Reliance Industries announced Jio Financial Services Share Listing Date: મુકેશ અંબાણીના રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ગ્રૂપની ફાઇનાન્સિયલ સબસિડીયરી કંપની જિયો ફાઇનાન્સિયલ સર્વિસિસના લિસ્ટિંગ અંગે મોટી ઘોષણા કરી છે. જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસના શેર 21 ઓગસ્ટના રોજ સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ થશે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે 18 ઓગસ્ટ, શુક્રવારે સ્ટોક એક્સચેન્જને મોકલેલા એક નોટિફિકેશનમાં આ માહિતી આપી હતી. નોંધનિય છે કે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ગયા મહિને જિયો ફાઇનાન્શિયલ સર્વિસને ડીમર્જ કરી હતી.
રિલાયન્સના ક્યા શેરધારકોને જિયો ફાઇનાન્સના શેર મળશે
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે (RIL) તેની ફાઇનાન્સિયલ સર્વિસિસ કંપનીને 20 જુલાઈના રોજ ડિમર્જ કરી હતી. આ ડિમર્જ બાદ રિલાયન્સ સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનું નામ બદલીને ‘જિયો ફાઇનાન્સિયલ સર્વિસિસ’ (JFSL) કરવામાં આવ્યું છે. આ રિલાયન્સની નવી કંપની છે. આ ડિમર્જર હેઠળ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના શેરધારકોને જિયો ફાઇનાન્સના શેર આપવાનુ નક્કી કરાયુ છે. જેમાં 19 જુલાઇ સુધી જે રોકાણકારો પાસે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર હશે તેમને 1:1ના રેશિયોમાં જિયો ફાઇનાન્સના શેર મળશે. 19 જુલાઇના રોજ શેરધારકો પાસે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના 100 ઇક્વિટી શેર હશે તો તેમને જિયો ફાઇનાન્સના 100 શેર આપવામાં આવશે.
જિયો ફાઇનાન્સિયલ શેરની કિંમત કેટલી છે? (Jio Financial Services stock price)
Jio Financial ના એક શેરની કિંમત 261.85 રૂપિયા છે. 20 જુલાઈના રોજ સ્ટોક એક્સચેન્જો પર આયોજિત એક કલાકના સ્પેશિયલ પ્રી-ઓપન સેશન બાદ કિંમત નક્કી કરવામાં આવી હતી. ત્યારથી Jio Financial ના શેર સૂચકાંકોમાં ડમી ટિકર હેઠળ લિસ્ટેડ છે. જો કે, તે સમયે શેર લિસ્ટેડ ન હોવાથી ખરીદી અને વેચાણ થઈ શક્યું નથી.
જિયો ફાઇનાન્સિયલ સર્વિસિસના લિસ્ટિંગની તારીખ FTSE રસેલ તરફથી જિયો ફાઇનાન્સને પોતાના ઇન્ડેક્સ પરથી હટાવવાની યોજનાના એક દિવસ પહેલા નક્કી કરવામાં આવી છે. ઇન્ડેક્સ સર્વિસ પ્રોવાઇડરે કહ્યુ કે, તેમણે નિર્ણય એટલા માટે લીધો છે કારણ કે શેર બજારમાં અત્યાર સુધી ટ્રેડિંગ શરૂ થયુ ન હતુ.
જિયો ફાઇનાન્સિયલના સ્ટોક ક્યા શેર ગ્રૂપમાં હશે?
BSEએ એક નોટિસમાં જણાવ્યું હતું કે, “એક્સચેન્જના ટ્રેડિંગ સભ્યોને જાણ કરવામાં આવે છે કે સોમવાર, 21 ઓગસ્ટ, 2023 થી, Jio Financial Services Limited (અગાઉ રિલાયન્સ સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટમેન્ટ્સ લિમિટેડ તરીકે ઓળખાતું હતી) ના ઇક્વિટી શેર લિસ્ટેડ થશે અને T ગ્રૂપની સિક્યોરિટીઝની યાદીમાં એક્સચેન્જ પર ટ્રેડિંગ કરવા માટે સ્વીકારવામાં આવશે.”
નિવેદનમાં વધુમાં જણાવાયું છે કે શેર 10 ટ્રેડિંગ દિવસો માટે ટ્રેડ-ફોર-ટ્રેડ સેગમેન્ટમાં રહેશે. Jio ફાયનાન્સિયલ સર્વિસિસના શેર ગયા અઠવાડિયે શેરધારકોના ડીમેટ ખાતામાં જમા કરવામાં આવ્યા હતા.
જિયો ફાઇનાન્સની લિસ્ટિંગના અહેવાલે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં સુધારો (Reliance Industries share price)
જિયો ફાઇનાન્સિયલ સર્વિસના શેર લિસ્ટિંગની તારીખની ઘોષણા થયા બાદ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં સુધારો જોવા મળ્યો હતો. શુક્રવારે રિલાયન્સનો શેર બીએસઇ પર 2577 ઇન્ટ્રા-ડે ટોચ બનાવી સેશનના અતે 1 ટકા વધીને 2556 રૂપિયા બંધ થયો હતો.





