Jio Financial Services Listing Share price and Marketcap : જિયો ફાઇનાન્સિયલ સર્વિસિસના શેરનું સ્ટોક એક્સચેન્જ પર શાનદાર લિસ્ટિંગ થયુ હતુ પરંતુ સેશનના અંતે 5 ટકાની નીચલી સર્કિટે શેર બંધ થયો હતો. લિસ્ટિંગની લિસ્ટિંગ સાથે જિયો ફાઇનાન્સ ભારતની ત્રીજા ક્રમની સૌથી મોટી નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની (એનબીએફસી) બની છે. આગામી 10 દિવસ સુધી આ શેર ટ્રેડ ટુ ટ્રેડ સેગમેન્ટમાં રહેશે. ટેલિકોમ સેક્ટરની જેમ ફાઇનાન્સ સેક્ટરમાં જિયો ફાઇનાન્સિયલ સર્વિસિસનો જાદુ ચાલશે કે કેમ તેને લઇ અટકળો તેજ થઇ ગઇ છે.
જિયો ફાઇનાન્સિયલનું શેરબજારમાં લિસ્ટિંગ (Jio Financial Services Listing Share price )
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં ડિમર્જર બાદ 21 ઓગસ્ટ, 2023ના રોજ જિયો ફાઇનાન્સિયલ સર્વિસિસનો સ્ટોક શેરબજારમાં લિસ્ટેડ થયો છે. ગત 20 જુલાઈના રોજ સ્ટોક એક્સચેન્જ પર યોજાયેલા એક સ્પેશિયલ પ્રી-ઓપન સેશન બાદ જિયો ફાઇનાન્સના શેરની કિંમત નક્કી 261.85 રૂપિયા પ્રતિ ઇક્વિટી શેર નિર્ધારિત કરવામાં આવી છે.
બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઇ) પર જિયો ફાઇનાન્સિયલ સર્વિસિનો શેર પૂર્વ નિર્ધારિત ભાવ સામે 265 રૂપિયા ખૂલીને ઉપરમાં 278 રૂપિયા થયો હતો. જો કે સેશનના અંતે શેર 5 ટકાની નીચલી સર્કિટમાં 251.75 રૂપિયાના ભાવે બંધ થયો હતો, જે તેની લિસ્ટિંગના દિવસનો સૌથી નીચો શેર ભાવ છે. આજે 7.3 કરોડ શેરના હાથ બદલા થયા હતા.
નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઇ) પર જિયો ફાઇનાન્સિયલ સર્વિસિસનો શેર 261.85ની પૂર્વ નિર્ધારિત ભાવની સામે 21 ઓગસ્ટ, 2023ના રોજ 262 રૂપિયાના ભાવે ખૂલીને ઉપરમાં 262.05 અને નીચામાં 248 રૂરપિયા થયો હતો. સેશનના અંતે શેર પાંચ ટકા કે 13 રૂપિયા ઘટીને 248.90 રૂપિયા બંધ થયો હતો.
જિયો ફાઇનાન્શિયલ ભારતની ત્રીજા ક્રમની સૌથી મોટી એનબીએફસી (Jio Financial Services Marketcap)
જિયો ફાઇનાન્શિયલનો શેર લિસ્ટિંગના દિવસે 5 ટકાની સર્કિટે 251 રૂપિયાના ભાવે બંધ થયો હતો. આ સાથે બંધ બજારે કંપનીની કુલ માર્કેટ વેલ્યૂએશન 1,59,943 રૂપિયા રહી હતી, જે તેને ભારતની ત્રીજા ક્રમની સૌથી મૂલ્યવાન એનબીએફસી બનાવે છે. બજાજ ફાઇનાન્સ લિમિટેડ 4,26,972 કરોડ રૂપિયાની માર્કેટ વેલ્યૂએશન સાથે ભારતની સૌથી મોટી અને 2,35,901 કરોડ રૂપિયાની માર્કેટકેપ સાથે બજાજ ફિનસર્વ બીજા ક્રમની સૌથી મૂલ્યવાન એનબીએફસી કંપની છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરના શું છે હાલ (RELIANCE INDUSTRIES share price)
શેરબજારમાં સુધારા વચ્ચે પણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં નરમાઇ જોવા મળી હતી. જિયો ફાઇનાન્સિયલ સર્વિસના લિસ્ટિંગના દિવસે જ મુકેશ અંબાણીની માલિકીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર દોઢ ટકા ઘટીને 2518.25 રૂપિયાના ભાવે બંધ થયો હતો. રિલાયન્સ 17,03,751 કરોડ રૂપિયાની માર્કેટકેપ સાથે ભારતીય શેરબજારની સૌથી મૂલ્યવાન કંપની છે.
જિયો ફાઇનાન્સિયલનો શેર 10 દિવસ ટ્રે઼ડ ટુ ટ્રેડ સેગમેન્ટમાં રહેશે (Jio Financial Share Trading)
જિયો ફાઇનાન્સિયલના શેરનું આજે સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટિંગ થયુ છે જો કે આગામી 10 દિવસ સુધીમાં તેમાં 10 દિવસ સુધી ઇન્ટ્રા-ડે ટ્રેડિંગ કરી શકાશે નહીં એટલે કે 10 ટ્રેડિંગ સેશન સુધી તે ટ્રેડ- ટુ – ટ્રેડ સેગમેન્ટમાં રહેશે.
ટ્રેડ-ટુ-ટ્રેડ સેગમેન્ટમાં જો કોઇ શેરનું ટ્રેડિંગ થઇ રહ્યું છે તો તેનો અર્થ એ છે કે આ સ્ટોકમાં માત્ર ડિલિવરી બેસિસ પર કામકાજ થશે. જો તમે આ શેરને સવારે ખરીદીને સાંજે વેચવા ઇચ્છો તો આવું થશે નહીં. એટલે કે એક જ દિવસમાં ખરીદી-વેચાણ થઇ શકશે નહીં. એક જ દિવસમાં ખરીદ – વેચાણને ઇન્ટ્રા-ડે ટ્રેડિંગ કહેવાય છે અને જિયો ફાઇનાન્સિયલ સર્વિસિસનોમાં 10 ટ્રેડિંગ સેશન સુધી ઇન્ટ્રા-ડે ટ્રેડિંગની મનાઇ છે. જો આ દરમિયાન જિયો ફાઇનાન્સિયલ શેરને ખરીદીને તે જ દિવસે વેચવાની કોશિશ કરશો તો ઓર્ડર રિજેક્ટ થઇ જશે એટલે કે 10 સુધી માત્ર ડિલિવરી બેસિસ આધારિત જ ટ્રેડિંગ થશે.
જિયો ફાઇનાન્સિયલને RILનો ફાયદો મળશે (Jio Financial Services Reliance industries)
જિયો ફાઇનાન્સિયલને મૂળ પેરન્ટ કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની માર્કેટ પોઝિશનનો બહોળો લાભ મળશે. હાલ મોટાભાગના ફિનટેક કંપનીઓ પોતાના બિઝનેસના વિકાસ અને વૃદ્ધિ માટે ટેકનોલોજીનો ઉપયોગ છે. આવી સ્થિતિમાં જિયો ફાઇનાન્સને તેની પેરન્ટ કંપનીની સબસિડીયરી જિયો ઇન્ફોકોમની ટેલિકોમ સર્વિસનો ફાયદો થશે. હાલ જિયો ઇન્ફોકોમ ભારતની નંબર વન ટેલિકોમ કંપની છે અને ભારતના મોટાભાગના વિસ્તારને આવરી લીધો છે.





