દેશમાં પહેલીવાર લિથિયમનો ભંડાર મળી આવ્યો છે. જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (GSI) એ ગુરુવારે આ માહિતી આપી છે. જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા એ જણાવ્યું કે, દેશમાં આટલી મોટી સંખ્યામાં લિથિયમ ખનિજનો ભંડાર પહેલીવાર મળી આવ્યો છે. ભારત લિથિયમ મેટલ સહિત મુખ્ય ખનિજોની સપ્લાય ચેઇનને મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. વાસ્તવમાં, લિથિયમ ધાતુનો ઉપયોગ ઇલેક્ટ્રિક વાહનો અને મોબાઇલ ફોનની બેટરીની તૈયારીમાં થાય છે. અત્યાર સુધી ભારત લિથિયમની માંગને પહોંચી વળવા અન્ય દેશોમાંથી આયાત પર નિર્ભર રહેતું હતું, પરંતુ હવે દેશમાં જ વિશાળ જથ્થામાં લિથિયમનો ભંડાર મળી આવતા ઇલેક્ટ્રીક વ્હિકલ, લિથિયમ બેટરીના મેન્યુફેક્ચરિંગને વેગ મળશે તેવી અપેક્ષા છે.
ક્યાં અને જેટલા ટન લિથિયમનો ભંડાર મળ્યો
ભારતના કેન્દ્ર શાસિત જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં લિથિયમ ખનિજનો વિશાળ ભંડાર મળી આવ્યો છે. જીએસઆઈએ તેના નિવેદનમાં જણાવ્યું છે કે જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં 59 લાખ ટન લિથિયમ મેટલ (અંદાજિત માત્રામાં ખનિજ ધાતુ)નો ભંડાર મળી આવ્યો છે. દેશમાં લિથિયમ ખનિજનો વિપુલ જથ્થો મળી આવતા હવે ઈલેક્ટ્રિક વ્હીકલ અને મોબાઈલ ફોન મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝ વાયુ વેગે હરણફાળ ભરશે તેવી અપેક્ષા છે. લિથિયમ ખનિજની નિયમિત સપ્લાયની ખાતરી થતા હવે દેશમાં જ ઇલેક્ટ્રિક વ્હિકલના મેન્યુફેક્ચરિંગનો માસ્ટર પ્લાન બનાવવામાં મદદ મળશે.
હાલ લિથિયમ માટે ભારત આયાત ઉપર નિર્ભર
લિથિયમ ખનિજનો ઉપયોગ ઇલેક્ટ્રિક વ્હીકલ અને મોબાઇલ ફોન જેવા ઉપકરણો માટેની બેટરી બનાવવા માટે થાય છે. ભારતમાં બેટરી બનાવવા માટે અત્યાર સુધી ઓસ્ટ્રેલિયા અને આર્જેન્ટિના જેવા દેશોમાંથી લિથિયમની આયાત કરવામાં આવતી હતી. પરંતુ જમ્મુ અને કાશ્મીરમાં લિથિયમનો વિપુલ ભંડાર મળી આવતા વિદેશમાંથી તેની આયાત પરની નિર્ભરતામાં ઘટાડો થશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે હવે ભારત લિથિયમની માંગને પહોંચી વળવા અને ઇલેક્ટ્રિક વાહનો અને મોબાઇલ ફોનની બેટરી તૈયાર કરવા માટે જમ્મુ અને કાશ્મીરના લિથિયમ ભંડારનો ઉપયોગ કરી શકેશે.