સરકાર દેશની સૌથી મોટી વીમા કંપની લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન (LIC)ના શેરમાં સંપૂર્ણ તેજીની સંભાવનાને સાકાર કરવા અને રોકાણકારો માટે જંગી રિટર્નર આપવા માટે તેની સ્ટ્રેટેજીમાં ફેરફાર કરવાની યોજના બનાવી રહી છે. એક અધિકારીએ જણાવ્યું કે સરકાર LIC પર ફેરફાર કરવા માટે દબાણ કરી રહી છે.
લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન (LIC)નો શેર 17 મે, 2022ના રોજ શેરબજારમાં લિસ્ટેડ થયો હતો. કંપનીના શેરની ઇશ્યૂ પ્રાઇસ 949 રૂપિયા છે અને શેર લિસ્ટેડ થયો ત્યારથી આજ દિન સુધી તેની ઇશ્યૂ કિંમતથી નીચે ટ્રેડ થઇ રહ્યો છે. ગુરુવારના રોજ એલઆઇસીનો શેર BSE ખાતે 595 રૂપિયાના ભાવે બંધ થયો હતો.
જો કે, વિદેશી બ્રોકરેજ આગામી વર્ષમાં LIC માટે ઊંચી વેલ્યૂ પ્રાઇસ નક્કી કરવા માટે ઉત્સાહિત છે કારણ કે તેઓને લાગે છે કે વીમા કંપની પાસે મીડિયમ- ટર્મ માટે સારી સંભાવના રહેલી છે, ઓછી જોખમ ધરાવતી અસ્કયામતો અને એમ્બેડેડ મૂલ્ય (ROEV) પર મજબૂર કોર ઓપરેટિંગ રિટર્ન છે. બીજી તરફ, સિટી ગ્રૂપે 14 ઓક્ટોબરના રોજ એક રિસર્ચ રિપોર્ટમાં LICના શેર માટે 1,000 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે.
કેવા ફેરફાર ઇચ્છે છે સરકાર
નાણા મંત્રાલય તેમની કામગીરીની સમીક્ષામાં એલઆઈસીના મેનેજમેન્ટને એવા પગલાંઓ લેવા સૂચન કર્યુ છે, જેથી રોકાણકોરાના મૂડીપ્રવાહને આકર્ષી શકાય અને રિટર્ન વધારવા માટે નોન-પાર્ટ્સ પ્રોડક્ટ્સ કે ટર્મ પ્લાન પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે.
અધિકારીએ કહ્યું કે, LICના લિસ્ટિંગ સાથે 65 વર્ષથી વધુ જૂની સંસ્થાના આધુનિકીકરણની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અધિકારીએ જણાવ્યું હતું કે, પ્રોડક્ટ ઓફર કરવા અને પોલિસીધારકોને ઓછું ડિવિડન્ડ ચૂકવવા માટે આવી પદ્ધતિ પર કામગીરી કરવામાં આવી રહી છે. આથી, નોન- પાર્ટ્સ ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ્સમાં યુઝર પોલિસીધારકો સાથે ડિવિડન્ડના રૂપમાં નફોની વહેંચણી કરવાની જરૂર રહેશે નહીં.
નોંધનિય છે કે, LICનો પ્રથમ ત્રિમાસિકનો સ્ટેન્ડઅલોન ચોખ્ખો નફો એક વર્ષ અગાઉના ગાળાના 2.94 કરોડ રૂપિયાથી વધીને 682.88 કરોડ રૂપિયા થયો છે. LIC એ માર્ચ 2022 સુધીમાં 5,41,492 કરોડ રૂપિયાની એમ્બેડેડ વેલ્યૂ નોંધાવી, જે માર્ચ 2021માં 95,605 કરોડ રૂપિયા અને સપ્ટેમ્બર 2021માં 5,39,686 કરોડ રૂપિયા હતી.
તમને જણાવી દઇયે કે, LICનો IPO શેર દીઠ 902-949 રૂપિયાની ઇશ્યૂ પ્રાઇસ બેન્ડમાં આવ્યો હતો. ભારતની સૌથી મોટી સરકારી વીમા કંપની LICનો હિસ્સો વેચીને સરકારે 21,000 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.