Train Ticket Booking Confirm By IRCTC E Wallet : ટ્રેનમાં કન્ફર્મ ટિકિટ હોય તો જ મુસાફરી સુવિધાજનક રહે છે. ઘણી વખત દિવાળી જેવા તહેવારો દરમિયાન ટ્રેનમાં કન્ફર્મ ટિકિટ મેળવવી મુશ્કેલ બની જાય છે. ભારતીય રેલવેથી દરરોજ લાખો લોકો તેમના ગંતવ્ય સ્થાને પહોંચે છે. ટ્રેન દ્વારા મુસાફરી માત્ર અનુકૂળ જ નહીં પરંતુ આર્થિક રીતે પરવડે પણ છે. મોટાભાગના લોકો તેમની મુસાફરી મુજબ ઘણા દિવસો અગાઉથી ટ્રેનની ટિકિટ બુક કરાવે છે જેથી મુસાફરી દરમિયાન તેમને કોઈ સમસ્યાનો સામનો કરવો ન પડે. રેલ ટિકિટ ઓફલાઇન અને ઓનલાઇન બુક કરાવી શકાય છે.
ઓફલાઇન ટિકિટ બુકિંગ માટે કાઉન્ટર પર જઈને રિઝર્વેશન કરાવવું પડશે, જ્યારે આઈઆરસીટીસીની વેબસાઈટ અને એપ દ્વારા ઓનલાઇન ટિકિટ બુક કરાવી શકાય છે. પરંતુ શું તમે જાણો છો કે આઈઆરસીટીસી ઈ વોલેટ દ્વારા તત્કાલ અને સામાન્ય ટિકિટ બુક કરાવવી ખૂબ જ સરળ છે? આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે આઈઆરસીટીસી ઈ વોલેટ શું છે? તેના ફાયદા અને કેવી રીતે રજિસ્ટ્રેશન કરવી તે અહીં જાણો
આઈઆરસીટીસી ઈ વોલેટ શું છે?
આઈઆરસીટીસી ઈ વોલેટ એક ડિજિટલ એકાઉન્ટ છે જેમાં તમે અગાઉથી પૈસા જમા કરાવી શકો છો, જેથી ટિકિટ બુક કરતી વખતે તરત જ ચુકવણી કરવામાં સરળતા રહે. આ ખાસ કરીને તત્કાલ ટ્રે ટિકિટ બુક કરતી વખતે સમયની બચત કરે છે કારણ કે તે બેંકના પેમેન્ટ ગેટવેની લાંબી પ્રક્રિયાને દૂર કરે છે.
આઈઆરસીટીસી ઈ વોલેટના ફાયદા
- ઝડપી બુકિંગ : બેંક પેમેન્ટ ગેટવેની મંજૂરીને ટાળે છે અને બુકિંગ માટે લાગતા સમયમાં ઘટાડો કરે છે.
- સુરક્ષિત વ્યવહાર : તે PAN અથવા આધાર વેરિફિકેશન દ્વારા સુરક્ષિત વ્યવહારોની ખાતરી આપે છે.
- સરળ રિફંડ : ટિકિટ કેન્સલ થવાના કિસ્સામાં, રિફંડની રકમ બીજા દિવસે ઇ વોલેટમાં જમા કરવામાં આવે છે.
- બેંક પર નિર્ભરતા નહી : જો બેંક સર્વિસ બંધ હોય તો પણ તમે ઇ વોલેટથી ટિકિટ બુક કરાવી શકો છો.
- કોઈ પેમેન્ટ ગેટવે ચાર્જ નહીં : પેમેન્ટ ગેટવે દ્વારા ઇ વોલેટનો ઉપયોગ કરીને બુકિંગ કરવા માટે કોઈ વધારાનો ચાર્જ નથી.
આઈઆરસીટીસી ઈ વોલેટમાં લોગિન અને રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું?
આઈઆરસીટીસી ઇ વોલેટનો ઉપયોગ કરવા માટે તમારે પહેલા આઈઆરસીટીસીની વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરાવવું પડશે.
રજિસ્ટ્રેશન કરવાની પ્રક્રિયા
- આઈઆરસીટીસીની સત્તાવાર વેબસાઈટ (www.irctc.co.in) પર જાઓ અને તમારા હાલના યુઝર આઈડી અને પાસવર્ડથી લોગિન કરો.
- હોમ પેજ પર IRCTC EXCLUSIVE સેક્શનમાં IRCTC eWallet પર ક્લિક કરો. ત્યાર બાદ IRCTC eWallet Register Now લિંક પર ક્લિક કરો.
- રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરવા માટે, તમારા પાન અથવા આધારની વિગતો ભરીને ચકાસો.
- વેરિફિકેશન બાદ આઈઆરસીટીસી ઈ વોલેટ માટે 50 રૂપિયાની વન-ટાઇમ રજિસ્ટ્રેશન ફી ચૂકવવી પડશે.
- હવે તમારી બુકિંગ માટે ટ્રાન્ઝેક્શન પાસવર્ડ બનાવો. આ પાસવર્ડનો ઉપયોગ દરેક બુકિંગ દરમિયાન કરવામાં આવશે.
ઈ-વોલેટમાં પૈસા જમા કરાવો
- આઈઆરસીટીસી એકાઉન્ટમાં લોગ ઇન કર્યા પછી, IRCTC eWallet સેક્શનમાં eWallet DEPOSIT લિંક પર ક્લિક કરો.
- જમા કરાવવાની રકમ દાખલ કરો (ઓછામાં ઓછા 100 રૂપિયાથી મહત્તમ 10,000 રૂપિયા સુધી).
- પેમેન્ટ ઓપ્શન સિલેક્ટ કરો અને પેમેન્ટ કરો. આ રકમ તમારા ઈ વોલેટમાં જમા થઈ જશે.
ટ્રેન ટિકિટ કેવી રીતે બુક કરાવવી
- તમારા મુસાફરીની તારીખ નક્કી કરો અને પેમેન્ટ પેજ પર જાઓ.
- પેમેન્ટ વિકલ્પ તરીકે IRCTC eWallet પસંદ કરો.
- તમારો ટ્રાન્ઝેક્શન પાસવર્ડ દાખલ કરો અને તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર પ્રાપ્ત થયેલ OTP સબમિટ કરો.
- પેમેન્ટ સફળ થતાની સાથે જ તમારી ટ્રેન ટિકિટ બુક થઈ જશે.