scorecardresearch

મોંઘવારી વચ્ચે હવે છટણીનો ડર, જેટ એરવેઝે 60% કર્મીઓને પગાર વગર 3 મહિનાની રજા પર મોકલ્યા

Jet Airways crisis : જંગી દેવાને કારણે એપ્રિલ 2019માં એકાએક આકાશમાંથી જમીન પર પટકાયેલી જેટ એરવેઝ (Jet Airways) કંપની ફરી ઉડાન ભરવા સક્ષમ થશે કે નહીં તે હજી પણ યક્ષપ્રશ્ન

મોંઘવારી વચ્ચે હવે છટણીનો ડર, જેટ એરવેઝે 60% કર્મીઓને પગાર વગર 3 મહિનાની રજા પર મોકલ્યા

મહામારી બાદ મોંઘવારી અને હવે છટણી એ લોકોનું જીવન મુશ્કેલ બનાવી દીધુ છે. દિગ્ગજ આઇટી કંપનીઓ બાદ હવે ભારતની એરલાઇન્સ કંપની જેટ એરવેઝ દ્વારા મોટી સંખ્યામાં કર્મચારીઓને વગર પગારે રજા પર મોકલવાનો નિર્ણય લેવાયો છે.

નાણાંકીય કટોકટીમાં ફસાયેલી ખાનગી એરલાઇન્સ કંપની જેટ એરવેઝે તેના લગભગ 60 ટકા કર્મચારીઓને પગાર વગર 3 મહિનાની લાંબી રજા પર મોકલી દીધા છે, જેમાં કંપનીના સિનિયર મેનેજરો પણ સામેલ છે. ઉપરાંત અન્ય કર્મચારીઓના પગારમાં પણ હંગામી ધોરણે કાપ મૂકવામાં આવી રહ્યો છે. આ ઘટનાક્રમથી માહિતગાર એક સુત્રે આ માહિતી આપી છે.

એક સુત્રએ જણાવ્યુ કે, જેટ એરવેઝના સીઇઓ સંજીવ કપૂરે પણ પોતાના પગારમાં મોટો કાપ મૂકવા સહમતી આપી દીધી છે. સંજીવ કપૂરે આ અહેવાલો અંગે કર્મચારીઓની ચિંતાને દૂર કરવા એક ટ્વિટ કર્યુ અને તેમાં લખ્યુ કે, કોઇને પણ છુટા કરવામાં આવશે નહીં.

ઉલ્લેખનિય છે કે, આ માઠાં સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે જમીન પર ઉતરી આવેલી ખાનગી એરલાઇન્સ જેટ એરવેઝને ફરી ઉડાન ભરવા માટે માટે આર્થિક રીતે સક્ષમ બનાવવાની યોજના ચાલી રહી છે. આ નવા ઘટનાક્રમથી જેટ એરવેઝ ફરી ક્યારે ઉડાન ભરશે તે અંગેનું ભવિષ્ય ધૂંધળું બન્યુ છે. જેટ એરવેઝના નવા માલિક જાલાન- કાલરોક કોન્સોર્ટિયમે નેશનલ કંપની લો એપલેટ ટ્રિબ્યુનલ (એનસીએલટી)ને જણાવ્યુ કે, તેઓ કર્મચારીઓના બાકી પ્રોવિડેન્ટ ફંડ અને ગ્રેચ્યુટીની ચૂકવણી માટે વધુ 260 કરોડ રૂપિયાની રકમ આપવામાં અસમર્થ છે.

એપ્રિલ-2019માં ‘ઉડાન’ બંધ થઇ

નોંધનિય છે કે, લેણદારોએ જેટ એરવેઝ પાસેથી બાકી લેણાંની વસૂલાત કરવા માટે નાદારી કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. તેના કારણે જેટ એવરેઝે 17 એપ્રિલ 2019માં ફ્લાઇટ સર્વિસ બંધ કરી દીધી હતી અને આજ દિન સુધી ફરી ઉડાન શરૂ થઇ શકી નથી. તે સમયે એરલાઇન્સ કંપની ઉપર 8,500 કરોડ રૂપિયાનું દેવું હતુ.

અગાઉ, નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલે જેટ એરવેઝના નવા માલિક જાલાન-કાલરોક ગ્રૂપને પ્રોવિડન્ટ ફંડ અને એરલાઇનના કર્મચારીઓની ગ્રેચ્યુટીના બાકી લેણાંની ચુકવણી કરવાનો નિર્દેશ આપ્યો હતો. કોન્સોર્ટિયમે જેટ એરવેઝને ટેકઓવર કરવાની તેની બિડમાં ટાંક્યું હતું કે તે લેણદારોને 475 કરોડ રૂપિયાથી વધારે રકમ ચૂકવવા માટે જવાબદાર નથી અને તમામ દાવાઓ તે રકમમાંથી પતાવટ કરવાના હતા.

જાલાન-કાલરોક કોન્સોર્ટિયમના બોર્ડ મેમ્બર અંકિત જાલાને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ભૂતપૂર્વ કર્મચારીઓ જેટ એરવેઝના હાલના 60 ટકાથી વધારે છે. તેમણે કહ્યું કે જેટ એરવેઝ બ્રાન્ડના રિવાઇવલની પ્રચંડ સંભાવના છે અને તેના માટે જનતાનું સમર્થન છે. તેમણે કહ્યું કે, જેટ એરવેઝના રિવાઇવલથી રોજગારીની વધુ તકો મળશે, એરલાઇનના ભૂતપૂર્વ કર્મચારી ઉપરાંત ઘણા મોટી સંખ્યામાં લોકોને નોકરી મળશે.

સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીને 308 કરોડની ખોટ

જેટ એરવેઝ કંપનીએ સપ્ટેમ્બર ત્રિમાસિકમાં.308.24 કરોડ રૂપિયાની ચોખ્ખી ખોટ કરી છે જ્યારે વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં આ ખોટ 305.76 કરોડ રૂપિયા હતી.

Web Title: Jet airways crisis salary cuts send 60 percent staff on leave without pay for 3 months corporate news