જીરાના ભાવ આસમાને: મસાલા પાકમાં તેજીના કારણ, કોને સૌથી વધુ ફાયદો, ગ્રાહકોને શું અસર થશે? જાણો

Jeera prices in Unjha APMC : જીરું ચાલુ વર્ષની હોટ કોમોડિટી બન્યુ છે. ઉંઝામાં વર્ષ 2022માં 12 નવેમ્બરે 20,000 રૂપિયાના ભાવે વેચાતા જીરાએ 20 જૂન, 2023ના રોજ 54125 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો ઐતિહાસિક ઉંચો ભાવ બનાવ્યો છે

June 21, 2023 22:13 IST
જીરાના ભાવ આસમાને: મસાલા પાકમાં તેજીના કારણ, કોને સૌથી વધુ ફાયદો, ગ્રાહકોને શું અસર થશે? જાણો
જીરું, જે બોલચાલમાં જીરા તરીકે પણ ઓળખાય છે તે ચાલુ વર્ષની હોટ કોમોડિટી બની છે.

(ગોપાલ બી કટેશિયા) Cumin seeds prices record high in Unjha APMC : જીરું, જે ભારતીય રસોઇમાં દરરોજ વપરાતો એક મસાલો છે, જેના એક ચપટી ઉપયોગથી દાળ-શાક સ્વાદિષ્ટ થઇ જાય છે, જો કે છેલ્લાં આઠ મહિનાથી તેમાં બહુ ગરમી આવી ગઇ છે.

સોમવારે (19 જૂન), ગુજરાતના મહેસાણા જિલ્લામાં ઊંઝા એપીએમસી (કૃષિ પેદાશ બજાર સમિતિ) માર્કેટયાર્ડમાં તેના ભાવ પહેલીવાર 50,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલની સપાટી કુદાવી ગયા અને મંગળવારે 54,125 રૂપિયાનો નવો ઐતિહાસિક ઉંચો ભાવ બનાવ્યો હતો.

છેલ્લા આઠ મહિનાથી જીરાના ભાવ સતત નવી ઐતિહાસિક ઉંચાઇને આંબી રહ્યા છે. જીરુંમાં તેજી 12 નવેમ્બર, 2022થી શરૂ થઇ છે, જ્યારે તેના ભાવ પહેલીવાર 20,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલને સ્પર્શ્યા હતા. ત્યારબાદથી તો જીરાના ભાવમાં બમણા કરતા પણ વધારે ઉછાળો આવ્યો છે!

જીરાના ભાવમાં ઐતિહાસિક તેજીનું કારણ

માર્કેટયાર્ડના અધિકારીઓના મતે જીરાના ભાવમાં ઐતિહાસિક તેજીનું કારણ માંગ-પુરવઠાની અસમાનતા છે. ઊંઝા એપીએમસીના અગ્રણી કમિશન એજન્ટ સીતારામ પટેલે જણાવ્યું કે, “આ વર્ષે માર્કેટયાર્ડોમાં જીરાની આવક (જીરુંની માર્કેટિંગ સીઝન ફેબ્રુઆરીના મધ્યથી શરૂ થાય છે અને મે મહિનામાં પીક પર હોય છે) માંગ કરતાં અડધી રહી છે. આથી વેપારીઓ પણ માર્કેટયાર્ડમાં જે પણ જીરું આવી રહ્યુ છે તે તમામ જથ્થો ખરીદી રહ્યા છે.” નોંધનિય છે કે, ઉંઝા એ સમગ્ર વિશ્વમાં જીરાનું સૌથી મોટું માર્કેટયાર્ડ છે.

જીરાના ભાવ વધવા પાછળ મુખ્યત્વે બે પરિબળો જવાબ છે. પ્રથમ તો ભારતમાં જીરાનું ઉત્પાદન, જે સરકારી અંદાજ મુજબ વર્ષ 2019-20માં 9.12 લાખ ટન હતુ, તે ઘટીને વર્ષ 2020-21માં 7.95 લાખ ટન અને વર્ષ 2021-22 માં 7.25 લાખ ટન થયું છે. વર્ષ 2022-23ના પાક (ઓક્ટોબર-નવેમ્બરમાં વાવેતર અને ફેબ્રુઆરી-માર્ચમાં લણણી)નું કદ બહુ જ નાનું હોવાનું વેપારીઓ માને છે, જેનું કારણ મુખ્યત્વે ચાલુ વખતે માર્ચના બીજા ભાગમાં કમોસમી વરસાદ મનાય છે.

જો કે, માત્ર ઉત્પાદનમાં ઘટાડો જ હાલની ઐતિહાસિક તેજી માટે જવાબદાર નથી, તેમાં અત્યંત ઓછો કેરી-ફોરવર્ડ અથવા ઓપનિંગ સ્ટોક્સ પણ સમાન રીતે ભૂમિકા ભજવે છે. ફેડરેશન ઓફ ઈન્ડિયન સ્પાઈસ સ્ટેકહોલ્ડર્સ (FISS) અનુસાર છેલ્લી માર્કેટિંગ સીઝનની શરૂઆત પહેલા ફેબ્રુઆરી 2022માં લગભગ 35 લાખ બોરી (પ્રત્યેક બોરી 55 કિલોની) હતી. FISS એ મસાલા પ્રોસેસર્સ, વેપારીઓ અને નિકાસકારોની ઊંઝામાં આવેલી એક સંસ્થા છે.

વર્ષ 2021-22ના પાકમાંથી આ વખતે જીરાનો કેરી-ફોરવર્ડ માત્ર 3-4 લાખ બોરી રહ્યો છે. વેપારીઓ પાસે ઓછી ઇન્વેન્ટરી અને ઉત્પાદનમાં ઘટાડો, જીરાના ભાવમાં તેજી માટે જવાબદાર છે.

જીરાના ભાવ નક્કી કરતા અન્ય પરિબળો

ભારતમાં ઉત્પન્ન થતા જીરાનો સ્થાનિક સ્તરે વપરાશની સાથે નિકાસ પણ કરાય છે. વર્ષ 2022-23 (એપ્રિલ-માર્ચ) દરમિયાન જીરાની નિકાસ 1.87 લાખ ટન (કિંમત રૂ. 4,193.60 કરોડ) હતી, જે અગાઉના નાણાકીય વર્ષમાં 2.17 લાખ ટન (રૂ. 3,343.67 કરોડ) નોંધાઇ હતી. ભારતીય જીરના નિકાસ બજારોમાં ચીન, બાંગ્લાદેશ, યુએસ, યુએઈ, પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને તુર્કીનો સમાવેશ થાય છે.

ચીન દ્વારા ભારતીય જીરાની આક્રમક ખરીદી

ઊંઝા સ્થિત જીરાની નિકાસ કરતી પેઢી એમઆર એગ્રો ઇન્ડસ્ટ્રીઝના અલ્પેશ પટેલે જણાવ્યું કે, “ચીન ભારતીય જીરાની આક્રમક રીતે આયાત કરે છે. છેલ્લા ત્રણ મહિનામાં જ ચીને ભારતમાંથી 25,000-30,000 ટન જીરું આયાત કર્યું છે. આ મહિનાના અંતમાં બકરીદના તહેવારને કારણે બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાંથી પણ માંગ છે.”

જેની સ્થાનિક અને નિકાસ માંગ બંને હોય તેવી કોમોડિટીના ભાવમાં સામાન્ય રીતે વધારે અસ્થિરતા હોય છે. તેમણે ઉમેર્યું કે, “નીચા કેરી-ફોરવર્ડનો અર્થ નિકાસકારો અને સ્થાનિક ખેલાડીઓ બંને માટે હેન્ડ-ટુ-માઉથનો માહોલ છે. બજારમાં દરેક વ્યક્તિ હવે ખરીદવા માંગે છે, કારણ કે જીરાનો નવો હવે પાક આવતા વર્ષે ફેબ્રુઆરીના મધ્યમાં જ બજારમાં આવશે.”

જીરાના મુખ્ય ઉત્પાદકો દેશો ક્યા છે?

દુનિયામાં જીરાનો સૌથી મુખ્ય ઉત્પાદક દેશ ભારત છે અને આ મસાલાના વૈશ્વિક ઉત્પાદનમાં લગભગ 70 ટકા યોગદાન આપે છે. ભારત ઉપરાંત સીરિયા, તુર્કી, યુએઈ અને ઈરાનમાં પણ જીરાની ખેતી થાય છે અને વૈશ્વિક ઉત્પાદનમાં સંયુક્ત રીતે 30 ટકા હિસ્સેદારી ધરાવે છે. ભારત સિવાયના ઉપરોક્ત દેશોમાં ગૃહયુદ્ધ અને કુદરતી આફતોના કારણે જીરાના ઉત્પાદન – સપ્લાયમાં મુશ્કેલી પડી રહી છે, જેની સીધી અસર ભાવ પર થઇ રહી છે.

ભારતમાં ક્યા-ક્યા જીરાની ખેતી થાય છે?

ભારતમાં ગુજરાત અને રાજસ્થાન મુખ્ય જીરા ઉત્પાદક રાજ્યો છે. ભારતમાં લગભગ 8 લાખ હેક્ટર વિસ્તારમાં જીરાની ખેતી થાય છે. ભારતમાં વર્ષ 2021-22માં કુલ 7.25 લાખ ટન જીરાનું ઉત્પાદન થયુ હતુ, જેમા ગુજરાતમાં 4.20 લાખ ટન અને રાજસ્થાનમાં 3.03 લાખ ટન પાક થયો હતો.

જીરાની ખેતી અન્ય રાજ્યોના ખેડૂતો કેમ નથી કરતા?

જીરા એ હવામાનની દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ પાક છે. જીરાની ખેતી શિયાળામાં થાય છે, તેના પાકને ભેજ વગરના સાધારણ ઠંડા અને શુષ્ક હવામાનની જરૂર હોય છે, જો કે આવા વાતાવરણમાં પાકમાં ફુગ કે જીવાત લાગવાનું જોખમ વધી જાય છે. ગુજરાતમાં જીરાની ખેતી સૌરાષ્ટ્ર, કચ્છ અને મહેસાણા સહિત ઉત્તર ગુજરાતના વિસ્તારો તેમજ પશ્ચિમ રાજસ્થાનના અમુક જિલ્લાઓ જેમ કે જાલોર, બાડમેર, જોધપુર, જેસલમેર, પાલી અને નાગૌરમાં તેનું વાવેતર કરાય છે. દેશના જીરા ઉત્પાદક વિસ્તારોના કેન્દ્રમાં હોવાનો વ્યૂહાત્મક લાભથી ઊંઝા જીરાના ભાવ નિર્ધારણનું મુખ્ય બજાર બની ગયું છે.

ઊંચા ભાવથી ખેડૂતોને કેટલો ફાયદો થયો?

ચાલુ વર્ષે જીરાના પાકનો લગભગ 80 ટકા જથ્થો માર્કેટયાર્ડમાં આવી ગયો છે, હવે માત્ર જે 20 ટકા માલ છે, તેને જ પ્રતિ ક્વિન્ટલ 50,000 થી વધુના ભાવનો લાભ મળશે. જો કે, ઊંઝા એપીએમસીના ચેરમેન દિનેશ પટેલનું માનવુ છે કે, જીરું વેચનાર આવનારમાં લગભગ અડધા ખેડૂતો અને બાકીના એગ્રીગેટર્સ – વેપારીઓ છે, જેમણે ખેડૂતો પાસેથી આ એગ્રી કોમોડિટી જીરું ખરીદીને તેનો સંગ્રહ કર્યો હતો. માર્કેટયાર્ડમાં પાક વેચનાર મોટાભાગના ખેડૂતો રાજસ્થાનના છે, જેઓ પાકને રોકી રાખવાની ક્ષમતા ધરાવે છે. એક કમિશન એજન્ટ-કમ-વેપારીએ નોંધ્યું, “તેઓ ખેડૂતો હોઈ શકે છે, પરંતુ અમારી જેમ જ બજારની રમત શીખી ગયા છે.”

આ પણ વાંચોઃ ત્રિપુરામાં દુનિયાની સૌથી મોંઘી મિયાઝાકી કેરીની સફળ ખેતી, પેઇન્ટરમાંથી ખેડૂત બની પ્રજ્ઞાન ચક્રમાન કરે છે લાખોની કમાણી

ઉંચા ભાવથી ગ્રાહકોને શું અસર થશે?

જીરા એ આવશ્યક ખાદ્યચીજ નથી, પરંતુ એક પ્રીમિયમ મસાલો છે જે કઢીથી લઈને ચોખા સુધીની દરેક વસ્તુને સોડમ આપે છે. તેનો ઉપયોગ પાઉડરના સ્વરૂપમાં પણ થાય છે, પછી ભલે તે એક વસ્તુ તરીકે હોય કે પીસેલા ગરમ મસાલાના મિશ્રણમાં ફૂડ ડીશ પર છાંટવામાં આવે. ભોજનમાં તેનો અત્યંત મર્યાદિત વપરાશ થાય છે. જ્યારે ડુંગળી અને બટાકાના ભાવની ગંભીર અસરો થતી હોય છે કારણ કે તે સીધા રિટેલ મોંઘવારી દરને પ્રભાવિત કરે છે. જો બીજા શબ્દોમાં કહીયે તો સરકાર જીરાના ભાવને નિયંત્રિત કરવા માટે બજારમાં વધુ હસ્તક્ષેપ કરવાનું વલણ ધરાવતી નથી.

Disclaimer : આ આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદીત છે, મૂળ આર્ટિકલ વાંચવા માટે અહી ક્લિક કરો

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ