણાકીય વર્ષ 2021-22માં રૂ. 28,500 કરોડના વિક્રમી નુકસાન થતા 31 કંપનીઓ સાથેની ભારતની ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રીઝ 2.23 લાખ કરોડ રૂપિયાના ખોટના ખાડામાં ધકેલાઈ ગઇ છે, જેના કારણે ઘણા પ્રકારની વીમા પોલિસીઓના પ્રીમિયમમાં પણ વધારો કરવામાં આવ્યો છે. કોવિડ-19 મહામારીએ લોકોને હેલ્થ ઇન્સ્યોરન્સ લેવા માટે પણ પ્રોત્સાહન આપ્યુ છે. આથી હેલ્થ ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ કલેક્શન 22.54 ટકા વધીને 58,176 કરોડ રૂપિયા થયું છે, જે તેને વીમા ઉદ્યોગનો સૌથી મોટો સેગમેન્ટ બનાવે છે.
ઇન્સ્યોરન્સ કંપનીઓને વર્ષ દરમિયાન રોકાણમાંથી ઊંચી આવક મેળવી હોવા છતાં નુકસાન થયું હતું. ભારતના વીમા ઉદ્યોગે પાછલા વર્ષમાં આશરે રૂ. 19,400 કરોડની અન્ડરરાઇટિંગ લોસ નોંધાવી હતી. વીમા અધિકારીએ જણાવ્યું હતું કે, “ઉચ્ચ અન્ડરરાઇટિંગ લોસને કારણે ઘણા ઇન્સ્યોરન્સ સેગમેન્ટમાં, ખાસ કરીને હેલ્થ ઇન્સ્યોરન્સના સેગમેન્ટના પ્રીમિયમમાં છેલ્લા છ મહિનામાં 5થી 10 ટકાનો વધારો થયો છે.”
IRDAI એ પહેલાથી જ સંયુક્ત લાઇસન્સ જારી કરવાની દરખાસ્ત કરી છે, જે લાઇફ અને જનરલ ઇન્સ્યોરન્સ માર્કેટ બંનેમાં કામગીરી કરવા માટેનું સામાન્ય લાઇસન્સ છે. એક કે એક વીમા કંપની લાઇફ અને જનરલ ઇન્સ્યોરન્સ સેગમેન્ટમાં કામગીરી કરી શકે છે, જે હાલમાં પ્રતિબંધિત છે. નાની વીમા કંપનીઓ જેવા નવા ખેલાડીઓ પણ ભારતની ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રીઝમાં પ્રવેશી શકે તેની માટે લઘુત્તમ મૂડીની જરૂરિયાતને 100 કરોડ રૂપિયાથી ઘટાડવાની તરફેણમાં પણ છે.
સરકારે ઇન્સ્યોરન્સ સેક્ટરને સંચાલિત કરતા કાયદાકીય માળખા – ઇન્સ્યોરન્સ એક્ટ- 1938 અને ઇરડા એક્ટ 1999માં વ્યાપક સુધારણા કરવાનું નક્કી કર્યું છે. મોટી સંખ્યામાં નવી કંપનીઓનો પ્રવેશ, આવશ્યક લઘુત્તમ મૂડીની જરૂરિયાતમાં ઘટાડો અને સંયુક્ત લાઇસન્સ ઇશ્યૂ કરવા જેવા રિફોર્મ્સ એજન્ડા સામેલ છે. ભારતમાં ઇન્સ્યોરન્સ પેનિટ્રેશન લાઇફ સેક્ટરમાં 3.2 ટકા અને નોન-લાઇફ સેક્ટરમાં 1 ટકા છે જ્યારે અમેરિકામાં આ આંકડો અનુક્રમે 2.6 ટકા અને 9.1 ટકા છે.