ITR Filing Tips For Taxpayers : ઈન્કમ ટેક્સ રિટર્ન એટલે કે આઈટીઆર ફાઈલ કરવાનું શરૂ થઇ ગયુ છે. પગારદાર કર્મચારીથી લઇ વેપારીઓએ દર વર્ષ ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવું ફરજિયાત છે, જેમાં અમુક વ્યક્તિઓ પહેલીવાર આઈટીઆર ફાઇલ કરતા હોય છે. જો તમે પણ પ્રથમ વાર આઈટીઆર ફાઇલ કરી રહ્યા છો તો અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. આનાથી આઈટી રિટર્ન ફાઈલ કરવાામાં ભૂલ થવાની શક્યતા ઘટી જાય છે.
મોટી સંખ્યામાં એવા લોકો છે જે પહેલી વખત આવકવેરા રિટર્ન (આઇટીઆર) ફાઇલ કરે છે. પ્રથમ વખત આઇટીઆર ફાઇલ કરનારા લોકોએ કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવાની જરૂર છે. આનાથી રિટર્ન ફાઈલ કરવામાં ભૂલ થવાની શક્યતા ઘટી જાય છે.
આઈટીઆર ફાઈલ કરવા માટે પગારદાર અને વેપારીઓ જેવા કરદાતાઓ માટે અલગ – અલગ આટીઆર ફોર્મ ઉપલબ્ધ છે. દર વર્ષે આઈટીઆર ફાઇલ કરવા માટે ITR-1 ફોર્મનો સૌથી વધુ ઉપયોગ થાય છે. તેને આઈટી સહજ ફોર્મ (ITR 1 Sahaj Form)પણ કહેવામાં આવે છે. આઈટીઆર ફાઈલ કરવા માટે સહજ ફોર્મ કોણ ઉપયોગ કરી શકે છે, નિયમ અને શરતો શું છે? તે ફાઈલ કરતી વખતે કઇ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? આવા સામાન્ય પ્રશ્નોના જવાબ જાણીયે
આઈટીઆર સહજ ફોર્મ 1 નો ઉપયોગ કોણ કરી શકે છે? (ITR Sahaj Form)
આઈટીઆર રિટર્ન માટે સહજ ફોર્મ ભારતીય રહેવાસી વ્યક્તિઓ માટે છે જેમની આવક નાણાકીય વર્ષમાં 50 લાખ રૂપિયા સુધી છે. જેમની પાસે પગાર, ફેમિલી પેન્શન, ઘરની આવક, 5,000 રૂપિયાની કૃષિ આવક અને બેંક અથવા પોસ્ટ ઓફિસમાં બચત ખાતા માંથી આવક થાય છે તેઓ આ સહેજ ફોર્મનો ઉપયોગ કરી શકે છે. મોટાભાગના કરદાતાઓ ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલમાં સહજ ફોર્મ માટે નિર્ધારિત શરતોને પૂર્ણ કરે છે.

સહજ ફોર્મ 1નો ઉપયોગ કોણ ન કરી શકે?
રિસેડેન્ટ નોટ ઓર્ડિનરીલી રેસિડેન્ટ (RONR) અને એનઆરઆઈ આઇટીઆર-1 એટલે કે સહજ ફોર્મ – 1નો ઉપયોગ કરી શકતા નથી. જે વ્યક્તિઓની આવક નાણાકીય વર્ષમાં 50 લાખ રૂપિયાથી વધુ હોય તેઓ આઈટીઆર ફાઈલ માટે સહજ ફોર્મનો ઉપયોગ કરી શકતા નથી. જો નાણાકીય વર્ષમાં ખેતી માંથી થતી આવક રૂપિયા 5000થી વધુ હોય અથવા લોટરી, જુગાર, ઘોડાની રેસ માંથી આવક થતી હોય તો તેઓ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવા માટે સહજ ફોર્મનો ઉપયોગ કરી શકાતા નથી. તેમજ કરપાત્ર મૂડીનફો હોય તો પણ સહજ ફોર્મ-1 વડે આઈટીઆર ફાઈલ કરી શકાતા નથી.
આઈટીઆર ફાઈલ કરવા ફોર્મ-16 કેમ જરૂરી છે?
દર વર્ષે મોટી સંખ્યામાં પગારદાર અને નોકરીયાત કર્માચીરઓ આઈટીઆર ફાઇલ કરતા હોય છે. જો તમે નોકરી / જોબ કરો છો,તો તમારી એમ્પ્લોયર એટલે કે કંપની તરફથી દર વર્ષે ફોર્મ-15 ઇશ્યૂ કરવામાં આવે છે. જેમા તમારો પગાર – આવક, કરપાત્ર આવક, ટીડીએસ, કપાત અને નાણાંકીય વર્ષમાં કર મુક્તિની બાબતનો ઉલ્લેખ હોય છે. ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવા માટે આ માહિતી જરૂરી છે. આથી કંપની તરફથી ફોર્મ – 16 પ્રાપ્ત થય બાદ તેમાં ઉલ્લેખિત દરેક માહિતી ચેક કરવી લેવી જોઇએ.

ફોર્મ 26એએસ પણ ચેક કરો
પ્રથમ વાર આઈટીઆર ફાઇલ કરનારાઓએ ફોર્મ 26એએસમાં સમાવિષ્ટ વિગતો પણ ચેક કરી લેવી જોઈએ. આ ફોર્મ આવકવેરા વિભાગની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાય છે. તેમાં કરદાતાની તમામ આવકની વિગત હોય છે, જેના પર ટીડીએસ કાપવામાં આવ્યો છે.
આ પણ વાંચો | જુની અને નવી કર વ્યવસ્થા શેમાં વધુ ટેક્સ સેવિંગ થશે, એક મિનિટમાં મેળવો તમામ પ્રશ્નોના જવાબ
AIS માં હોય છે દરેક નાણાંકીય વ્યવહારની માહિતી
ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવા માટે એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ (AIS) પણ જરૂરી છે. જો તમે કોઇ આવક વિશે ભૂલી ગયા છો, તો એઆઇએસની મદદથી તમે તેના વિશે જાણકારી મેળવી શકો તેની માટે આ જરૂરી છે. તેમા વ્યાજ, ડિવિડન્ડ, સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન, મ્યુચ્યુઅલ ફંડ ટ્રાન્ઝેક્શન, ફોરેન રેમિટન્સ સહિત તમામ સ્ત્રોતોમાંથી થતી આવક વિશેની માહિતી છે. તે ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની વેબસાઇટ પરથી પણ ડાઉનલોડ કરી શકાય છે.





