LIC Policy Revival Campaign: એલઆઈસી પોલિસી ધારકો માટે એક મોટા સમાચાર આવ્યા છે. જેમની એલઆઈસી પોલીસી લેપ્સ થઇ ગઇ છે, એટલે કે વીમા પોલિસીનું પ્રીમિયમ સમયસર ન ચૂકવવાથી વીમા પોલિસી બંધ થઇ ગઇ છે, તે ફરીથી શરૂ કરાવવાની ઉત્તમ તક આવી છે. હકીકતમાં સરકારી વીમા કંપની લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશને એક સાથે પોલિસી રિવાઇવલ અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન હેઠળ પોલિસીધારકો પોતાની લેપ્સ થયેલી એલઆઈસી પોલિસી ફરી ચાલુ કરાવી શકે છે.
સૌથી ખાસ વાત એ છે કે, પોલિસી રિવાઇવલ કરાવવા પર લેટ ફીમાં 30 ટકા સુધીની રાહત આપવામાં આવી છે. ચાલો જાણીયે લેપ્સ એલઆઈસી પોલિસી ક્યાં સુધી રિવાઇવલ કરી શકાશે? કઇ પોલિસી ફરી ચાલુ કરાવી શકાશે?
LIC પોલિસી રિવાઇવલ અભિયાન ક્યાં સુધી ચાલુ રહેશે?
એલઆઈસીએ પોલિસી રિવાઇવલ અભિયાન શરૂ કર્યું છે. એલઆઈસી પોલિસી રિવાઇવલ અભિયાન 18 ઓગસ્ટ, 2025થી શરૂ થયો છે, જે 17 ઓક્ટોબર 2025 સુધી ચાલુ રહેશે. પોલિસીધારકો તેમની લેપ્સ એલઆઈસી પોલિસી ફરી શરૂ કરાવી શકશે.
કઇ લેપ્સ વીમા પોલિસી ફરી શરૂ કરી શકાશે?
LIC એ આપેલી જાણકારી મુજબ, એવી વીમા પોલિસી જે પ્રથમ પ્રીમિયમ ન ચૂકવવાની તારીખી 5 વર્ષની અંદર છે અને જેમન પોલિસી ટર્મ હજી સમાપ્ત થયો નથી, તેવી એલઆઈસી પોલિસી રિવાઇવ કરી શકાય છે. ઉદાહરણથી સમજીયે – ધારો કે તમે ડિસેમ્બર 2020માં 10 વર્ષની મુદ્દત સુધી પર્સનલ, નો માર્કેટ લિંક્ડ પોલિસી ખરીદી હતી, જેમા 5 વર્ષ સુધી વીમા પ્રીમિયમ ચૂકવવાનું હતું. પરંતુ 2021 બાદ તમે સતત 3 વર્ષ સુધી પ્રીમિયમ ભર્યું નથી, જેના કારણે તમારી વીમા પોલિસી લેપ્સ થઇ ગઇ છે. પરંતુ આ પોલિસી પ્રીમિયમ ચૂકવવાની મુદ્દત (5 વર્ષ) ની અંદર લેપ્સ થઇ છે અને 10 વર્ષનો ટર્મ હજી સમાપ્ત થયો નથી. આવી સ્થિતિમાં તમે આવી લેપ્સ થયેલી વીમા પોલિસી ફરી શરૂ કરાવી શકો છો.
વીમા પોલિસી ક્યારે લેપ્સ થાય છે અને ગ્રેસ પ્રીરિયડ શું હોય છે?
તમને જણાવી દઇયે કે, જો તમે વીમા પ્રીમિયમ છેલ્લી તારીખ સુધી નથી ચૂકવતા, તો ઇન્શ્યોરન્સ પોલિસી તરત જ લેપ્સ થતી નથી. વીમા કંપનીઓ તમને પ્રીમિયમ પેમેન્ટ માટે વધારાનો સમય આપે છે. આ સમયને ગ્રેસ પીરિયડ કહેવાય છે. જો તમે આ ગ્રેસ પીરિયડ દરમિયાન પણ વીમા પ્રીમિયમ ચૂકવતા નથી, તો કંપની લેટ ફી અને વ્યાજ વસૂલવાનું શરૂ કરી દે છે. ગ્રેસ પીરિયડ દરમિયાન વીમા પ્રીમિયમ ન ચૂકવવાથી વીમા પોલિસી લેપ્સ થઇ જાય છે. નોંધનિય છે કે, દર મહિને પ્રીમિયમ ચૂકવવા વાળી વીમા પોલિસીનો ગ્રેસ પીરિયડ 15 દિવસનો હોય છે, જ્યારે ત્રિમાસિક કે છ માસિક પ્રીમિયમ વાળી વીમા પોલિસીનો ગ્રેસ પીરિયડ 30 દિવસનો હોય છે.