IREDA IPO Price Band : શેર બજારના રોકાણકારો માટે આઈપીઓમાં રોકાણ કરીને કમાણી કરવાની ઉત્તમ તક આવી છે. સરકારી માલિકીની રિન્યુએબલ એનર્જી કંપની ઈરેડા (IREDA)નો આઈપીઓ 21 નવેમ્બર 2023 થી 23 નવેમ્બર 2023 સુધી સબસ્ક્રિપ્શન માટે ખુલી રહ્યો છે. કંપની 2150 કરોડ રૂપિયાનો આઈપીઓ લાવી રહી છે. કંપનીએ આઈપીઓમાં શેરની ઇશ્યૂ પ્રાઈસ 30-32 રૂપિયા પ્રતિ શેર દીઠ નક્કી કરી છે. આમ તો એન્કર ઈન્વેસ્ટર્સ 20મી નવેમ્બરથી આઈપીઓ ખૂલી ગયો છે. ઈરેડા કંપનીના આઈપીઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 23 નવેમ્બર છે. કંપનીનો આઈપીઓ 1લ ડિસેમ્બર 2023ના રોજ સ્ટોક એક્સચેન્જ બીએસઇ અને એનએસઇ પર લિસ્ટેડ થશે. બ્રોકરેજ હાઉસ ઈરેડા કંપનીના ભવિષ્યના સારા આઉટલૂકને ધ્યાનમાં રાખીને આઈપીઓમાં રોકાણની સલાહ આપી છે.
ઈરેડાના આઈપીઓમાં રોકાણ કરવું કે નહીં? (IREDA IPO )
બ્રોકરેજ હાઉસ નિર્મલ બંગે IREDA ના IPO પર સબસ્ક્રાઇબ રેટિંગ આપ્યું છે. બ્રોકરેજ હાઉસ કહે છે કે ભારતમાં સૌથી મોટી પ્યોર-પ્લે ગ્રીન ફાઇનાન્સિંગ NBFC તરીકે IREDA ની સ્થિતિ તેને એવી કેટલીક કંપનીઓ પૈકીની એક બનાવે છે કે જે રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં ઝડપી વૃદ્ધિનો લાભ ઉઠાવવા માટે સારી સ્થિતિમાં છે. કંપનીની લોન બુક નાણાકીય વર્ષ 2011-23 દરમિયાન 30% CAGR વધીને રૂ. 47,076 કરોડ થઈ છે, જે પીએફસી અને આરઈસી જેવી પરંપરાગત પાવર ફાઇનાન્સિંગ કંપનીઓ કરતાં ઘણી ઝડપી છે. ગ્રીન હાઇડ્રોજન, પમ્પ્ડ હાઇડ્રો સ્ટોરેજ પાવર પ્લાન્ટ્સ, બેટરી સ્ટોરેજ વેલ્યુ ચેઇન્સ અને ગ્રીન એનર્જી કોરિડોર જેવી ઉભરતી ગ્રીન ટેકનોલોજીમાં વૈવિધ્યકરણ અને વિસ્તરણ તેની લોન બુકની લાંબા ગાળાની ઉચ્ચ વૃદ્ધિ સ્થિરતા માટે તકો પૂરી પાડે છે.

ઈરેડા કંપનીના સકારાત્મક પરિબળો
બ્રોકરેજ હાઉસ એસબીઆઈ સિક્યોરિટીઝ કહે છે કે ઈરેડા લિમિટેડ (IREDA) એ ન્યૂ અને રિન્યુએબલ એનર્જી મંત્રાલય (MNRE) ના વહીવટી નિયંત્રણ હેઠળ ભારત સરકાર (GoI) ની સંપૂર્ણ માલિકીનું જાાહેર સાહસ છે. કંપની ન્યુ અને રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સ અને ઊર્જા કાર્યક્ષમતા અને સંરક્ષણ પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન, વિકાસ અને ધિરાણ પ્રદાન કરવાના વ્યવસાયમાં 36 વર્ષથી વધુનો અનુભવ ધરાવતી નાણાકીય સંસ્થા છે. કંપની પ્રોજેક્ટ કોન્સેપ્ટથી માંડીને આરઇ પ્રોજેક્ટ્સ અને અન્ય વેલ્યૂ ચેઇન પ્રવૃત્તિઓ જેમ કે સાધન ઉત્પાદન અને ટ્રાન્સમિશન માટે કમિશનિંગ પછી નાણાકીય ઉત્પાદનો અને સંબંધિત સેવાઓની વિશાળ શ્રેણી ઓફર કરે છે. IREDAને કંપની એક્ટ, 1956 ની કલમ 4A હેઠળ જાહેર નાણાકીય સંસ્થા (PFI) તરીકે સૂચિત કરવામાં આવી હતી અને તે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સ કંપની સાથે ભારતીય રિઝર્વ બેંક સાથે પ્રણાલીગત રીતે મહત્વપૂર્ણ નોન-ડિપોઝિટ લેતી બિન-બેંકિંગ ફાઇનાન્સ કોર્પોરેશન છે.
ઈરેડા આઈપીઓ વિશે માહિતી (IREDA IPO Details)
પ્રાઇસ બેન્ડની અપર લિમિટ અનુસાર, ઈરેડાનો કુલ આઈપીઓ 2150 કરોડ રૂપિયાનો છે, જેમાં 1290 કરોડ રૂપિયાના ફ્રેશ ઇશ્યૂ અને 860 કરોડના ઓફર ફોર સેલ હશે. ઓફર ફોર સેલ હેઠળ 26.88 કરોડ શેર વેચવામાં આવશે. સરકાર ઓફર ફોર સેલ હેઠળ કંપનીમાં પોતાનો હિસ્સો વેચવા જઈ રહી છે. અપર પ્રાઇસ બેન્ડના આધારે, કંપનીની વેલ્યૂએશન 8600 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. હાલમાં તેમાં કેન્દ્ર સરકારનો 100 ટકા હિસ્સો છે. આ આઈપીઓ ઇશ્યૂ માટે લીડ મેનેજરોની જવાબદારી IDBI કેપિટલ, BoB Caps અને SBI Capsને આપવામાં આવી છે.
ઈરેડાના શેરની ગ્રે માર્કેટમાં સ્થિતિ (IREDA IPO Share Grey Market Premium)
IREDAના અનલિસ્ટેડ સ્ટોકને લઈને ગ્રે માર્કેટમાં હલચલ મચી ગઈ છે. ગ્રે માર્કેટમાં કંપનીના અનલિસ્ટેડ સ્ટોકમાં શેર દીઠ 4 રૂપિયાનું પ્રીમિયમ બોલાય છે, જે 32 રૂપિયાના અપર પ્રાઇસ બેન્ડથી 13 ટકા પ્રીમિયમ દર્શાવે છે.
ઈરેડાના આઈપીઓમાં શેર રિઝર્વ રેશિયો
IREDAના IPOમાં, 50 ટકા શેર સંસ્થાકીય રોકાણકારો માટે, 15 ટકા બિન-સંસ્થાકીય રોકાણકારો માટે અને કુલ 35 ટકા રિટેલ રોકાણકારો માટે રિઝર્વ રાખવામાં આવ્યા છે. તેમજ આઈપીઓમાં શેર કર્મચારીઓ માટે રિઝર્વ રાખવામાં આવ્યા છે. કંપની તેના મૂડી આધારને વધારવા અને તેની ભાવિ મૂડીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે IPO દ્વારા એકત્ર કરવામાં આવેલી રકમનો ખર્ચ કરશે.

ઈરેડા કંપની શું કામગીરી કરે છે?
IREDA દેશની સૌથી મોટી ગ્રીન ફાઇનાન્સ નોન-બેંકિંગ કંપની છે. આ કંપનીનો સપ્ટેમ્બર 2023 CRAR 20.92% રહ્યો છે. IREDA લગભગ 36 વર્ષ જૂની નાણાકીય સંસ્થા છે, જે પુનઃપ્રાપ્ય ઊર્જા અને ઊર્જા કાર્યક્ષમતા પ્રોજેક્ટ્સને સમર્થન આપે છે. આ કંપની આયોજનથી માંડીને સાધનોના ઉત્પાદન અને ટ્રાન્સમિશન સુધીના આવા પ્રોજેક્ટ્સ માટે નાણાકીય ઉત્પાદનો અને સેવાઓ પ્રદાન કરે છે.
ઈરેડા કંપનીની નાણાકીય સ્થિતિ કેવી છે?
ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ 6 મહિનામાં IREDAની આવક 2320.46 કરોડ રૂપિયા રહી છે. જ્યારે તેના પાછલા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં કંપનીની આવક રૂ. 1577.75 કરોડ હતી. સપ્ટેમ્બર 2023 સુધીના પ્રથમ 6 મહિનામાં કંપનીનો નફો 579.32 કરોડ રૂપિયા હતો, જે ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં 410.27 કરોડ રૂપિયા હતો. પ્રથમ 6 મહિનામાં ગ્રોસ એનપીએ 3.13 ટકા અને ચોખ્ખી એનપીએ 1.65 ટકા હતી. ગયા વર્ષની સરખામણીમાં એસેટ ક્વોલિટીમાં સુધારો થયો છે.
આ પણ વાંચો | ચાલુ સપ્તાહે ખુલશે 5 IPO; શેરબજારના રોકાણકારો માટે કમાણીનો મસ્ત મોકો
(Disclaimer: શેરમાં રોકાણ કરવાની સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવી છે. આ ઇન્ડિયન એક્સપ્રેસના અંગત મંતવ્યો નથી. બજાર જોખમોને આધિન છે તેથી રોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લેવી.)





