Jio AI Classroom Launch : ઈન્ડિયન મોબાઈલ કોંગ્રેસ (IMC 2025) ના પ્રથમ દિવસે, જિયોએ એઆઈ ક્લાસરૂમ (Jio AI Classroom) નામનું નવું પ્લેટફોર્મ લોન્ચ કર્યું હતું. જિયોનો હેતુ ભારતમાં સામાન્ય લોકો સુધી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) લાવવાનો છે. તમને જણાવી દઈએ કે દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીએ થોડા સમય પહેલા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની એજીએમમાં ‘એઆઈ ફોર એવરીવન’ની હિમાયત કરી હતી. અને હવે થોડા મહિનામાં જ જિયોએ એઆઈ ક્લાસરૂમ ફાઉન્ડેશન કોર્સ લોન્ચ કર્યો છે.
કંપનીના જણાવ્યા અનુસાર, દેશને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં સુપરપાવર બનાવવાના મિશનને આગળ વધારવા માટે, જિયોપીસી અને જિયો ઇન્સ્ટિટ્યૂટ સંયુક્ત રીતે એઆઈ ક્લાસરૂમ શરૂ કરી રહ્યા છે. પર્સનલ કમ્પ્યુટર, ડેસ્કટોપ અથવા લેપટોપનો ઉપયોગ કરનાર કોઈપણ વ્યક્તિ આ કોર્સ કરી શકે છે. પરંતુ સર્ટિફિકેટ ફક્ત તે જ લોકો માટે ઉપલબ્ધ રહેશે જેઓ જિયોપીસીનો ઉપયોગ કરીને કોર્સ કરશે. અન્ય વ્યક્તિઓને કોમ્પ્લિશન બેઝ આપવામાં આવશે. આ કોર્સ https://www.jio.com/ai-classroom દ્વારા એક્સેસ કરી શકાય છે.
એઆઈ ક્લાસરૂમ કોર્સમાં, શીખનારાઓને ઘણા એઆઈ ટૂલ્સ શીખવાની અને સમજવાની તક મળશે. આ અભ્યાસક્રમ વિદ્યાર્થીઓને AIના મૂળભૂત સિદ્ધાંતોને સમજવાની, તેમના જ્ઞાન અને અભ્યાસને ગોઠવવાની, ડિઝાઇન, વાર્તાઓ અને પ્રસ્તુતિઓ બનાવવાની અને સમસ્યાઓ હલ કરવા માટે AIનો ઉપયોગ કરવાની તક આપશે.
રિલાયન્સ જિયોના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “અમારું માનવું છે કે ટેક્નોલોજીની સાચી શક્તિ દરેક વ્યક્તિને સશક્ત બનાવવાની ક્ષમતામાં રહેલી છે. જિયો એઆઈ ક્લાસરૂમની શરૂઆત સાથે, અમે યુવા વિદ્યાર્થીઓને AI માટે તૈયાર કરવા તરફ નોંધપાત્ર પગલાં લઈ રહ્યા છીએ. આ પહેલ શાળાના બાળકોને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પરિચય કરાવશે. અમે એઆઈ શિક્ષણમાં જીઓપીસી અને જિયો ઇન્સ્ટિટ્યૂટની સુલભતા અને શૈક્ષણિક શ્રેષ્ઠતાનો લાભ લેવા માટે પ્રતિબદ્ધ છીએ. આ પહેલ દરેક માટે AI શિક્ષણ ઉપલબ્ધ કરાવશે અને સુનિશ્ચિત કરશે કે AI ક્રાંતિમાં કોઈ પાછળ ન રહે. “
જિયોપીસી યુઝર્સ હોમ સ્ક્રીન પર ડેસ્કટોપ શોર્ટકટ દ્વારા આ કોર્સને ઍક્સેસ કરી શકે છે. આ કોર્સ મોબાઇલ પર કામ કરશે નહીં. જેઓ જિયો પીસી માંથી કોર્સ મેળવ છે તેમને એડવાન્સ એઆઈ ટૂલ્સની એક્સેસ મળશે. ઉપરાંત, આ કોર્સ પૂર્ણ કર્યા પછી, તમને જિયો ઇન્સ્ટિટ્યૂટ તરફથી સર્ટિફિકેટ પણ મળશે.