Investment Tips : શું તમને રોકાણ પર ધાર્યું રિટર્ન નથી મળી રહ્યું, ઉંચા રિટર્ન મેળવવા આ 5 પગલાં અનુસરો

Investment Tips : બધાએ એક બાબત સમજવાની જરૂર છે કે રોકાણ એ લાંબા ગાળાની રમત છે અને કેટલીક સારી વ્યૂહરચના સાથે તમે આકર્ષક વળતર મેળવી શકો છો.

Written by Ajay Saroya
May 10, 2023 15:19 IST
Investment Tips : શું તમને રોકાણ પર ધાર્યું રિટર્ન નથી મળી રહ્યું, ઉંચા રિટર્ન મેળવવા આ 5 પગલાં અનુસરો
Investment Tips: આકર્ષક રિટર્ન મેળવવા માટે ડાઇવર્સિફાઇડ પોર્ટફોલિયો જરૂરી છે.

તમે લાંબા સમય સુધી સતત નાની રકમનું રોકાણ કરીને પણ તમારું ભવિષ્ય સુરક્ષિત કરી શકો છો. સંપત્તિનું સર્જન કરવા માટે રોકાણ એ સૌથી મહત્વપૂર્ણ પદ્ધતિ છે. જો કે, કેટલીકવાર સૌથી વધુ અનુભવી રોકાણકારો પણ તેમના રોકાણ પર સારું વળતર મેળવામાં અસમર્થ હોય છે. આવું સાંભળવું નિરાશાજનક હોઈ શકે છે પરંતુ બધાએ એક બાબત સમજવાની જરૂર છે કે રોકાણ એ લાંબા ગાળાની રમત છે અને કેટલીક સારી વ્યૂહરચના સાથે તમે આકર્ષક વળતર મેળવી શકો છો. જો તમે પણ તમારા રોકાણને લઈને ચિંતિત છો અને સારું વળતર નથી મળી રહ્યું તો આ સમાચાર તમારા માટે છે.

રોકાણની વ્યૂહરચનાની સમીક્ષા કરો

જો તમે તમારા રોકાણ પર આકર્ષક રિટર્ન નથી મેળવી રહ્યા, તો સૌ પ્રથમ તમારે તમારી રોકાણની વ્યૂહરચના તપાસવી જોઈએ. તમારા રોકાણના ધ્યેયો, જોખમની ક્ષમતા અને સમય મર્યાદા પર ઝીણવટપૂર્વક નજર કરો. તમારી જાતને પૂછો કે શું તમારું રોકાણ તમારા લાંબા ગાળાના ધ્યેયોને અનુરૂપ છે અને શું તમે અત્યારે તમારા રોકાણ પર જે જોખમ લઈ રહ્યા છો તેનાથી તમે આરામદાયક છો? જો તમને લાગે કે તમારું રોકાણ તમારા નાણાંકીય લક્ષ્યોને અનુરૂપ નથી અથવા તમે ખૂબ જોખમ લઈ રહ્યા છો, તો તમારી વ્યૂહરચના બદલવાનો સમય આવી ગયો છે.

પોર્ટફોલિયોમાં વૈવિધ્યીકરણ લાવો

જો તમે રોકાણ કરતા પહેલા થોડું સંશોધન કર્યું હોય, તો તમને ખબર પડશે કે રોકાણકાર માટે ડાઇવર્સિફાઇડ પોર્ટફોલિયો કેટલો મહત્વપૂર્ણ છે. જો તમારા પોર્ટફોલિયોમાં ડાઇવર્સિફિકેશન નહીં હોય તો સાવચેત રહેવાનો સમય છે. ડાઇવર્સિફિકેશન તમારા નાણાંને વિવિધ પ્રકારના રોકાણોમાં ફેલાવીને નુકસાનના જોખમને ઘટાડવામાં મદદ કરે છે. સારું વળતર મેળવવા માટે ડાઇવર્સિફાઇડ પોર્ટફોલિયો પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. Bankbazaar.comના CEO આદિલ શેટ્ટી કહે છે, “વિવિધ પ્રકારના રોકાણો અલગ-અલગ સમયે અલગ-અલગ રીતે કામગીરી કરે છે. ઉદાહરણ તરીકે, આર્થિક વૃદ્ધિના સમયે સ્ટોક્સ સારો દેખાવ કરી શકે છે, જ્યારે બોન્ડ્સ આર્થિક મંદી દરમિયાન વધુ સારો દેખાવ કરી શકે છે.

ખરાબ દેખાવ કરનાર રોકાણને ઓળખી કાઢો

જ્યારે કોઈ રોકાણ નબળું પ્રદર્શન કરી રહ્યુ હોય, ત્યારે તેનું વિશ્લેષણ કરવું જરૂરી બને છે કે તે શા માટે અપેક્ષા મુજબનું પ્રદર્શન નથી કરી રહ્યું. આવા સમયે રોકાણના ફંડામેન્ટલ્સ પર ધ્યાન આપવાની જરૂરી છે. જો તમને લાગે કે તમારા નિયંત્રણની બહારના કારણોને લીધે રોકાણ ખરાબ રીતે પર્ફોર્મ કરી રહ્યું છે, તો પરિસ્થિતિઓમાં સુધારો થાય ત્યાં સુધી રાહ જોવી એ શ્રેષ્ઠ વિકલ્પ છે. જો કે, જો તમને લાગે કે રોકાણનો ખરાબ દેખાવ એ નબળા મેનેજમેન્ટ અથવા નબળા બિઝનેસ મોડલને કારણે થઈ રહ્યું છે, તો વધારે રોકાણ કરવાનું ટાળવું જોઇએ.

નાણાંકીય સલાહકાર પાસેથી સલાહ લેવી

જો તમને સમજણ ન પડે કે ખરાબ દેખાવ કરી રહેલા રોકાણની સમસ્યા દૂર કરવા માટે કયા પગલાં લેવા જોઈએ, તો નાણાકીય સલાહકાર અથવા ઇન્વેસ્ટમેન્ટ પ્રોફેશનલ્સની સલાહ લો. નિષ્ણાંતો તમને બજારની નાડ પારખીને રોકાણ કરવાની સલાહ આપે છે. વધુમાં, તેઓ તમને અન્ય રોકાણની તકો ઓળખવામાં પણ મદદ કરી શકે છે જે તમને તમારા રોકાણના લક્ષ્યોને પૂર્ણ કરવામાં મદદ કરી શકે છે.

આ પણ વાંચોઃ બેસ્ટ ટેક્સ સેવિંગ મ્યુચ્યુઅલ ફંડ્સ : 11 ELSS સ્કીમમાં 1 વર્ષમાં મળ્યું 14 ટકાનું રિટર્ન

ધીરજ રાખો

જ્યારે તમે કરેલું રોકાણ નબળો દેખાવ કરી રહ્યું હોય, ત્યારે ગભરાશો નહીં અને ઉતાવળમાં નિર્ણયો કોઇ નિર્ણય લેવો નહીં. તેના બદલે, ધીરજ રાખો અને તમારા મૂડીરોકાણની વ્યૂહરચના પર વિશ્વાસ કરો. યાદ રાખો કે, બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી પણ ટૂંકા ગાળાના આંચકા અનુભવી શકે છે, પરંતુ લાંબા ગાળે તમને સારું વળતર આપશે.

Disclaimer: આ આર્ટિકલ ફાઇનાન્સિયલ એક્સપ્રેસ પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો. 

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ