Iran Bandar Abbas Port: ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેનો સંઘર્ષ જેમ જેમ ઉગ્ર બનતો જાય છે તેમ તેમ ભારતમાં ઓઈલ અને ગેસના ભાવ વધશે કે કેમ તેની સતત ચિંતા સતાવી રહી છે. ભારતમાં નિકાસકારોએ સરકારને ચેતવણી આપી છે કે જો આ યુદ્ધ વધારે આગળ વધશે તો ઈરાનનું સૌથી મોટું પોર્ટ બંદર અબ્બાસ બંધ થઈ શકે છે.
એક્સપોર્ટનું કહેવું છે કે બંદર અબ્બાસ પોર્ટના બંધ થવાથી હવાઈ ભાડામાં વધારો થઈ શકે છે કારણ કે પશ્ચિમ એશિયાના ઘણા દેશોએ તેમના હવાઈ ક્ષેત્રને બંધ કરી દીધું છે.
શુક્રવારે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયમાં યોજાયેલી એક મહત્વપૂર્ણ બેઠકમાં નિકાસકારોએ સરકારને જણાવ્યું હતું કે એવી ચિંતા છે કે બંદર અબ્બાસ પોર્ટ બંધ થઈ શકે છે, તેથી વૈકલ્પિક માર્ગો ખાસ કરીને ચાબહાર પોર્ટ પર ધ્યાન આપવું જોઈએ. વિમાનભાડા વધી શકે તેવી પણ ચિંતા છે.
એક્સપોર્ટ્સે જણાવ્યું હતું કે રશિયા-યુક્રેન યુદ્ધ બાદ લાલ સમુદ્રમાં પ્રીમિયમમાં વૃદ્ધિ શરુ થઇ છે. હવે ઇઝરાયેલ અને ઇરાન વચ્ચેના સંઘર્ષને કારણે આવી ચિંતાઓ સતત વધી રહી છે. ખાસ કરીને લાલ સમુદ્રમાં કારણ કે તે તેલ અને કાર્ગો વેપાર માટે એક મહત્વપૂર્ણ કોરિડોર છે.
મરીન કાર્ગો વીમા પ્રીમિયમમાં વધારો કરાયો
ઇન્ડિયન એક્સપ્રેસે અહેવાલ આપ્યો હતો કે ઇરાન અને ઇઝરાયેલ વચ્ચે વધતા સંઘર્ષને કારણે દરિયાઇ કાર્ગો વીમા પ્રીમિયમમાં વધારો થયો છે. વીમા સૂત્રોએ જણાવ્યું હતું કે દરિયાઇ કાર્ગો વીમા પ્રીમિયમમાં હવે 15 ટકાથી 30 ટકાનો વધારો થયો છે. આ પછી વીમા કંપનીઓ કાર્ગોની કિંમતના વધારાના 0.15 ટકા વસૂલી રહી છે.
આ પણ વાંચો – શું ઇઝરાયેલની એર ડિફેન્સ સિસ્ટમ આયરન ડોમ ઇરાન સામે નિષ્ફળ થઇ રહી છે? જાણો શું કહે છે પૂર્વ જનરલ
તેની અસર ગુજરાત અને મહારાષ્ટ્રના બંદરોથી ચાલતા કોમોડિટી આયાતકારો અને નિકાસકારો પર પડી શકે છે.
ક્રૂડ ઓઈલના ભાવ વધી શકે છે
બંને દેશો વચ્ચે 13 જૂનથી યુદ્ધ શરૂ થયા બાદથી કાચા તેલની કિંમતોમાં પણ વધારો થયો છે. ઘણી વૈશ્વિક નાણાકીય કંપનીઓનો અંદાજ છે કે જો કટોકટી ચાલુ રહેશે તો તેલના ભાવ બેરલ દીઠ 100 ડોલરને પાર કરી શકે છે.





