Capital Gains Tax On Share, Mutual Fund, Real Estate Profits : ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવા આવકવેરા વિભાગ દ્વારા ITR ફોર્મ નોટિફાઇ કરી દેવામાં આવ્યા છે. પગાર કે બિઝનેસ ઉપરાંત શેર, મ્યુચ્યુઅલ ફંડ, બચત યોજના, મકાન ભાડા માંથી થતી કમાણી નફા ઉપર પર ટેક્સ ચૂકવવો પડે છે. આવા રોકાણ માંથી થતા નફા પર સરકાર કેપિટલ ગેઇન ટેક્સ વસૂલે છે. આ ટેક્સ એ વાત પર નિર્ભર કરે છે કે સંપત્તિને કેટલા સમય સુધી હોલ્ડ કરવામાં એટલે કે જાળવી રાખવામાં આવી છે.
કેપિટલ ગેઇન ટેક્સના 2 પ્રકાર છે – શોર્ટ કર્મ કેપિટલ ગેઇન ટેક્સ (STCG) અને લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ (LTCG). કોઇ સંપત્તિમાં ઓછા સમય માટે રોકાણ કરી વેચીને જે નફો થાય તેના પર શોર્ટ ટર્મ કેપિટલ ગેન્સ (STCG) ટેક્સ વસુલાય છે. લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સમાં (LTCG) તેનાથી વિપરીત હોય છે. રિયલ એસ્ટેટમાં 24 મહિનાથી ઓછા સમયને શોર્ટ ટર્મ હોલ્ડિંગ માનવામાં આવે છે. જ્યારે શેર, જામીનગીરી અને મ્યુચ્યુઅલ ફંડ માટે શોર્ટ ટર્મ પીરિયડ 12 મહિના છે.
Tax On Shares Profits : શેર માંથી કમાણી પર કેપિટલ ગેઇન ટેક્સ
શેર ખરીદીને એક વર્ષની અંદર વેચવા પર જે નફો થાય તેના પર 20 ટકા શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ વસૂલાય છે. જો એક વર્ષ સુધી હોલ્ડ કર્યા બાદ વેચવામાં આવે તો નફા પર 12.5 ટકા લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ વસૂલવામાં આવે છે. સરાકરે રોકાણકારોને રાહત આપવા એક જોગવાઇ કરી છે, જેમા એક નાણાકીય વર્ષમાં 1.25 લાખ રૂપિયા સુધીના લાંબા ગાળાના મૂડી નફા પર કોઇ ટેક્સ લાગશે.
ઉદાહરણ તરીકે, જો કોઇ રોકાણકારે 1 લાખ રૂપિયાના શેર ખરીદ્યા અને 1 વર્ષની અંદર તેને 2.5 લાખ રૂપિયામાં વેચી દીધા. તો 1.5 લાખ રૂપિયાના નફા પર 20 ટકા ટેક્સ ચૂકવવો પડશે.
Tax On Mutual Funds Profits : મ્યુચ્યુઅલ ફંડની કમાણી પર કેપિટલ ગેઇન ટેક્સ
મ્યુચ્યુઅલ ફંડ 2 પ્રકારના હોય છે – ઇક્વિટી અને ડેટ. ઇક્વિટી એટલે શેરબજારમાં રોકાણ કરનાર મ્યુચ્યુઅલ ફંડ યુનિટનું વેચાણ એક વર્ષની અંદર કરવામાં આવે તો 20 ટકાના દરે શોર્ટ ટર્મ ટેક્સ વસૂલાય છે. જો એક વર્ષ બાદ વેચવા પર 12.5 ટકા લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ ચૂકવવો પડે છે. અહીં પણ 1.25 લાખ રૂપિયા સુધીના મૂડી નફા પર કર મૂક્તિની જોગવાઇ છે.
ડેટ ફંડ એટલે બોન્ડ અને જામીનગીરીમાં રોકાણ કરનાર મ્યુચ્યુઅલ ફંડ માટે નિયમ બે વર્ષ પહેલા બદલાયા છે. 1 એપ્રિલ 2023 બાદ ખરીદેલા ડેટ ફંડ ગમે તેટલા સમય સુધી હોલ્ડ કરવામાં આવ્યા હોય, તેના પર ટેક્સ વ્યક્તિના ઈન્કમ ટેક્સ સ્લેબ અનુસાર વસૂલાશે. તો 1 એપ્રિલ 2023 પહેલા ખરીદેલા ડેટ ફંડ પર 24 મહિનાથી વધારે રાખ્યા બાદ વેચવા પર 12.5 ટકા લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ અને તેનાથી ઓછો સમય હશે તો શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ વસૂલવામાં આવશે.
Tax On Real Estate Profits : રિયલ એસ્ટેટ પર કેપિટલ ગેઇન ટેક્સ
જો કોઇ વ્યક્તિ મકાન, ફ્લેટ કે ઓફિસ ખરીદીને 24 મહિના અંદર વેચી દે તો તેના પર થતા નફાને તેની કુલ વાર્ષિક આવકમાં ઉમેરવામાં આવશે અને કેપિટલ ગેઇન ટેક્સ તે વ્યક્તિના ઈન્કમ ટેક્સ સ્લેબ અનુસાર રહેશે. તેને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સ માનવામાં આવશે.
આ પણ વાંચો | ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરતી વખતે આ સામાન્ય ભૂલો કરવાનું ટાળો, રિફંડ પણ જશે અટકી
જો પ્રોપર્ટી ખરીદીને 24 મહિના પછી વેચવામાં આવે તો તેના પર 12.5 ટકા લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગુ થશે. જો કે અહીં ઇન્ડેક્શનનો લાભ આપવામાં આવતો નથી.